Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

જેણે કસોટીની સોટી ખાધી હોય, એના કલ્યાણનો માર્ગ વહેલો ખૂલી જાય : પૂ.નમ્રમુનિ મ.સા.

રાષ્ટ્રસંત પૂજયશ્રીના બ્રહ્મઘોષે દીક્ષામંત્ર પ્રદાન સાથે મુમુક્ષ શ્રી ઉપાસનાબેન બન્યાં પૂજય શ્રી પરમ સ્વમિત્રાજી મહાસતીજી અને મુમુક્ષુ શ્રી આરાધનાબેન બન્યાં પૂજય શ્રી પરમ આરાધ્યાજી મહાસતીજીઃ ૨૦૦૦૦થી વધુ ભાવિકોની સાક્ષીમાં અપૂર્વ અને અદભૂત ઐતિહાસિક દીક્ષા મહોત્સવ યોજાયોઃ મારે આશીર્વાદ આપવા નથી, પ્રભુ શરણે જનારા બબ્બે મુમુક્ષુઓના આશીર્વાદ લેવાના છેઃ વિજયભાઈ રૂપાણી

રાજકોટઃ સંસાર રૂપી ખાણમાં અવગુણોની કાલિમાથી ખરડાયેલાં અનેક અનેક આત્માઓને ઉગારીને આત્મશુદ્ઘિના માર્ગ તરફ દોરી જઈ રહેલાં જિનશાસના કોહિનૂર દીક્ષાદાનેશ્વરી રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પાવન ચરણ-શરણમાં સ્વયંનું સમર્પણ કરનારા, શરણાધિન બનનારા રાજકોટના બે મુમુક્ષુ શ્રી ઉપાસનાબેન સંજયભાઈ શેઠ અને મુમુક્ષુ શ્રી આરાધનાબેન મનોજભાઈ ડેલીવાળાનો શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ રાજકોટની ધરા પર એક અભૂતપૂર્વ ઈતિહાસ રચીને હજારો હજારો ભાવિકોની હૃદયધારા પર અમીટ છાપ અંકિત કરી ગયો.

શ્રી સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘોના આંગણે શ્રી મહાવીરનગર સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રચાયેલાં સંયમ સમવશરણમાં શ્રી ડુંગર દરબારના વિશાળ પ્રાંગણમાં મુમુક્ષુઓના દીક્ષા મહોત્સવનું રાજકોટની ધરા પર પૂર્વે કદી ન થયું હોય એવું ભવ્યાતિભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આત્મયાત્રાનો શંખનાદ ગજવતી, લેઝિમ મંડળી, રાસ મંડળીઓથી ગુંજતી, દીક્ષાર્થીઓના રજવાડી રથોથી શોભતી, દીક્ષાર્થીઓના માથે સુંદર છત્ર અને ચામર વીંઝતા ભાવિકો, હર્ષ હર્ષની  નૃત્યકારી કરતાં સ્વજન, પરિવાર તેમજ હજારો ભાવિકોથી શોભતી આ મહાભિનિષ્ક્રમણ યાત્રા શ્રી ગૌતમભાઈ નવીનચંદ્ર પટેલનાં નિવાસસ્થાનથી જયકાર ગજાવતી રેસકોર્સ ગ્રાઉન્ડ ડુંગર દરબાર ખાતે વિરામ પામી હતી.

