Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

મનહરપુરમાં કોળી પરિવારના ઘર પર જયદિપ હુંબલ અને ૧૦ શખ્સોનો આતંકઃ યુવાનના હાથ-પગ ભાંગી નાંખ્યાઃ તોડફોડ

ત્રણ મહિના પહેલા રિક્ષા પાર્ક કરવા મામલે માથાકુટ થતાં કોળી યુવાને કરેલી ફરિયાદનો ખાર રાખી સશસ્ત્ર ધબધબાટીઃ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : યુનિવર્સિટી પોલીસે ભૂપત જાખેલીયાની ફરિયાદ પરથી જયદિપ હુંબલ, પ્રકાશ હુંબલ, વિભાભાઇ હુંબલ, જીતો હુંબલ, જીતાનો ભાઇ, અશ્વિન, આનંદ, અરશી, મેરૂ, ભરત અને એક ભરવાડ શખ્સ સામે રાયોટીંગ-હત્યાની કોશિષનો ગુનો દાખલઃ સામે જીતુ હુંબલ અને જયદિપ હુંબલે પણ સારવાર લીધી : દિકરા ભૂપતને બચાવવા વચ્ચે પડેલા માતા કાંતાબેનને પણ મારકુટ

આતંક હી આતંક : માધાપર ચોકડી પાસે મનહરપુર-૧માં રિક્ષાચાલક ભૂપત સોમાભાઇ જાખેલીયા (કોળી)ના ઘર પર મનહરપુરના જ આહિર જયદિપ હુંબલે ટોળકી રચી સશસ્ત્ર આતંક મચાવ્યો હતો. તસ્વીરમાં ભૂપતનું ઘર, તેના ભયભીત પરિવારજનો, ઘટના સ્થળે પોલીસનો બંદોબસ્ત તથા જેના હાથ-પગ ભાંગી નંખાયા છે તે ભૂપત (હોસ્પિટલના બિછાને) અને તેના માતા કાંતાબેન જોઇ શકાય છે .

રાજકોટ તા. ૧૦: જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે મનહરપુર-૧માં પંચનાથ મંદિર નજીક રહેતાં રિક્ષાચાલક કોળી યુવાનના ઘર પર સાંજે મનહરપુરના જ આહિર જયદિપ વીભાભાઇ હુંબલ સહિત ૧૧ જણાએ તલવાર, ધોકા, છરીઓ, પાઇપ સહિતના હથીયારો સાથે ધસી જઇ આતંક મચાવી કોળી યુવાનના બંને હાથ અને બંને પગ ભાંગી નાંખી તેમજ બચાવવા આવેલા તેના માતાને પણ મારકુટ કરી ઘરમાં અને રિક્ષામાં તોડફોડ કરી ગૂંડાગીરી આચરતાં ભયનો માહોલ સર્જાઇ ગયો હતો. ત્રણેક મહિના પહેલા રિક્ષા પાર્ક કરવા મામલે થયેલી ચડભડનો ખાર રાખી આ હુમલો કરાયાનું સામે આવતાં પોલીસે રાયોટ, હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે. તેમજ ઘટના સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

હુમલામાં ગંભીર રીતે ઇજા પામનાર મનહરપુર-૧માં રહેતો રિક્ષાચાલક કોળી યુવાન ભૂપત સોમાભાઇ જાખેલીયા (ઉ.૩૬) સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં તેની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે જયદિપ વિભાભાઇ હુંબલ, પ્રકાશ વિભાભાઇ હુંબલ, વિભાભાઇ હુંબલ, જીતો કાનાભાઇ હુંબલ, જીતાનો નાનો ભાઇ, અશ્વિન ખેંગારભાઇ આહિર, આનંદ ખેંગારભાઇ આહિર, અરશી આહિર, મેરૂ આહિર, ભરત હકાભાઇ બહોકીયા, જયદિપના ઘર સામે રહેતાં ભરવાડ શખ્સ મળી અગિયાર જણા સામે આઇપીસી ૩૦૭, ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬ (૨), ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૨૭, ૪૫૨, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

