Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

પત્નિની હત્યા કરનાર પતિને સાપરાધ મનુષ્ય વધ હેઠળ ચાર વર્ષની સજા ફટકારતી કોર્ટઃ સાસુ સસરાનો છુટકારો

વિંછીયાના નાનામાત્રા ગામની દેવીપુજક પરિણિતાએ છ પુત્રીઓને જન્મ આપતાં પુત્ર જન્મની લાલસામાં...

રાજકોટ તા. ૧૦: જસદણ તાલુકાના વિંછીયા તાબેના નાનામાત્રા ગામે રહેતી દેવીપુજક પરિણિતાએ છ પુત્રીઓને જન્મ આપતાં અનેપુત્રનો જન્મ થયેલ ન હોય તે બાબતનો ખાર રાખીને પરિણિતા આશાબેન મનસુખભાઇ દેવીપુજકને કેરોસીન છાંટી સળગાવી દઇને હત્યા કરવા અંગે પકડાયેલ પતિ મનસુખ ઘુઘાભાઇ તલસાણીયા સામેનો કેસ ચાલી જતાં પ્રિન્સીપાલ સેસન્સ જજ શ્રી ગીતાબેન ગોપીએ આરોપી મનસુખને તકસીરવાન ઠરાવ્યો હતો. જયારે તેણીના સાસુ કાન્તાબેન, ઘુઘાભાઇ અને સસરા ઘુઘાભાઇ મેઘજીભાઇ તલસાણીયાને નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો. જયારે પતિને કોર્ટે ચાર વર્ષની સજા ફટકારીને રૂ. ૩૦૦૦નો દંડ ફટકાર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, વિંછીયા તાલુકાના નાનામાત્રા ગામે રહેતી મરણ જનાર આશાબેને લગ્ન જીવન દરમ્યાન છ પુત્રીઓને જન્મ આપેલ પરંતુ પુત્રનો જન્મ આપેલ ન હોય આ બાબતે પતિ અને સાસુ સસરા અવાર-નવાર મેણાં ટોણા મારીને મારકુટ કરીને ત્રાસ આપતાં હોય બનાવના દિવસે તા. ર૩-૪-૧૮ના રોજ પુત્ર જન્મની લાલસાએ તેણીના પતિ મનસુખે દારૂ પી મારકુટ કરી કેરોસીનનું ડબલું માથા ઉપર રેડીને તેણીને સળગાવી દીધી હતી.

આ ગુનામાં આરોપી સાસુ-સસરા એ મનસુખને મદદગારી કરી હોય ઉપરોકત ત્રણેય આરોપીઓ સામે ૩૦ર, ૩૦૭, ૩ર૩, પ૦૪, ૧૧૪ મુજબનો ગુનો નોંધાયો હતો.

બનાવની વિગત મુજબ આશાબેન ગંભીર રીતે સળગી જતાં તેણીને સારવાર માટે દવાખાને લઇ ગયેલ જયાં તેણીએ આપેલ ડાઇંગ ડેકલેરેશનમાં તેના પતિએ સળગાવી દીધાનું ખુલ્યું હતું. ત્યારબાદ તેણીનું મૃત્યુ થતાં પોલીસે ખુનનો ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતું.

આ કેસ ચાલતાં સરકારપક્ષે એ.પી.પી. શ્રી કમલેશ બી. ડોડીયાએ કુલ ૧પ સાક્ષીઓને તપાસ માટે કોર્ટમાં રજુ કર્યા હતાં. જયારે ર૭ જેટલાં દસ્તાવેજી પુરાવાઓ રજુ કરીને આરોપીઓને કસુરવાર ઠરાવવા રજુઆત કરી હતી.

સેશન્સ જજ શ્રી ગીતાબેન ગોપીએ સરકારી વકીલની રજુઆત તેમજ રજૂ થયેલ પુરાવા વિગેરેને ધ્યાને લઇને મુખ્ય આરોપી મનસુખને ઇ.પી.કો. કલમ ૩૦૪ પાર્ટ (ર) હેઠળ તકસીરવાન ઠરાવ્યો હતો. જયારે મૃતકના સાસુ-સસરાને નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. કમલેશ બી. ડોડીયા રોકાયા હતાં.

(3:20 pm IST)