Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

કુચીયાદડ જમીન પ્રકરણ : કલેકટર તંત્રને હાઈકોર્ટમાં જવાની સરકારની મંજૂરી : ધારાશાસ્ત્રીને દસ્તાવેજો અપાયા

તત્કાલીન કલેકટર ડો. વિક્રાંત પાંડેએ આખુ કૌભાંડ ઉજાગર કરી હુકમો રદ્દ કર્યા'તા : કલેકટરના હુકમોને મહેસુલ સચિવ અપીલે રદ્દ કર્યા'તા : આ પછી સરકાર હવે હાઈકોર્ટમાં જશે : કુચીયાદડ સર્વે નં. ૨૫૬ પૈકી ૪ એકર જમીનનો મામલો : માલતીબેન આત્રોલીયાના ૩ કેસ

રાજકોટ, તા. ૧૦ : કુચીયાદડ જમીન પ્રકરણ - કૌભાંડમાં આખરે રાજકોટ કલેકટર તંત્રને હાઈકોર્ટમાં એલપીએ - રીટ દાખલ કરવાની મંજૂરી આપતા કરોડો રૂ.ની આ ૪ એકર જમીનનો મામલો હાઈકોર્ટમાં ગાજશે. કુચીયાદડ સર્વે નં. ૨૫૬ પૈકીની ૪ એકર જમીનના તમામ દસ્તાવેજો સરકારી ધારાશાસ્ત્રીને આપી દેવાયાનું અને હવે અપીલ દાખલ કરનાર હોવાનું કલેકટર કચેરીના સૂત્રોએ ઉમેર્યુ હતું.

સાધનોએ ઉમેર્યુ હતું કે આ જમીન પ્રકરણમાં તત્કાલીન કલેકટર ડો.વિક્રાંત પાંડેએ આખુ કૌભાંડ ઉજાગર કરી હુકમો કર્યા હતા. કુલ ૪ એકર જમીન માલતીબેન બચુભાઈ અખોલીયા અને અન્ય ત્રણની હતી, અને જે જગ્યાએ જમીન હોવી જોઈએ તેના બદલે જમીનની માપણી જુદા સ્થળે કરી હાઈવે ટચ જમીન દેખાડી દેવાઈ હતી, પરિણામે આ જમીનનો જબરો ભાવ વધી ગયો હતો, ડીઆઈએલઆરના એકથી બે માપણીકારો - સર્વેયરોએ કૌભાંડ આચર્યાનું તત્કાલીન કલેકટર ડો. વિક્રાંત પાંડેએ નોંધી હુકમો તમામ રદ્દ કરી નાખ્યા હતા અને જવાબદારો સામે કડક પગલા લેવા ભલામણ કરી હતી, આ પ્રકરણે ત્યારે ભારે ખળભળાટ સર્જી દીધો હતો.

આ પછી કલેકટરના હુકમ સામે પાર્ટી મહેસુલ સચિવ અપીલ સમક્ષ દોડી ગઈ હતી, જયાં કેસ ચાલી જતાં કલેકટરના હુકમો રદ્દ કર્યા હતા. આ સામે કલેકટર તંત્ર રાજકોટે સરકારમાં આ કેસ બાબતે હાઈકોર્ટમાં જવા મંજૂરી માંગતા, સરકારે આખરે મંજૂરી આપી દીધી છે અને ધારાશાસ્ત્રીને તમામ દસ્તાવેજોની સોંપણી થતાં હવે હાઈકોર્ટમાં રાજકોટ કલેકટર તંત્ર મહેસુલ સચિવ અપીલના ચુકાદા સામે હાઈકોર્ટમાં રીટ દાખલ કરશે, તેમ સૂત્રોએ ઉમેર્યુ હતું.(૩૭.૯)

(3:57 pm IST)