Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

રૈયાના પરશુરામ મંદિર સામે તળાવમાં પાંચ ડૂબ્યાઃ બે છાત્રાનો બચાવઃ બે છાત્ર, એક યુવાન મળી ત્રણના મોત

નાણાવટી ચોકમાં આવેલી વિશ્વજ્યોત સ્કૂલમાં ધોરણ-૧૨માં ભણતી પૂજા, દર્શના, શકિત અને અજય મેલડી માના મંદિરે દર્શન કર્યા બાદ પરશુરામ મંદિરે આવ્યાઃ મંદિર બંધ હોઇ સામેના તળાવ પર ફોટા પાડવા ગયાઃ સેલ્ફી-ફોટા લેતી વખતે પહેલા દર્શના ડૂબી, તેને બચાવવા જતાં શકિત, તેને બચાવવા જતાં અજય ડૂબ્યોઃ પૂજા ત્રણેયને તણાતા જોઇ હેબતાઇ ગઇઃ આ બધાને બચાવવા જતાં તરૂણભાઇ મેરજાએ દોટ મુકીઃ બે છાત્રા તો બચી ગઇ પણ અજય, શકિત અને તરૂણભાઇ ડૂબી ગયા : મૃતકોમાં રૈયાધારના અજય જીતુભાઇ પરમાર (ઉ.૧૭), શકિત સોલંકી (ઉ.૧૭) તથા તથા સાધુ વાસવાણી રોડના તરૂણભાઇ મેરજાનો સમાવેશઃ તરૂણભાઇ સાથે તેની ૭ વર્ષની દિકરી પણ હતીઃ તે દૂર ઉભી હોઇ બચી ગઇઃ લોકોના ટોળે ટોળાઃ પોલીસ ઘટના સ્થળે : મોતની સેલ્ફી એક છાત્રા સેલ્ફી લેતી વખતે ડૂબી તેને બચાવવાના પ્રયાસમાં એક પછી એક ચાર ડૂબ્યાઃ બેનો બચાવ થયો, ત્રણના જીવ ગયા

ગોઝારી ઘટનાઃ રૈયા ગામ પરશુરામ મંદિર સામેના તળાવમાં બે છાત્રા, બે છાત્રો અને એક યુવાન મળી પાંચ ડૂબી ગયા હતાં. જેમાંથી બે છાત્રાનો બચાવ થયો હતો. જ્યારે તેની સાથે જ ભણતાં બે છાત્રા અજય પરમાર, શકિત સોલંંકી તથા આ બધાને બચાવવા કૂદેલા તરૂણભાઇ મેરજા (પટેલ) ડૂબી જતાં મોત મળ્યું હતું. તસ્વીરોમાં તળાવ, ચેતવણીનું બોર્ડ, ફાયર બ્રિગેડના તરવૈયાઓ, તથા મૃતક યુવાનનું લાયસન્સ, ફાયર બ્રિગેડના જવાનોએ મૃતદેહો બહાર કાઢ્યા તે દ્રશ્યો, ત્રણેય હતભાગીના નિષ્પ્રાણ દેહ અને જે બે છોકરીઓ બચી ગઇ તેની પાસેથી માહિતી મેળવી રહેલા પી.આઇ. આર. એસ. ઠાકર તથા પીએસઆઇ રબારી, નીચેની તસ્વીરમાં છાત્રા-છાત્રના વાહનો અને બનાવ સ્થળે લોકોના ટોળે ટોળા જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

નજરે જોનારા દેવજીભાઇ ગોવાણીએ કહ્યું-એક ભાઇએ બૂમ પાડતાં હું વાડીમાંથી વાયર લઇને દોડ્યો ને બે છોકરીને બચાવી લીધી

. આ ઘટનાના સાક્ષી દેવજીભાઇ સગરામભાઇ ગોવાણી (કોળી)એ કહ્યું હતું કે એક ભાઇએ વાડીમાંથી દોરડા કે જે કંઇ હોય તે લઇને આવવાની બૂમો પાડતાં એ સાંભળીને હું વાડીમાંથી વાયર મળતાં તે લઇને તળાવ તરફ દોડી આવ્યો હતો. એ વાયર લાંબો કરતાં બે છોકરીઓના હાથમાં આવી જતાં તે પકડીને બહાર આવી ગઇ હતી. મદદ માટે બૂમો પાડનાર ભાઇ (તરૂણભાઇ) અને બીજા બે છોકરા ડૂબી ગયા હતાં.

