Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

મચ્છરોત્સવ : તંત્રનાં તાબોટા : ડેંગ્યુના ૧પ૦ થી વધુ કેસ : ૩ના મોત

છેલ્લા અઠવાડીયામાં ખુદ મ્યુ. કોર્પોરેશનનાં ચોપડે ૩૩૪ દર્દીઓ : રોગચાળો બેકાબુ : ૧પ લાખની વસ્તી વચ્ચે આરોગ્યમાં માત્ર ૪ અધિકારીઃ મેલેરિયા વિભાગમાં ઇન્સ્પેકટર, ફિલ્ડ વર્કર સહિતની જગ્યાઓ ખાલી : ૧૯૭રના જુના સેટ અપ મુજબ પણ સ્ટાફ નથી

રાજકોટ, તા., ૧૦: શહેરમાં જાણે મચ્છરોત્સવ ચાલતો હોય તેમ છેલ્લા એક અઠવાડીયામાં મચ્છરજન્ય રોગચાળો અત્યંત બેકાબુ બન્યો છે. છતા તેને કાબુમાં લેવા માટે તંત્ર અત્યંત વામણું સાબીત થયું છે.

ખુદ મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય અધિકારીએ છેલ્લા ૧ અઠવાડીયામાં ડેંગ્યુના એલીઝાટેસ્ટ (સરકાર માન્ય ટેસ્ટ) વાળા ૮૯ ડેંગ્યુનાં દર્દીઓ અને ૪૦ થી વધુ શંકાસ્પદ ડેગ્યુનાં દર્દીઓ નોંધાયા છે અને આ છેલ્લા અઠવાડીયામાં ૧૪ વર્ષનાં બાળક, એક વૃધ્ધ અને એક છોકરી સહીત કુલ ૩ વ્યકિતઓનાં ડેંગ્યુથી મોત થયાનું નોંધાયું છે.

આ ઉપરાંત ટાઇફોઇડ, ઝાડા ઉલ્ટી, સામાન્ય શરદી, ઉધરસ, તાવ, કમળો, મેલેરીયા સહીત કુલ ૩૩૪ દર્દીઓ છેલ્લા અઠવાડીયામાં નોંધાયા છે.

આમ છેલ્લા અઠવાડીયામાં બેકાબુ બનેલાં આ રોગચાળાને કાબુમાં લેવા માટે આરોગ્યતંત્ર અસમર્થ સાબીત થઇ રહયું છે. કેમ કે ૧પ લાખની વસ્તી વચ્ચે માટે ૪ અધિકારીઓ છે. કાયમી આરોગ્ય અધિકારી સહીતની ૧૧ થી વધુ ખાલી છે.

એટલું જ નહી મચ્છર નાબુદી માટે રાજય સરકારે જે ખાસ મેલેરીયા વિભાગ શરૂ કરાવ્યો છે. તેમાં પણ મેલેરીયા ઇન્સ્પેકટર, ઇન્સેકટ કલેકટર, ફીલ્ડ વર્કર સહીતની જગ્યાઓ ખાલી પડી છે. એટલું જ નહી આ જે જગ્યાઓ ખાલી છે તે ૧૯૭રનાં વખતનાં સેટઅપ મુજબની છે એટલે કે મ્યુ. કોર્પોરેશનની સ્થાપનાં વખતનું વર્ષો જુનુ આ સેટઅપ છે.

ત્યાર બાદ શહેરનો વિકાસ થયો હદ વધી વસ્તી વધી છતાં સેટઅપમાં ફેરફાર થયો નથી અને આ જુના સેટઅપ મુજબ પણ સ્ટાફનો અભાવ છે ત્યારે મ્યુનિ. કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર આજની તારીખે બેફામ બની રહેલો આ રોગચાળો નાથવામાં લાચાર છે.

ડેંગ્યુ-મેલેરીયાના રોગચાળાનાં આ આંકડાઓ અત્યંત ચિંતાજનક છે. આમ છતાં તંત્ર વાહકો તેની ગંભીરતા લીધા વગર માત્ર તમાશો જોઇ રહયા હોવાની ચર્ચા લોકોમાં જાગી છે.

(3:13 pm IST)