Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

એસ્ટેટ બ્રોકર વણિક વૃધ્ધ રાજેશભાઇ મોદીનો બિમારીથી કંટાળી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

આમ્રપાલી-એરપોર્ટ ફાટક વચ્ચે બનાવઃ પોતાનું ટુવ્હીલર પાટા પાસે પાર્ક કર્યુ, સીટ પર મોબાઇલ અને પાસ બૂક મુકયા, એ પછી ટ્રેન આવતાં જ પડતું મુકયું: દેહના ટૂકડે ટૂકડાઃ પરિવારમાં કલ્પાંતઃ મોટા ભાઇ રોયલ પાર્ક ઉપાશ્રયના ટ્રસ્ટી

તસ્વીરમાં ટ્રેન હેઠળ વૃધ્ધનો મૃતદેહ, તેમનું વાહન, તથા ટૂકડા એકઠા કરી ટ્રેન મારફત જંકશન સ્ટેશને લઇ જવાયા તે દ્રશ્યો જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૦: આમ્રપાલી ફાટક અને એરોડ્રામ રોડ ફાટક વચ્ચે ભોળેશ્વર મંદિરથી આગળ ખોડિયાર ડેરી સામે એક વણિક વૃધ્ધે ટ્રેન હેઠળ ઝંપલાવી દેતાં દેહના ટૂકડા થઇ ગયા હતાં. તપાસ  થતાં આ વૃધ્ધ સાધુ વાસવાણી રોડ પર કોપર હાઇટ્સમાં બ્લોક નં. ૪૦૩માં રહેતાં વણિક રાજેશભાઇ લીલાધરભાઇ મોદી (ઉ.૬૦) હોવાનું ખુલ્યું હતું. જમીન-મકાનના બ્રોકર તરીકે કામ કરતાં રાજેશભાઇએ બિમારીથી કંટાળીને પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ઘટનાની જાણવા મળેલી માહિતી મુજબ સવારે વેરાવળ-અમદાવાદ રૂટની એકસપ્રેસ ટ્રેન હેઠળ આમ્રપાલી ફાટક અને એરપોર્ટ ફાટક વચ્ચે ખોડિયાર ડેરી સામેના ભાગે એક વૃધ્ધે પડતું મુકતાં દેહના ટૂકડે ટૂકડા થઇ જતાં મૃતદેહને ટ્રેન મારફત આગલા સ્ટેશને લઇ જવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ બનાવને પગલે ટ્રેન ઉભી રાખી દેવામાં આવી હતી. જેના કારણે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં. ઘટના સ્થળે દ્રશ્ય નજરે જોનારા લોકોના કહેવા મુજબ વૃધ્ધ પોતાનું જ્યુપીટર ટુવ્હીલર નં. જીજે૩એફએલ-૨૫૬૭ લઇને આવ્યા હતાં અને પાર્ક કર્યુ હતું. બાદમાં બેંકની પાસબૂક અને મોબાઇલ ફોન આ વાહનની સીટ ઉપર મુકી દઇ ટ્રેન આવતાં જ દોટ મુકી પડતું મુકી દીધું હતું. પાસબૂકમાં રાજેશભાઇ મોદી- સાધુ વાસવાણી રોડ, આદિત્ય એપાર્ટમેન્ટ પાસે  એવું સરનામુ લખેલુ હતું.

મૃતદેહને જંકશન સ્ટેશને લઇ જવામાં આવ્યા બાદ ગાંધીગ્રામ પોલીસે જરૂરી તપાસ હાથ ધરી મોબાઇલ નંબરને આધારે તેમના સ્વજનોને જંકશન રેલ્વે સ્ટેશને બોલાવી મૃતદેહની ઓળખવીધી કરાવી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસ સુત્રોના કહેવા મુજબ આપઘાત કરનાર રાજેશભાઇ મોદી ચાર ભાઇમાં નાના અને અપરિણીત હતાં. તેઓ લાંબા સમયથી બ્લડપ્રેશર, ડાયાબિટીસ સહિતની બિમારીથી પીડાતાં હતાં. આજે સવારે નિત્યક્રમ મુજબ પોતાનું વાહન લઇને ઘરેથી નીકળ્યા બાદ આ પગલું ભર્યુ હતું. બિમારીથી કંટાળીને આમ કર્યાનું તારણ છે. રાજેશભાઇના મોટા ભાઇ અશોકભાઇ મોદી રોયલ પાર્ક ઉપાશ્રયના ટ્રસ્ટી હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીગ્રામના એએસઆઇ રમેશભાઇ સાંગાણી અને પરાક્રમસિંહે વધુ તપાસ હાથ ધરી છે.

(3:51 pm IST)