Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

હનીટ્રેપના ગુનામાં એક વર્ષથી ફરાર દિવ્યા મકવાણાને કુવાડવા પોલીસે પકડી લીધી

ડી. સ્ટાફના હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા અને કિશોરભાઇ પરમારની બાતમી પરથી આજીડેમ ચોકડીએથી પકડી લેવાઇ : જે તે વખતે પોલીસે ત્રણ આરોપીને પકડતાં દિવ્યાનું સુત્રધારમાં નામ ખુલ્યું હતું

રાજકોટ તા. ૧૧: એક વર્ષ પહેલા કુવાડવા રોડ પોલીસે હનીટ્રેપના ગુનામાં ત્રણ શખ્સોને પકડી લીધા હતાં. ત્યારે મુળ ચોટીલાના ઉડાવી ગામની અને હાલ રાજકોટ વાણીયાવાડી-૬ ભાગ્ય લક્ષ્મી ગાઠીયાવાળી શેરીમાં રહેતી દિવ્યા ગુણવંતભાઇ મકવાણાને કુવાડવા રોડ પોલીસે હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા અને કિશોરભાઇ પરમારની બાતમી પરથી આજીડેમ ચોકડી પાસેથી પકડી લીધી છે.

અગાઉ તા. ૧૨/૧૨/૨૦ના રોજ કુવાડવા પોલીસે હનીફટ્રેપનો ગુનો નોંધ્યો હતો. દિવ્યાએ એક યુવાનને રાજકોટમાં છોકરી સાથે નાઇટ સેટલમેન્ટ કરાવી આપશે એવી લાલચ દઇ રાજકોટ મોરબી રોડ જકાતનાકે બોલાવ્યો હતો. એ પછી તેની જ કારમાં મોરબી રોડ જકાતનાકાથી આગળ બેડી ફાટક નજીક અવાવરૂ જગ્યાએ લઇ જઇ કાર ઉભી રખાવી સાગ્રીતોને બોલાવી હનીટ્રેપમાં ફસાવી દેવાની ધમકી દઇ રૂ. બે લાખની માંગણી કરી હતી. પૈસા એટીએમમાંથી ઉપાડી દેવાની વાત કરી ભોગ બનનાર યુવાનને મોરબી રોડ પર લાવવામાં આવતાં તે તક જોઇ ભાગી ગયો હતો અને પોલીસને જાણ કરી હતી.

તે વખતે પોલીસે ભગવતીપરાના વિજય નાગાજણભાઇ ગરચર, ગુણવંત રાજુભાઇ મકવાણા અને અશોક ટીસાભાઇ કેરાળીયાને પકડી લીધા હતાં. જે તે વખતે દિવ્યાનું સુત્રધાર તરીકે નામ ખુલ્યું હતું. પણ તે ફરાર થઇ ગઇ હતી. તે હાલમાં આજીડેમ ચોકડીએ આવી હોવાની બાતમી પરથી ડીસીપી પ્રવિણકુમાર મીણાની સુચના અને એસીપી એસ. આર. ટંડેલની રાહબરીમાં પેટ્રોલીંગમાં રહેલા કુવાડવા પીઆઇ એન. એન. ચુડાસમા, પીએસઆઇ પી. જી. રોહડીયા, એએસઆઇ એચ. એમ. ઝાલા, જયંતિભાઇ ગોહિલ, હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા, કિશોરભાઇ પરમાર, કોન્સ. વિરદેવસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, મુકેશભાઇ સબાડ અને મનવીર ડાંગરે તેણીને પકડી લીધી હતી.

એક વર્ષ સુધી તે રાજકોટ, મોરબી, ચોટીલા સહિતના અલગ અલગ ગામો શહેરોમાં ભાગતી ફરતી હતી. હાલ રાજકોટ રહેવા આવી હતી અને ઝડપાઇ ગઇ હતી. તેને કોર્ટમાં રજૂ કરવા તજવીજ કરવામાં આવી છે.

(11:34 am IST)