Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

કાલે હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરીયા રાજકોટમાં : રેલી

'પાસ'ની રાજકોટ ટીમ દ્વારા સ્વાગત : પુનિતનગર, ઉમિયા ચોક, સ્વામીનારાયણ ચોકમાં ફુલડે વધાવાશે

રાજકોટ, તા. ૧૦ : પાસના નેતા અલ્પેશ કથીરીયાની જેલમુકિત થતાં ત્રણ દિવસની સંકલ્પયાત્રાનું આયોજન થયું છે. જે અંતર્ગત ગઈકાલે સમગ્ર સુરત શહેરમાં આ યાત્રા નીકળી હતી. આ યાત્રા આવતીકાલે  રાજકોટ આવી રહી હોય રાજકોટ સ્થિત પાસની ટીમ દ્વારા હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરીયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ રેલી સ્વરૂપે ૧૫૦ ફૂટના રીંગ રોડ ઉપર નીકળશે. વિવિધ સ્થળોએ પણ સ્વાગત કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

સંકલ્પયાત્રા સુરતથી નીકળી ધંધુકા, ધોળકા થઈ કાગવડથી ઉંઝા જઈ રહી હોય બાદ આ યાત્રા આવતીકાલે મંગળવારે સવારે ૧૦ વાગ્યે ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર આવેલા પુનિતનગરના પાણીના ટાંકે પહોંચશે. જયાં હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરીયાનું સ્વાગત કરવામાં આવશે. ત્યાંથી એક રેલી સ્વરૂપે નીકળી ૧૫૦ ફૂટ રીંગ રોડના ઉમિયા ચોક, બાપા સીતારામ ચોક ખાતે ૧૦:૪૫ વાગ્યે, ૧૧:૩૦ વાગ્યે બાલાજી હોલ થઈ ૧૨ વાગ્યે સ્વામીનારાયણ ચોક ખાતે વિવિધ આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવશે. ત્યાંથી આ યાત્રા ઉંઝા જવા રવાના થશે.

પાસની રાજકોટની ટીમના સર્વેશ્રી હેમાંગ પટેલ, બ્રિજેશ પટેલ, હિતેશ સોરઠીયા અને રમેશ લુણાગરીયા સહિતના કાર્યકરો આ યાત્રા - રેલીમાં સાથે રહેશે. (૩૭.૧૬)

(3:33 pm IST)