હીચકારા હુમલમાં ભૂપતના બંને હાથ-બંને પગ ભાંગી ગયા છે. તેણે જણાવ્યું હતું કે પોતે પાંચ ભાઇ અને બે બહેનમાં પાંચમા નંબરે છે. સંતાનમાં બે પુત્રી છે. પોતે રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. ત્રણેક મહિના પહેલા તેણે ઘર પાસે રિક્ષા પાર્ક કરી હતી એ રિક્ષા ત્યાં પાર્ક કરવાની જયદિપ હુંબલે ના પાડી ઝઘડો કર્યો હતો. તે વખતે ફરિયાદ કરી હોઇ ત્યારથી પોતાની સાથે જયદિપ મનદુઃખ રાખતો હતો. પોતે મકાન ખાલી કરી ભાગી જાય એ હેતું તે સતત હેરાન કરતો હતો. ગત સાંજે પણ જયદિપ નીકળ્યો હતો અને ફરીથી  'તને ના પાડી છતાં શું કામ રિક્ષા પાર્ક કરે છે?' તેમ કહી ફરીથી ઝઘડો અને ગાળાગાળી કર્યા હતાં.

એ પછી ભૂપત ઘરમાં જતો રહ્યો હતો. થોડીવાર બાદ જયદિપ ટોળકી રચીને આવ્યો હતો અને તલવાર, છરી, પાઇપ, ધોકા સાથે ઘરમાં ઘુસી જઇ ભૂપત પર તૂટી પડી તેના બંને હાથ અને બંને પગ ભાંગી નાંખ્યા હતાં. તેમજ શરીરે ઇજાઓ કરી હતી. તેના માતા કાંતાબેન સોમાભાઇ જાખેલીયા (ઉ.૬૫) વચ્ચે પડતાં તેને પણ ટોળાએ મારકુટ કરતાં તેમને પણ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ટોળકીએ બેફામ ધમાલ મચાવી ઘરમાં તોડફોડ કરી હતી તેમજ ભૂપતની રિક્ષામાં પણ ભાંગફોડ કરી આતંક મચાવતાં પરિવારના સભ્યો ફફડી ગયા હતાં. ઘરના ડેલામાં પણ હથીયારોના ઘા ફટકારી નુકસાન કર્યુ હતું. લોકો ભેગા થઇ જતાં આ બધા ભાગી ગયા હતાં.

ભૂપત અને તેના માતા કાંતાબેનને હોસ્પિટલે ખસેડાતાં યુનિવર્સિટી પોલીસને જાણ થતાં પી.આઇ. આર. એસ. ઠાકર સહિતની ટીમ હોસ્પિટલે અને ઘટના સ્થળે દોડી ગઇ હતી. બીજી તરફ હુમલો કરનારા પૈકીના પણ બે શખ્સો જીતુ કાનાભાઇ હુંબલ (ઉ.૩૪) અને જયદિપ વિભાભાઇ હુંબલ (ઉ.૨૩)એ પણ પોતાના પર ભૂપત સોમાભાઇ સહિતનાએ છરીથી હુમલો કરી ઇજા કર્યાની રાવ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. જો કે રાતે જ તેણે રજા લઇ લીધી હતી. રાતે ફરીથી ડખ્ખો ન થાય એ માટે તકેદારી રૂપે ઘટના સ્થળે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. હુમલાખોરોને શોધી કાઢવા પોલીસે તપાસ શરૂ કરી છે.

(1:19 pm IST)
  • કાશ્મીરમાં ઇન્ટરનેટ શરૂ કરવા અમેરીકી સંસદમાં ઠરાવ મુકાયો!! :૨૫ હજારથી વધુ ભારતીય અમેરીકનોએ ઇ-મેઇલ કરી ઉગ્ર વિરોધ કર્યોઃ કાયદો નહિ બની શકે access_time 1:09 pm IST

  • દેશમાં રોજગારીની કોઈ કમી નથી : નોટબંધી પછી બેરોજગારી વધ્યાના કોઈ ચિન્હ દેખાતા નથી : લોકસભામાં શ્રમ રોજગાર મંત્રી ગંગવાર ઉવાચ access_time 8:08 pm IST

  • સેન્સેકસ રરર પોઇન્ટ ઘટીને ૪૦ર૬૪ અને નીફટી ૭ર પોઇન્ટ ઘટીને ૧૧૮૬પઃ ડોલર સામે રૂપિયો ૭૦.૮૯ ઉપર છે access_time 3:33 pm IST