Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

મ્યુ. કોર્પોરેશન દ્વારા 'સ્વચ્છ દિવાળી' પખવાડિયાની ઉજવણી

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ ભાગરૂપે દિવાળી પુર્વ આયોજન

 રાજકોટ,તા.૧૦:સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત મહાત્મા ગાંધીજીની ૧૫૦મી ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળી પહેલા તા.૧૧થી તા.૨૬ દરમ્યાન શહેરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા  ''સ્વચ્છ દિવાળી'' પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા વિવિધ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

 મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જેમાં તા.૧૧ના રોજ શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટોની સફાઈ કરવામાં આવશે. તા.૧૨ ના રોજ શહેરના જાહેર વિસ્તાર જેવા કેજાહેર રસ્તાઓ, બગીચાઓ, મોલ, બજારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે, તા.૧૩ના રોજ શહેરના બસ સ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ, ટેક્ષી સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, એરપોર્ટની આસપાસના વિસ્તારની સફાઈ કરવામાં આવશે, તા.૧૪ ના રોજ શહેરની તમામ ખાનગી તેમજ સરકારી હોસ્પિટલની સાફ સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ યોજવામાં આવશે.

જયારે તા.૧૫ ના રોજ શહેરના તમામ શાક માર્કેટ, ખેતીવાડી ઉત્પન્ન બજાર એસોસિએશન અને વાણીજય વિસ્તારોમાં મોટા વેપારીઓ અને દુકાનદારોની જન ભાગીદારીથી સધન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે, તા.૧૭ ના રોજ શહેરના તમામ ફ્લાય ઓવર તેમજ તેની આસપાસ અને નીચેના વિસ્તારની સફાઈ હાથ ધરવામાં આવશે, તા.૧૮ ના રોજ શહેરના તમામ હેરીટેઝ વિસ્તાર, નદી-તળાવ, અને પ્રવાસન વિસ્તારમાં નાગરિકોને સામેલ કરી જનભાગીદારીથી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે, તા.૧૯ ના રોજ શહેરની તમામ શાળાઓ અને કોલેજોમાં સ્વચ્છતા અને પ્લાસ્ટિકના ઓછા ઉપયોગનું માર્ગદર્શન આપવામાં આવશે અને શાળા તેમજ કોલેજોની આસપાસના વિસ્તારોમાં વિદ્યાર્થીઓને સામેલ કરી પ્લોગીંગ ડ્રાઈવ(ચાલતા ચાલતા પ્લાસ્ટિક વીણવું)નું આયોજન કરવામાં આવશે.

આ ઉપરાંત તા.૨૧ ના રોજ શહેરના તમામ શૌચાલયોની સફાઈ અને સ્વચ્છ સર્વેક્ષણના ભીંત સૂત્રોની કામગીરી હાથ ધરવામાં આવશે, તા.૨૨ ના રોજ શહેરના તમામ રેસિડેન્ટ કોલોની દ્વારા આસપાસના વિસ્તારોમાં સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ કરવામાં આવશે, તા.૨૩ ના રોજ શહેરમાં આવેલ તમામ પેટ્રોલ પંપ અને રેસ્ટોરન્ટના શૌચાલયોનો સામાન્ય નાગરિકો તેનો ઉપયોગ કરી શકે તે માટે કામગીરી હાથ ધરવામાં આવશે, તા.૨૫ના રોજ શહેરના તમામ કોર્પોરેટ હાઉસ અને સંસ્થાઓની ઓફિસોમાં સ્વચ્છતાના કાર્યક્રમ હાથ ધરવામાં આવશે તેમજ તા.૨૬ના રોજ શહેરના સ્થાનિક એન.જી.ઓ.ના સહકારથી તમામ ગંદકી સંભવિત વિસ્તારોની સાફ સફાઈ તેમજ બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. સ્વચ્છતામાં રાજકોટ સમગ્ર દેશમાં અગ્રેસર રહે અને દરેક નાગરિક સ્વચ્છતાને પોતાની જવાબદારી સમજે તે દિશામાં રાજકોટ શહેર પ્રગતિ કરી રહ્યું છે, અને હંમેશા આજ દિશામાં પ્રગતિ કરતુ રહેશે તેમ મ્યુનિ. કમિશનરશ્રીએ જણાવ્યું હતું.

(3:59 pm IST)