ત્યાગ ધર્મની અનુમોદના કરવાં થનગની રહેલાં હજારો ભાવિકોના જયનાદ વચ્ચે પૂજય ગુરૂ ભગવંતશ્રીના પ્રવેશ વધામણાં થતાં સર્વત્ર ઉત્સાહ છવાઈ ગયો હતો. રાષ્ટ્રસંત પૂજયશ્રીના નાભિના નાદ અને બ્રહ્મઘોષ સાથે મહા પ્રભાવક શ્રી ઉવસગહર સ્તોત્રની જપ સાધનાની દિવ્ય ગુંજ સાથે રાહ જોઈ રહેલાં હજારો નયનોની સાક્ષીએ મુમુક્ષુનું અત્યંત અહોભાવ અને ભવ્યતા પૂર્વક શ્રી ડુંગર દરબારમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રસંત પૂજય શ્રી આદિ સંતોની સાથે ગોંડલ સંપ્રદાય, સંઘાણી સંપ્રદાય, બોટાદ સંપ્રદાય, અજરામર સંપ્રદાય, શ્રમણ સંઘીય સંપ્રદાય આદિ પરિવારના ૧૦૦ થી પણ વધારે વિશાળ સાધ્વીવૃંદની ઉપસ્થિતી સાથે મુંબઈ, મહારાષ્ટ્ર, અમદાવાદ, સુરત, બરોડા, ગુજરાતના અનેક અનેક ક્ષેત્રો, ગોંડલ, ધારી, બગસરા, સાવરકુંડલા આદિ સમગ્ર સૌરાષ્ટ્રની સાથે કોલકાત્તા, ચેન્નાઈ આદિ અનેક અનેક ક્ષેત્રોના શ્રી સંઘ શ્રેષ્ઠિવર્યો, મહિલામંડળો અને હજારો હજારો ભાવિકોની ઉપસ્થિતિ વચ્ચે જિનશાસનની ગરિમા વધારતો દીક્ષા કલ્યાણ મહોત્સવ ઉજવાયો હતો.

સમગ્ર સમુદાયને સંસાર સાગર તરવાનો બોધ આપતાં રાષ્ટ્રસંત પૂજયશ્રીએ ફરમાવ્યું હતું કે, આ જગતમાં સાસરે જનારી અનેક અનેક દીકરીઓની વચ્ચે પરમ સદભાગી હોય છે એ દીકરીઓ જે શાસનને શરણે પ્રસ્થાન કરતી હોય છે. આ જગત આખું ચાહે ભોગી કેમ ન હોય તેમ છતાં તે હંમેશા ત્યાગ અને ત્યાગીઓનું સન્માન કરતું હોય છે.

આત્મીયતાના અહોભાવ સાથે દીક્ષાર્થીઓની સંયમ અનુમોદના અને રાષ્ટ્રસંત પૂજયશ્રીના આશીર્વાદ અર્થે પધારેલા ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી  વિજયભાઈ રૂપાણીએ એમના વકતવ્યમાં જણાવ્યું હતું કે, બે બહેનોની દીક્ષા સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. સમસ્ત ગુજરાત વતી હું એમને અભિનંદન પાઠવું છું. આજે હું એમને આશીર્વાદ આપવા નહીં, પરંતુ તેમના આશીર્વાદ લેવા માટે આવ્યો છું. પ્રભુ શરણે આવવું બહુ અઘરૃં છે. અઢળક જાહોજલાલીને છોડવી એ ત્યાગ કહેવાય. આ પાંચમા આરામાં, કળીયુગમાં આવા ભાવ પ્રગટ થવાં એ પૂજય ગુરૂદેવશ્રીના આશીર્વાદ અને પ્રેરણાથી જ શકય છે.

આજે સ્વાર્થ અને કરિયરનો વિચાર કરનારા, સુખ-સમૃદ્ઘિ પાછળ દોડી રહ્યા છે, ત્યારે આ બહુ મોટી ઘટના છે. આજે એક રાજકોટવાસી તરીકે, એક શ્રાવક તરીકે, એક સ્થા. જૈન તરીકે ખુબ જ આનંદ અને ગૌરવ અનુભવું છું. બહુ જ ઓછા હોય છે જે સંસાર છોડી શકે છે, એ માટે હિંમત જોઈએ. સાધુ જીવન ખૂબ જ કઠિન છે, કષ્ટો વેઠીને આત્માને ઉર્ધ્વગામી બનાવવાનો પ્રયાસ છે.

સંસાર છોડવાની આ બહેનોની ઉત્કંઠા એમના આત્માભાવનું દર્શન કરાવે છે. એમના ભાવ સ્પષ્ટ છે, એમના ભાવોમાં આત્મજાગૃતિ અને સાચી સમજ છે. તેઓ સાચા રસ્તે જાય છે, અનેક જીવોને અભયદાન આપશે, એવો વિશ્વાસ છે. નવી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બનશે એવી શ્રદ્ઘા છે. એમના માતા-પિતા ભાગ્યશાળી છે, એમને સંયમ માર્ગે જવાની સંમતિ આપી છે. એમને વંદન કરૃં છું.

