Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

સ્ટાર રનર્સ સાથે વિવિધ શહેરોના મેરેથોન એમ્બેસેડર સાથે દોડ લગાવશે રાજકોટના દોડવીરો

જો જો ચૂકી ન જવાય : મેરેથોનમાં ભાગ લેવા માટે અદ્દભૂત ઉત્સાહ : 'ફીટ ઈન્ડિયા'ના સૂત્રને સાર્થક કરવાનો આયોજકોનો કોલ : રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તા.૧૫ ડિસેમ્બર

રાજકોટ, તા. ૧૦ : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રોટરી કલબ ઓફ મીડટાઉન આયોજિત 'સવન રાજકોટ મેરેથોન'ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જેમ જેમ મેરેથોનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ દોડવીરોનો ઉત્સાહનો પારો પણ ઉંચે ચડી રહ્યો છે. આ મેરેથોનમાં સ્ટાર રનર્સ અને અન્ય શહેરોના મેરેથોન એમ્બેસેડર સાથે દોડ લગાવવાની ઉમદા તક હોય રજિસ્ટ્રેશન માટે રીતસરનો ધસારો જોવા મળી રહ્યો છે. દરમિયાન આયોજકો દ્વારા 'ફિટ ઈન્ડિયા'ના સૂત્રને સાર્થક કરવાનો કોલ અપાયો હોય તેને સાર્થક કરવા માટે પણ તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. મેરેથોનમાં ભાગ લેવા માટેની છેલ્લી તા. ૧૫ ડિસેમ્બર રાખવામાં આવી હોય દોડવીરોને વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવી લેવા અપીલ કરવામાં આવી છે.

આયોજકોએ જણાવ્યું હતું કે રાજકોટના આંગણે ફરી એક વખત મેરેથોનનું આયોજન ૨૯ ડિસેમ્બરે કરવામાં આવ્યું છે દર વર્ષની માફક આ વર્ષે પણ ૫, ૧૦ અને ૨૧ કિ.મી. (હાફ મેરેથોન)નું આયોજન કરવામાં આવ્યું હોય દરેક કેટેગરીમાં રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. આયોજકો દ્વારા આ મેરેથોનમાં સ્ટાર રનર્સને પણ આમંત્રીત કરવામાં આવ્યા હોય તેઓ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શહેરના દોડવીરોના જોમમાં ઉમેરો કરશે. આ ઉપરાંત ભારતના દરેક મેટ્રોસિટીમાં મેરેથોન એમ્બેસેડરની પણ નિમણૂક કરવામાં આવી છે જે થકી રાજકોટની મેરેથોનને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ફિટ ઈન્ડિયાનું સૂત્ર આપવામાં આવ્યું હોય આ સૂત્ર રાજકોટમાં વાસ્તવિક રીતે સાર્થક થાય તેવા પ્રયાસો મેરેથોનમાં કરવામાં આવશે.

આયોજકોએ ઉમેર્યું કે આઈએએએફ-એઆઈએમએસ કે જે ઈન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરે છે તેના દ્વારા રાજકોટની મેરેથોનના રૂટને પણ લીલીઝંડી આપી દેવામાં આવી છે. આ મેરેથોન દરમિયાન દોડવીરોનો ઉત્સાહ યથાવત રહે તે માટે ઠેર ઠેર આકર્ષક પોઈન્ટ ઉભા કરવામાં આવશે અને આ પોઈન્ટ ઉપર ડી.જે.સહિતની વ્યવસ્થા કરવામાં આવશે. ખાસ કરીને પાંચ કિલોમીટરની મેરેથોનમાં દોડવીરોને પૂરતું મનોરંજન મળી રહે તે માટે ડી.જે. ઉપરાંત 'મેરેથોન કાર્નિવલ'નો માહોલ ઉભો કરવામાં આવશે. જયારે ૨૧ કિલોમીટરના રનર્સ માટે હાઈડ્રેશન પોઈન્ટ ઉપરાંત એનર્જી ડ્રીન્ક અને સપ્લીમેન્ટરી ફૂડ સહિતની વ્યવસ્થા કરવામાં આવશે.

મેરેથોનમાં ભાગ લેવા માટે દોડવીરે અમીન માર્ગ પર આવેલી રોટરી મીડટાઉન કલબ લાઈબ્રેરીનો સંપર્ક કરવાનો રહેશે. વધુ વિગતો માટે મો.૭૫૭૫૦૦૮૦૩૮/૫૮ ઉપર સંપર્ક કરવા આયોજકો દ્વારા જણાવાયું છે. રજિસ્ટ્રેશન કરાવવા માટેની છેલ્લી તા. ૧૫ ડિસેમ્બર હોય તે પહેલાં રજિસ્ટ્રેશન કરાવી લેવા યાદીના અંતમાં જણાવાયુ છે.

(3:51 pm IST)