Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

ડેન્ગ્યુના ૩૦૦૦ કેસઃ ૩ મોતઃ જવાબદાર કોણ?

મુખ્યમંત્રીનાં કાર્યક્રમમાં ૩ સેકન્ડ લાઇટ ગઇ તો વિજ કંપનીનાં અધિકારીની બદલી કરનાર સંવેદનશીલ તંત્ર રાજકોટમાં મચ્છરો સામે કેમ લાચાર? વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાના શાસકોને વેધક સવાલો

રાજકોટ, તા., ૧૦: શહેરમાં મચ્છરજન્ય ડેંગ્યુનાં રોગચાળા સામે તંત્ર લાચાર બન્યું છે ત્યારે આ મુદ્દે વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ સીધા જ મુખ્યમંત્રી સહીત શાસકો સામે વેધક સવાલો ઉઠાવ્યા છે. સાથોસાથ રાજકોટમાં ખરાબ રોડ-રસ્તા અને ગંદકી સહીતનાં પ્રશ્નો ઉઠાવ્યા છે.

આ અંગે વિપક્ષી નેતા શ્રી સાગઠીયાએ એક યાદીમાં જણાવ્યુ઼ છે કે શહેરમાં ડેંગ્યુના ૩૦૦૦ જેટલા ડેંગ્યુના કેસ છે. જેમાં માત્ર એક જ ખાનગી હોસ્પીટલમાં ૩૦૦ કેસ નોંધાયા છે. એટલુ જ નહી ડેંગ્યુનાં ૩ નાં મોત થયાનું સતાવાર જાહેર થયું છે.

આમ ડેંગ્યુનો કહેર છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કે જે રાજકોટનાં પનોતા પુત્ર છે તે રાજકોટ શહેરનુ઼ તંત્ર મચ્છરો સામે કેમ લાચાર છે? તેવો વેધક સવાલ વિપક્ષી નેતાએ ઉઠાવ્યો છે.

શ્રી સાગઠીયાએ આ તકે એવો પણ આક્ષેપ કર્યો છે કે 'તાજેતરમાં રાજકોટમાં મુખ્યમંત્રીનાં કાર્યક્રમમાં માત્ર ૩ સેકન્ડ માટે લાઇટ બંધ થઇ ગઇ તો વિજ કંપનીનાં અધિકારીની બદલી કરી નાંખનાર સંવેદનશીલ  તંત્ર રાજકોટમાં મચ્છરો સામે લાચાર બન્યંુ છે?'

આ ઉપરાંત શ્રી સાગઠીયાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે તાજેતરમાં રાજકોટમાં મુખ્યમંત્રીશ્રીનાં પિતરાઇ ભાઇનાં પરીવાર સાથે બનેલી દુઃખદ ઘટનામાં ૧૦૮ એમ્બ્યુલન્સ મોડી પહોંચતાં તે ભાઇનું સ્થળ પર મોત થયાનું જાહેર થતાં આ બાબતે ૧ કલાકમાં તપાસના આદેશો છુટયા ડ્રાઇવરને સરનામાની ભુલ થતાં આમ બન્યું હતું.

આમ આવી બાબતોમાં ઝડપી નિર્ણયો લેનાર રાજકોટનાં તંત્ર વાહકો શહેરમાં ડ્રેનેજની ઉભરાતી ગટરો, સીવીલ હોસ્પીટલની ગંદકી તુટેલા રસ્તાઓ, જર્જરીત અરવિંદભાઇ મણીયાર હોલ, નવા નકોર પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં થયેલી નુકશાની વગેરે પ્રશ્નો બાબતે પણ તંત્ર આંખ મીચામણા કરી રહયાનો આક્ષેપ શ્રી સાગઠીયાએ કર્યો છે.

(4:07 pm IST)