સાધુ-સંતો દ્વારા સમાજ વધારે સુરક્ષિત બનશે. સમાજને સાચું માર્ગદર્શન આપશે. અહિંસક અને અધ્યાત્મિક ગુજરાતનું સર્જન થશે. નવા ઈતિહાસનું સર્જન કરતી આ દીક્ષા છે.

શ્રી વિજયભાઈ રૂપાણી એ રજત શ્રીફળ અર્પણ કરી દીક્ષાર્થી સન્માન કરેલ જયારે તેના માતા-પિતાએ નમસ્કાર મહામંત્રની ફ્રેમ દ્વારા શ્રી વિજયભાઈ રૂપાણી નું બહુમાન કરેલ.

આ સાથે જ, અંતિમ વાર માતા-પિતાના ચરણમાં વંદના કરીને એમના પ્રત્યેના ઉપકારની અભિવ્યકિત કરીને મુમુક્ષુએ સંસારને અલવિદા કરતાં દ્રશ્યોએ ઉપસ્થિત વિશાળ સમુદાયની આંખોમાં આંસુની ધાર વહાવી દીધી હતી. મુમુક્ષુ શ્રી ઉપાસનાબેનને વિજય તિલક કરવાનો લાભ મુંબઈનાં  મૂલરાજભાઈ છેડા, એમના ચરણ પૂજનનો લાભ ઈન્દોરનાં હિતેનભાઈ સંઘવીએ લીધો હતો. મુમુક્ષુ શ્રી આરાધનાબેનના ચરણ પૂજન તેમજ વિજય તિલક કરવાનો લાભ મુંબઈનાં  પરાગભાઈ શાહે લીધો હતો.

મુમુક્ષુ શ્રી ઉપાસનાબેનના શ્રીફળની ઉછામણીનો લાભ કાંતિભાઈ લાધાભાઇ શેઠ પરિવારે, એમની માળાનો લાભ  ધ્રુવીબેન મનનભાઈ શાહ અને એમને ઉપકરણ વહોરાવવાનો લાભ માતુશ્રી નિર્મલાબેન ત્ર્યંબકલાલ દેસાઈ, પરાગભાઈ શાહ,  મૂલરાજભાઈ છેડા તેમજ રાજેશભાઈ કોઠારીએ લીધો હતો.

ગોંડલ સંપ્રદાયના  પ્રવીણભાઈ કોઠારી, શ્રી સ્થા. જૈન મોટા સંઘ રાજકોટનાં  ઈશ્વરભાઈ દોશી, શ્રી રોયલપાર્ક સંઘના  ચંદ્રકાંતભાઈ શેઠે આ અવસરે દીક્ષાર્થીઓને સંયમભાવની શુભેચ્છા અર્પણ કરતાં ભાવ વ્યકત કરતાં હતાં. બોરીવલીના  જયંતભાઈ જોબાલીયાએ પણ મુમુક્ષુઓના ભાવોની પ્રશસ્તિ કરીને શુભેચ્છા અર્પણ કરી હતી.

સહુના હૃદયની ઉત્કંઠા અને ઈંતેજારી વચ્ચે બંને મુમુક્ષુ આત્માઓ જયારે વેશ પરિવર્તન કરીને પધાર્યા ત્યારે વિશાળ માનવ મહેરામણે એમને અત્યંત અહોભાવથી વધાવી લીધાં હતાં. અને દિવસોના દિવસો સુધી જે કલ્યાણ ક્ષણની રાહ જોવાઈ રહી હતી એ ઘડી આવી પહોંચી જયારે રાષ્ટ્રસંત પૂજયશ્રીના બ્રહ્મનાદે દીક્ષાર્થીઓને 'કરેમિ ભંતે'નો દીક્ષામંત્રથી અભિમંત્રિત કરવામાં આવ્યાં ત્યારે જય જયનો ગગનચુંબી નાદ ગુંજી ઉઠ્યો હતો. એ સાથે જ આ ભવ્ય માહોલની વચ્ચે અત્યંત પૂજય ભાવસાથે પ્રભુનાં દિવ્ય ઉપકરણ 'રજોહરણ' સુંદર પાલખીમાં પધરામણી કરવામાં આવી હતી. દિવ્યલોકના દેવો પણ એ દિવ્ય ક્ષણને વંદી રહ્યાં હશે જયારે, કરૂણાના નિધાન એવાં દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત પૂજયશ્રીના પાવન કરકમલથી નવદીક્ષિતા સાધ્વીજીઓને રજોહરણના દિવ્ય દાન આપવામાં આવ્યાં હતાં. સર્વના વંદનભાવ સાથે નવદીક્ષિતા સાધ્વીજીઓને ગોંડલ ગચ્છમા પૂજય શ્રી પરમ સ્વમિત્રાજી મહાસતીજી અને પૂજય શ્રી પરમ આરાધ્યાજી મહાસતીજી તરીકે ઘોષિત કરવામાં આવ્યાં હતાં.

