Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

રાજકોટ જિલ્‍લા કલેકટરશ્રી રૈમ્‍યા મોહનના હસ્‍તે ૪૧ લાભાર્થીઓને બિન ખેતી સહિતના વિવિધ મંજૂરીના હુકમો અર્પણ :રાજકોટ કલેકટર કચેરી ખાતે ઓપન હાઉસ યોજાયો: દર બીજા અને ચોથા બુધવારે ઓપન હાઉસનું આયોજન

રાજકોટ, તા.૯ - ઓકટોબર- પારદર્શક વહિવટના ભાગરૂપે સરકારશ્રીની વિવિધ કલ્‍યાણકારી યોજના સીધી લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે કલેકટર કચેરી ખાતે ઓપન હાઉસ કાર્યક્રમ  કલેકટરશ્રી રૈમ્‍યા મોહનના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયો હતો.

આ ઓપન હાઉસમાં મહેસુલ વિભાગની વિવિધ યોજનાના લાભો કુલ ૪૧ લાભાર્થીઓને કલેકટરશ્રીના હસ્‍તે એનાયત કરાયા હતા. જેમાં સિટિઝનશીપના ૯, જંગલ ખાતાની જમીનના ઉપયોગ માટે ૧, ૬૬ કેવી સબસ્‍ટેશન માટે ૨, બિન ખેતી પ્રીમીયરના ૧ અને બિન ખેતીના ૨૫ લાભાર્થીઓને સીધા જ લાભ હાથોહાથ અર્પણ કરાયા હતા.

            કલેકટરશ્રીએ આ પ્રસંગે કહયુ હતું કે, જિલ્‍લા વહિવટી તંત્ર દ્વારા થતાં હુકમો ઝડપથી લોકોને રૂબરૂ મળી શકે તે માટે ઓપન હાઉસનું આયોજન થયું છે. ઓપન હાઉસના માધ્‍યમથી ઓનલાઇન સિસ્‍ટમની માહિતી મળી શકે છે. જિલ્‍લા વહિવટી તંત્રને અરજદારોના સુચનો પણ મળી રહે છે. હવેથી દર બીજા અને ચોથા બુધવારે ઓપન હાઉસનું આયોજન થશે.

            અધિક નિવાસી કલેકટરશ્રી પરિમલ પંડયાએ જણાવ્‍યું હતું કે મહેસુલ વિભાગની તમામ સેવા ઓનલાઇન ઉપલબ્‍ધ છે. તેમા ૭/૧૨ ના તમામ ખાતેદારની સહી સાથે અરજદારો સીધી અરજી કરી શકે છે. આ પ્રસંગે જિલ્‍લા વહિવટી તંત્રના અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્‍થિત રહયા હતા.

(8:38 pm IST)