રાજકોટ તા. ૧૦: રૈયાના પરશુરામ મંદિર સામેના તળાવ પર બપોરે ગોઝારી દૂર્ઘટના બની હતી. ગાંધીગ્રામ નાણાવટી ચોકમાં આવેલી વિશ્વજ્યોત સ્કૂલના ધોરણ-૧૨ના બે છાત્રો અને બે છાત્રા તળાવે મોબાઇલથી સેલ્ફી-ફોટા લેતી વખતે ડૂબતાં તેને બચાવવા જતાં એક પટેલ યુવાન પણ ડૂબી ગયા હતાં. બે છાત્રા તો બચી ગઇ હતી. પરંતુ તેની સાથેના બે છાત્ર અને બચાવવા દોટ મુકનારા પટેલ યુવાન ડૂબી જતાં આ ત્રણેયના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતાં. બનાવને પગલે મૃતકોના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. યુનિવર્સિટી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ રૈયાધાર વિસ્તારમાં રહેતી અને નાણાવટી ચોકમાં આવેલી વિશ્વજ્યોત વિદ્યાલયમાં ધોરણ-૧૨માં અભ્યાસ કરતી પૂજા અને દર્શના નામની બે છાત્રા બપોરે શાળાએથી છુટ્યા બાદ ઘરે પહોંચી હતી. જમ્યા બાદ ફરીથી બંને નીકળી હતી અને મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા જવાની માનતા હોઇ ત્યાં લુના પર ગઇ હતી. તેની સાથે તેના જ વર્ગમાં સાથે ભણતાં રૈયાધારના અજય જીતુભાઇ પરમાર (ઉ.૧૭) અને શકિત સોલંકી (ઉ.૧૮) પણ પોતાનું કાઇનેટીક ટુવ્હીલર લઇને ગયા હતાં.

પહેલા આ ચારેય છાત્રા-છાત્રો મેલડી માતાજીના મંદિરે ગયા હતાં. એ પછી બધા રૈયા ગામથી આગળ પરશુરામ મંદિરે પહોંચ્યા હતાં. પણ મંદિર બપોરના સમયે બંધ હોઇ ચારેય સામે જ આવેલા તળાવે લટાર મારવા ગયા હતાં. ત્યાં પહોંચ્યા પછી મોબાઇલથી ફોટા, સેલ્ફી લેવાનું શરૂ કર્યુ હતું. આ વખતે સોૈ પહેલા દર્શનાનો પગ લપસતાં તે તળાવના ઉંડા પાણીમાં પડી ગઇ હતી. તેને બચાવવા માટે શકિત કૂદ્યો હતો. તે પણ ડૂબવા માંડ્યો હતો.

શકિતને બચાવવા અજયએ પાણીમાં છલાંગ મારતાં તે પણ ડૂબવા માંડ્યો હતો. છેલ્લે પૂજા આ ત્રણેયને બચાવવા દોડી હતી અને બચાવો-બચાવોની બૂમો પાડી હતી. આ વખતે પોતાની સાતેક વર્ષની દિકરીને સાથે લઇ આ તળાવે માછલાને લોટ-રોટલી નાંખવા આવેલા ૩૫ વર્ષના યુવાને ચારેયને બચાવવા દોટ મુકી હતી. તેણે બૂમાબૂમ કરતાં નજીની વાડીમાંથી એક ભાઇ વાયર લઇને દોડી આવ્યા હતાં. આ વાયરના સહારે બે છાત્રા બચીને બહાર આવી ગઇ હતી.

પરંતુ આ બંનેની નજર સામે જ તેની સાથે ભણતાં અજય, શકિત અને બચાવવા કૂદેલા યુવાન ડૂબી ગયા હતાં. આ ત્રણેયના મૃતદેહ વારાફરતી ફાયર બ્રિગેડના તરવૈયાઓએ બહાર કાઢતાં કલ્પાંત સર્જાયો હતો. પી.આઇ. આર. એસ. ઠાકર, પીએઅસાઇ બરવાડીયા, ઇકબાલભાઇ, પ્રદિપભાઇ સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી.

પોલીસ તપાસમાં બે છાત્રો અજય અને શકિતના મૃતદેહ ઓળખાઇ ગયા હતાં. તેને બચાવવા જતાં મોતને ભેટેલા યુવાનનું નામ તરૂણભાઇ મેરજા (રહે. સાધુ વાસવાણી રોડ આસોપાલવ પાર્ક) હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. તેઓ પોતાની દિકરીને લઇને માછલાને લોટ-રોટલી નાંખવા આવ્યા હતાં. તેમની દિકરી દૂર ઉભી હોઇ તે સદ્દનસિબે બચી ગઇ હતી. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા તળાવ પર ઉમટી પડ્યા છે. મૃતકોના સ્વજનોને જાણ થતાં તેઓ પણ દોડી આવતાં કલ્પાંત સર્જાયો હતો.

(4:22 pm IST)