Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

રાંદરડા - લાલપરી તળાવ વિસ્તારના વિકાસ માટે નવી ટી.પી. સ્કીમ : સર્વે - માપણી

ટ્વીન લેઇન ડેવલપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત રાંદરડા - લાલપરી લેઇકની સાઇટ વિઝિટ કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

રાજકોટ તા. ૧૦ : મહાનગરપાલિકા દ્વારા રાંદરડા અને લાલપરી તળાવને 'ટ્વીન લેઇન પ્રોજેકટ ડેવેલપમેન્ટ' અંતર્ગત ડેવલપ કરી શહેરીજનોને હરવા-ફરવા માટે વધુ સારી સુવિધા મળે પર્યટન સ્થળમાં વધુ એક સાઈટનો ઉમેરો કરી શકાય તેવા આશય સાથે આજે તા. ૧૦ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ ટ્વીન લેઇક રાંદરડા-લાલપરી તળાવની વિઝિટ કરી હતી. રાજકોટનું પ્રાણી સંગ્રહાલય બે તળાવ અને ટેકરી પાસેના પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા સ્થળની વચ્ચે સ્થિત છે ત્યારે આ સ્થળ વધુ ને વધુ લોકપ્રિય અને આકર્ષક બની શકે તે માટે ટ્વીન લેઈક ડેવલપમેન્ટ પ્રોજેકટ આગળ ધપાવવા મ્યુનિ. કમિશનરે પ્રયાસો હાથ ધર્યા છે. આ સાઈટ કુદરતી ખૂબસૂરતી ધરાવે છે ત્યારે તેની સુંદરતા અને બહોળા પ્રમાણમાં લોકોને આકર્ષિત કરી શકે તે માટે આ સાઈટને વધુ સારી રીતે વિકસિત કરવાનું આયોજન હાથ પર લેવામાં આવી રહયા છે.

આ સ્થળ મુલાકાત દરમિયાન કમિશનરે અન્ય કેટલીક મહત્વની બાબતો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પ્રાણી સંગ્રહાલય તરફ આવવા જવા માટે અત્યારે એક રસ્તો ઉપલબ્ધ છે પરંતુ ઝૂ માટે એક અલાયદો અને આકર્ષક એપ્રોચ રોડ બનાવવાની આવશ્યકતા જોવા મળી હતી. જેના અનુસંધાને કમિશનરશ્રીએ નેશનલ હાઈ-વેથી પ્રાણી સંગ્રહાલય જવા આવવા માટે નવો અપ્રોચ રોડ બનાવવા માટેની સંભાવના ચકાસવા ખાસ સૂચના આપી હતી. રાંદરડા તળાવની આસપાસના વિસ્તારોનો પણ વિકાસ થઇ શકે તે માટે નવી ટીપી સ્કીમ બનાવવા માટેની સંભાવના પણ ચકાસવા સર્વે અને માપણીની કાર્યવાહી શરૂ કરવા મ્યુનિ. કમિશનરે ટીપીઓને સુચના આપી હતી.

આ વિસ્તારો પૈકી કેટલાક વિસ્તારો રાજકોટ મહાનગરપાલિકાની હદમાં અને કેટલાક વિસ્તારો રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા)ની હદમાં સમાવિષ્ટ થાય છે. આ બાબત નજર સમક્ષ રાખી આ વિસ્તારોના વિકાસ માટે જે કાંઈ કાર્યવાહી કરવાની થશે તેમાં રાજકોટ મહાનગરપાલિકા અને 'રૂડા' પોતપોતાની ભૂમિકા નિભાવશે.

કમિશનરશ્રી આ સાઈટ વિઝિટ દરમ્યાન ડેપ્યુટી કમિશનર આશિષ કુમાર, ટી.પી.ઓ. એમ. ડી. સાગઠીયા, કાર્યપાલક ઈજનેર વાય.કે.ગૌસ્વામી, પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, એ.ટી.પી. વી.વી. પટેલ, ડેપ્યુટી એન્જિનિયર જતીન પંડ્યા, વગેરે સાથે રહયા હતાં.

(3:59 pm IST)