Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

ભવનાથ પાર્કમાં વોટર સોલાર રિપેરીંગ વખતે દૂર્ઘટનાઃ વિજકરંટથી કારીગર યુવાન અરવિંદભાઇ પટેલનું મોત

મકાન માલિક મહિલા પટેલ સોનલબેન ત્રાડા (ઉ.વ.૩૮)ના પગના પંજાનો લોચો નીકળી ગયોઃ સોલારનો એરપાઇપ વિજતારને અડી જતાં ઘટનાઃ અરવિંદભાઇના મોતથી બે સંતાને પિતાનું છત્ર ગુમાવતાં કલ્પાંત

જ્યાં દૂર્ઘટના બની તે મકાન, અગાસી પર કરંટ લાગવાથી મકાન માલિક મહિલાનો પગના પંજાનો છૂંદો નીકળીને ઉડી ગયો તે, તથા મોતને ભેટેલા કારીગર અરવિંદભાઇ પટેલનો નિષ્પ્રાણ દેહ અને અગાસી પરનું વોટર સોલાર તથા વિસ્તારના કોર્પોરેટર નિલેષભાઇ મારૂ સહિતના લોકો જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૦ : શહેરના હરીધવા રોડ પર ભવનાથપાર્કમાં મહિલાના મકાનની અગાશી પર વોટર સોલાર રીપેરીંગ કરતી વખતે સોલારનો એરનો પાઇપ વીજતારને અડી જતા કરંટ લાગતા કારીગર પટેલ યુવાનનું મોત નિપજયું હતું. જયારે મકાન માલીક મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

મળતી વિગત મુજબ શહેરના હરીધવા રોડ પર આવેલા ભવનાથ પાર્ક શેરી નં.૧૪ રહેતા સોનલબેન રાકેશભાઇ ત્રાડા (ઉ.૩૮) ના ઘરની અગાશી પર રહેલો વોટર સોલારમાં ખારાબી આવતા રીપેર કરાવવા માટે સોલાર કંપનીમાં જાણ કરતા કંપનીના કર્મચારી અરવિંદભાઇ પ્રેમજીભાઇ પડારીયા (ઉ.૪૦) (પટેલ) (રહે.નાગબાઇ પાર્ક-૧ મવડી પ્લોટ) મહિલાના ઘરે પહોંચી અગાશી ઉપર સોલાર રીપેર કરતા હતા અને સોલારની ટાંકીમાંથી પાણી ખાલી કર્યા બાદ અચાનક પાણીની ટાંકી નમી જતા ટાંકીમાં ફીટ કરેલ એરનો પાઇપ અગાશી પાસેથી પસાર થતી ૧૧ કે.વી.ની વીજ લાઇનને અડી જતા ધડાકા સાથે શોટ સર્કિટ થતા અગાસી પર પાણી હોવાના લીધે કારીગર અરવિંદભાઇ પડારીયા અને મકાન માલીક સોનલબેનને કરંટ લાગતા બંને બેભાન થઇ ગયા હતા બનાવ બનતા દેકારો બોલતા આસપાસના લોકો તથા કોર્પોરેટર નીલેષભાઇ મારૂ દોડી આવ્યા હતા અને જાણ કરતા ૧૦૮ ના ઇએમટી કિશનભાઇ તથ પાયલોટ રાજેશભાઇ એ સ્થળ પર પહોંચી સોનલબેન ત્રાડાને બીજી ૧૦૮ ના ઇએમટી હિરેનભાઇ અને પાયલોટ ઉદયભાઇએ સ્થળ પર પહોંચી અરવિંદભાઇ પડારીયાને તાકીદે સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં અરવિંદભાઇ પડારીયાનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. મૃતક અરવિંદભાઇ ત્રણભાઇ બે બહેનમાં નાના હતાં. તે જે. કે. મોલ કંપનીમાં નોકરી કરાતા હતા એક પુત્ર અને પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. આ બનાવની  જાણ થતા ભકિતનગર પોલીસ મથકના  હેડ કોન્સ. રણજીતભાઇ પઢારીયા અને રાઇટર નિલેષભાઇએ તપાસ હાથ ધરી હતી.

(3:56 pm IST)