Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

રાજકોટ 2022 સુધીમાં ફાટકમુક્ત બનશે: ઘરે ઘરે નળથી જળ: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પાણીદાર જાહેરાત

સિવિલ હોસ્પિટલ ચોકમાં ટ્રાયેન્ગૂલર ફ્લાય ઓવરબ્રિજ, આમ્રપાલી ફાટકે અન્ડરબ્રિજનું ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી

રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ચોકમાં ટ્રાયેન્ગૂલર ફ્લાય ઓવરબ્રિજ, આમ્રપાલી ફાટકે અન્ડરબ્રિજ, રેસકોર્સ-૨માં અટલ સરોવરને કાંકરિયા લેક જેવુ ડેવલપ કરીને એમ્બ્યુઝમેન્ટપાર્ક બનાવવુ તેમજ મુંજકામાં ૪૯૬ ફ્લેટની પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાતમુહુર્ત પ્રસંગે આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ નવા વર્ષની શરૂઆતમાં જ હોમટાઉનમાં બે મુખ્ય લક્ષ્યાંકની જાહેરાત કરી હતી. વર્ષ ૨૦૨૨ સુધીમાં રાજકોટને ફાટકમુક્ત બનાવવુ તેમજ ૨૦૨૨ સુધીમાં જ ‘નલ સે જલ’ યોજના હેઠળ શહેરમાં રહેતા તમામ નાગરિકોને નળથી પાણી મળે તેવી મહત્વની જાહેરાત કરી હતી.

રાજકોટની ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વકરતી જાય છે. તેના ઉકેલ માટે એકમાત્ર વિકલ્પ ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજ માટેના એકશનપ્લાન પૈકી નવા બે સ્થળે બ્રિજ બનવા જઇ રહ્યા છે. હોસ્પિટલ ચોકમાં રૂ.૮૪.૭૧ કરોડના ખર્ચે ટ્રાયેન્ગૂલર ફ્લાર ઓવરબ્રિજ અને આમ્રપાલી ફાટકે રૂ.૨૫.૫3 કરોડના ખર્ચે અન્ડરબ્રિજ બનાવવાના કામનો પાયો ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના હસ્તે ગાળવામા આવ્યો હતો. આ બન્ને સ્થળે ભુમીપુજન ઉપરાંત રેસકોર્સ-૨માં અટલ સરોવરને અમદાવાદના કાંકરિયા લેક જેવુ ડેવલપ કરીને ત્યાં એમ્બ્યુઝમેન્ટ પાર્ક બનાવવા રૂ.૧3૬ કરોડનો ખર્ચ થવાનો છે. આ કામનું ખાતમુહુર્ત મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે કરાયુ હતુ. વધુમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મુંજકામાં ૪૯૬ ફ્લેટ બનાવવાના કામનું ખાતમુહુર્ત પણ કરવામા આવ્યુ હતુ.

  તમામ કાર્યક્રમનું ડાયેસ્ટ ફંકશન બાલભવન ખાતે રાખવામા આવ્યુ હતુ. આ તકે મુખ્યમંત્રી રૂપાણીએ નવા વર્ષના બે મહત્વના સકંલ્પની જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, વર્ષ ૨૦૨૨ સુધીમાં રાજકોટ સંપુર્ણપણે ફાટકમુક્ત બનાવવામા આવશે. આ ઉપરાંત ૨૦૨૨ સુધીમાં ઘરે ઘરે નળ કનેકશનથી જ પાણી આપવામાં આવશે. એકપણ ઘર નળ કનેકશન વિહોણુ નહીં રહે. મુખ્યમંત્રીએ પ્રવચનમાં કોંગ્રેસને આડા હાથે લેવાની તક પણ છોડી ન હતી. તેમણે કહ્યુ હતુ કે, મને એ સમય યાદ છે જ્યારે અમે રાજકોટ મહાપાલિકામાં સતા પર હતા અને રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી. એ વખતે દુષ્કાળના સમયે ભાદરની પાઇપલાઇન નાખવા માટે રાજ્ય સરકારે ફદિયુ પણ આપ્યુ ન હતુ.

  આજે રાજકોટના તમામ જળાશયોમાં ગમે ત્યાંરે નર્મદા નીર ઠલવી શકાય તેવુ સૌની યોજનાનું નેટવર્ક નખાઇ ચુક્યુ છે. રાજકોટનો સ્માર્ટ સિટી તરફની વિકાસ કૂચ પૈસાના વાંકે નહીં અટકે, રાજ્ય અને કેન્દ્ર સરકાર મોઢે માગ્યા પૈસા આપશે. આમ્રપાલી ફાટક ૧૮ વખત બંધ થાય છે, 6 લાખ લોકોની યાતનાનો કાયમી અંતઆમ્રપાલી ફાટકેથી ૨૪ કલાકમાં ૧૮ ટ્રેન પસાર થાય છે. જ્યારે પણ ફાટક ખોલ-બંધ થાય છે ત્યાંરે રૈયા તરફ અને કિસાનપરા ચોક સુધી વાહનોના થપ્પા લાગી જાય છે. એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડના ઇમરજન્સી કેસ પણ આ કતારમાં અટવાઇ જાય છે. મનપાએ કરેલા સર્વે મુજબ ૨૬ કલાકમાં આમ્રપાલી ફાટકેથી ૬ લાખ લોકો પસાર થાય છે. બ્રિજ બનતા આ તમામ લોકોની યાતનાનો કાયમી અંત આવશે.
હોસ્પિટલ ચોક એ શહેરના હાર્દ વિસ્તાર છે. અમદાવાદ તરફથી, મોરબી તરફથી કે જામનગર તરફ જતા ટ્રાફિકને અહીંથી જ પસાર થવુ પડે છે. વધુમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ આ ચોકમાં આવેલી છે તેનો પણ ટ્રાફિક રહે છે. મનપાના એક સર્વે મુજબ અહીંથી ૨૪ કલાકમાં નાના મોટા ૧૦ લાખ વાહનચાલકોની અવરજવર રહે છે. આ તમામ લોકોને ટ્રાફિક સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે.

(7:50 pm IST)