Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી OBC, ST અને SC. અધ્યાપક મંડળની થયેલ સ્થાપના

કાર્યકારી પ્રમુખ તરીકે અર્થશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો. નવિન શાહ, ઉપ-પ્રમુખ તરીકે ડો. ભગીરથસિંહ માંજરીયા, મંત્રી તરીકે ડો. કૈલાશબેન ડામોર અને સહમંત્રી તરીકે ડો.રાકેશ ભેદીની થયેલ સર્વ સંમતિથી નિમણુંક

રાજકોટ તા. ૧૦: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનોમાં કાર્યરત ઓ.બી.સી. એસ.ટી., અને એસ.સી. કેટેગરીનાં અધ્યાપકોની એક સભા મનોવિજ્ઞાન ભવનના સેમિનાર હોલમાં મળી બેઠકના પ્રારંભે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણે આવકાર્યા સૂટાના પૂર્વ પ્રમુખ પ્રો. જયદીપસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે હાલના સમયમાં અધ્યાપકોની મજબૂત એકતા અનિવાર્ય છે તેમજ અનામત કેટેગરીના અધ્યાપકોના બંધારણીય અધિકારોની હીફાજત માટે આ સંગઠન એક રચનાત્મક સંગઠન તરીકે પરિણામલક્ષી ભૂમિકા અદા કરશે તેવો દૃઢ વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

સર્વે સભાસદોએ એક સાથે દિપ-પ્રાગટ્ય દ્વારા મંડળની (સ્થાપના) કરી હતી. ત્યારબાદ ઉપસ્થિત તમામ અધ્યાપકોએ બંધારણીય સમિતિની રચના કરેલ જેનાં ડો. હરેશ ઝાલા, સૂટાના પૂર્વ પ્રમુખ પ્રો. જયદીપસિંહ ડોડીયા, ડો. નવિન શાહ, ડો. ભગીરથસિંહ માંજરીયા અને ડો. ભરત કટારિયાનો સમાવેશ કરેલ. ત્યારબાદ સર્વે સભાસદોએ સર્વાનુંમતે આ સંગઠનના કાર્યકારી હોદ્દેદારોની નિમણુંક કરેલ. જેમાં આ મંડળના પ્રમુખ તરીકે ડો. નવિન શાહ, ઉપ-પ્રમુખ તરીકે ડો. ભગીરથસિંહ માંજરીયા, મંત્રી તરીકે ડો. કૈલાસબેન ડામોર અને સહમંત્રી તરીકે ડો. રાકેશ ભેદીની નિમણુંક કરવામાં આવી. વધુમાં આ મંડળના કારોબારી સભ્યો તરીકે ડો. યોગેશ જોગસણ, ડો. જે. એમ. ચંદ્રવાડિયા, ડો. ભરત ખેર, ડો. અમર પટેલ, ડો. પ્રભુ ચૌધરી, ડો. ભરત કટારીયા તેમજ ડો. અંજુબેન સોંદરવાનો સમાવેશ કરેલ છે.

જુલાઇ-ર૦૧૬ થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનોના અધ્યાપકો પ્રમોશનથી વંચિત રહ્યા છે. વર્ષમાં બે વાર પ્રમોશન આપવાની જોગવાઇને અભેરાઇએ ચડાવી અને અધ્યાપકોને લાંબા સમયથી બઢતીના હકકથી વંચિત રાખવામાં આવેલ છે તેમજ સીધી ભરતીની જાહેરાતમાં પણ કેટલીક તૃટીઓ ઉડીને આંખે વળગે તેવી છે. આ સ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓ.બી.સી., એસ.ટી., અને એસ.સી. અધ્યાપક મંડળની ભૂમિકા આગામી દિવસોમાં ખૂબજ મહત્વની અને ઐતિહાસિક બની રહેશે. તેમ એક યાદીમાં પ્રો. જયદીપસિંહ ડોડીયાએ જણાવેલ છે.

(3:46 pm IST)