Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

શાપરમાં રિક્ષા ઉભી રાખી સોડા પી રહેલા રાજકોટના સનીનું કારની ઠોકરે મોત

માતા-માસીનો બચાવઃ ચુનારાવાડથી ફઇની ઘરે જતી વખતે કારચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવતાં ધુળધોયા પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૦: શાપર વેરાવળામાં નર્મદા ગેઇટ સામે રિક્ષા ઉભી રાખી પોતાના માતા અને માસી સાથે સોડા પી રહેલા રાજકોટના ધુળધોયા યુવાનનું કારની ઠોકરે ચડી જતાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્‍યા મુજબ ચુનારાવાડ-૩માં રહેતો સનીભાઇ દાનાભાઇ બાવરીયા (ધુળધોયા) (ઉ.વ.૩૦) ગઇકાલે પોતાની રિક્ષામાં માતા મંજુબેન અને માસી જયશ્રીબેનને બેસાડી શાપરથી આગળ રહેતાં પોતાના ફઇના ઘરે જઇ રહ્યો હતો. દરમિયાન સાંજે સાડા ચારેક વાગ્‍યે શાપરના નર્મદા ગેઇટ નજીક રિક્ષા ઉભી રાખી સની, માતા અને માસી સોડા પીવા ઉભા હતાં. આ વખતે જ બંબાટ નીકળેલી કારના ચાલકે રિક્ષા પાસે ઉભેલા સનીને ઉલાળી દેતાં અને રિક્ષામાં પણ સ્‍હેજ ઠોકર લાગતાં સનીને ગંભીર ઇજા થઇ હતી. માતા અને માસીનો બચાવ થયો હતો.

સનીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશભાઇ સરવૈયાએ શાપર પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર બે ભાઇમાં નાનો હતો. તેની પત્‍નિનું બે વર્ષ પહેલા અવસાન થયું હતું. આ બનાવથી એક પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં ગમગીની છવાઇ ગઇ હતી. અકસ્‍માત સર્જી ભાગી ગયેલા કાર ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

(11:54 am IST)