Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

રાજકોટ ડીસ્ટ્રીકટ બેંકની લોન વસુલાત માટે આપેલ ચેક રિટર્ન કેસમાં પતિ - પત્નિને છ-છ માસની સજા

રાજકોટ તા. ૧૦: રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંક લી.માંથી મેળવેલ લોનની વસુલાત માટે આપેલ ચેક રીટર્ન અંગેની ફોજદારી ફરીયાદમાં પતિ-પત્નિને છ-છ માસની સજા કોર્ટે ફરમાવી હતી.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના ગામ ખરેડાના રહેવાસી પ્રવિણભાઇ કાનજીભાઇ ખુમાણ તથા તેમના પત્નિ ભાનુબેન પ્રવિણભાઇ ખુમાણએ શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી. જામનગર શાખા, રાજકોટમાંથી રૂ. ૭,૦૦,૦૦૦/૦૦ ની લોન મેળવેલ. આ લોન મેળવેલ ત્યારે બેંક જોગ લોન દસ્તાવેજો અને મોર્ગેજ કરી આપેલ અને લોનની રકમ ભરપાઇ કરવા અંગે રૂ. ૧,૬પ,પપ૮/૦૦ નો ચેક આપેલ. સદરહું લોન વસુલ આપવા માટે આપવામાં આવેલ આ ચેક બેંકે ખાતામાં ભરતા તે ચેક ખાતામાં અપુરતા નાણાને કારણે પરત ફરેલ. પ્રવિણભાઇ કાનજીભાઇ ખુમાણ તથા તેમના પત્નિ ભાનુબેન પ્રવિણભાઇ ખુમાણે આપેલ ચેક રીર્ટન થતા બેંક એડવોકેટ નિલેશ જી. પટેલ મારફત ચેક રીટર્ન થયા અંગેની અને ચેકવાળી રકમ ચુકવી આપવા અંગેની નોટીસ આપેલ. નોટીસ આપવા છતાં આરોપી પ્રવિણભાઇ કાનજીભાઇ ખુમાણ તથા તેમના પત્નિ ભાનુબેન પ્રવિણભાઇ ખુમાણે ચેકવાળી રકમ બેન્કમાં ભરપાઇ કરેલ નહિં. જેથી કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી.

બેન્ક તરફથી દાખલ કરવામાં આવેલ આ ફોજદારી ફરીયાદ ચાલી જતાં બેન્ક તરફથી રજુ કરવામાં આવેલ પુરાવા તથા ફરીયાદીના એડવોકેટ નિલેશ જી. પટેલની દલીલો તથા ફરીયાદ પક્ષે રજુ કરવામાં આવેલ સુપ્રિમ કોર્ટ તથા હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ ધ્યાને લઇ નામ. કોર્ટે ફરીયાદીનો પુરાવો તથા રજુઆતો ગ્રાહય રાખેલ. નામ. કોર્ટે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળના ગુન્હાઓ વધવાના કિસ્સાઓને ગંભીરતાથી લઇ ચેક આપવા અને નાણા ન ચુકવવા અંગેના ગુન્હાને ગંભીરતાથી ધ્યાને લીધેલ છે તેમજ નેગોશીએબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટનો દુરૂપયોગ કરવાના ગુન્હાને ગંભીરતાથી લેવો જરૂરી હોવાનું માનેલ છે. તેમજ નાણા લોન પેટે લઇ પરત ન આપવાનો બદઇરાદો ધરાવતા વ્યકિતઓને કાયદાનું ખોટું અર્થઘટન કરતા તેમજ ચેકનો દુરૂપયોગ કરતા ગુન્હાને હળવાશથી લઇ શકાય નહિં તેવું માન્ય રાખેલ છે. તેમજ પ્રવિણભાઇ કાનજીભાઇ ખુમાણ તથા તેમના પત્નિ ભાનુબેન પ્રવિણભાઇ ખુમાણ સામેનો કેસ સાબીત થયેલ છે તેવું માની પ્રવિણભાઇ કાનજીભાઇ ખુમાણ તથા તેમના પત્નિ ભાનુબેન પ્રવિણભાઇ ખુમાણને છ-છ માસની સજાનો હુકમ ફરમાવેલ છે તેમજ ફરીયાદીને ચેક જેટલી રકમનું વળતર ત્રણ માસમાં ચુકવવા હુકમ ફરમાવેલ છે તેમજ વળતરની રકમ ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં ફરીયાદી શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી. તરફથી રાજકોટના નિલેશ જી. પટેલ એડવોકેટ તથા આસીસ્ટન્ટ કશ્યપ પંડયા રોકાયેલ હતા.

(2:40 pm IST)