દીક્ષા અર્પણની કલ્યાણકારી વિધિની પરિપૂર્ણતા બાદ ડુંગર દરબારના હજારો ભાવિકો અને લાઈવ ટેલીકાસ્ટના માધ્યમે દીક્ષા મહોત્સવને નિહાળી રહેલાં લાખો ભાવિકો સમક્ષ નવદીક્ષિત મહાસતીજીઓના માંગલિક વચનોના પ્રાગટ્ય સાથે ઈતિહાસની પાટી પર કદી ભૂંસી ન શકાય એવા અવસરનું સમાપન થયું હતું. સંયમ પંથે પ્રયાણ કરવા તત્પર બનેલાં મુમુક્ષુ શ્રી આરાધનાબેન એ આજે એમની વીરતા અને શૂરવીરતાનો એવું વિરલ દર્શન કરાવ્યું જે જોઈને ઉપસ્થિત સમુદાય સાથે લાઈવ ટેલીકાસ્ટના માધ્યમે દીક્ષા મહોત્સવ નિહાળનારા લાખો ભાવિકો અશ્રુભીની આંખે નતમસ્તક બન્યાં હતાં.

કર્મોનો ઉદય અને કલ્યાણ માર્ગે કસોટી એવી થઇ કે, મુમુક્ષુ આરાધનાબેનના મસ્તક પર કમાન પડી અને માથા પર ૨૭ ટકા આવ્યા. હોસ્પિટલમાં સ્ટીચીસ સમયે પણ એક જ ભાવ વ્યકત કર્યા. ડોકટર સાહેબ! જલ્દી કરો મારૃં દીક્ષાનું મુહૂર્ત છે. લોહીની ધાર અને વેદનાનો પાર નહીં છતાં ચહેરા પર એક વીરાંગનાને શોભાયમાન કરતું સ્મિત અને અંતરમાં એ જ ખુમારી!  પીડા વચ્ચે પણ પ્રસન્નતા સાથે માતાએ ખેંચેલા સંસ્કારની ઝાખી. સ્વયંના મસ્તકની વેદના સાથે ગજસુકુમાલની વેદનાની સ્મૃતિ! આત્મયુદ્ઘની યોદ્ઘાની આ વિરતાને સહુને ભાવથી સેલ્યુટ કર્યું હતું.

દીકરીની વીરતા વંદનીય હતી તો એમના માતા પિતા શ્રી મનોજભાઈ અને પૂનમબેનની અડગતા અને ગુરૂ પ્રત્યેની શ્રદ્ઘા અને શાસન પ્રત્યેની નિષ્ઠા અદ્વિતીય હતાં. આવા કપરા સમયે પણ શાસન પ્રત્યેનો પ્રેમ અજોડ હતાં. માતા-પિતાની સાથે બેનની ગુરુ ભકિત અને શ્રદ્ઘા અનન્ય હતાં. બેન વિરતીએ વિરતા સાથે કહ્યું, પપ્પા! ગુરૂદેવ આજે બે દીક્ષા આપવાના છે, આરાધના જો આજે દીક્ષા નહીં લઈ શકે તો હું લઈ લઈશ. પણ અંતરના ઉલ્લાસ ભાવે આરાધનાબેને રાષ્ટ્રસંત પૂજયશ્રીના શ્રીમુખેથી કરેમિ ભંતેનો પાઠ અને કરકમલથી રજોહરણ ગ્રહણ કરી અનન્ય અનુભૂતિ કરી હતી.(૩૦.૫)

(12:08 pm IST)