Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

બીજી વખત વીજચોરી કરતા પકડાયેલ આરોપીને કોર્ટ ઉઠતા સુધીની સજા

રૂ.૨૫ હજારનો દંડ ન ભરે તો છ માસની સજા

રાજકોટ તા.૧૦: બીજી વખતની વીજચોરીના કેસમાં અદાલતે આરોપીને કોર્ટ ઉઠતા સુધીની સજા ફરનાવી રૂ.૨૫ હજારનો દંડ ફટકારીને દંડની રકમ ન ભરેતો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવી પી.જી.વી.સી.એલ.ને દંડતી રકમ વળતરપેટે ચુકવવાનો હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે, આરોપી ફીરોઝભાઇ સુમારભાઇએ ખોડીયારનગરમાં પોતાના ઘર પાસેથી પસાર થતી લાઇન સાથે ચેડા કરી બીનઅધિકૃત રીતે પોતાના ઘરવપરાશ માટે બીજી વખત વીજચોરી કરેલ હતી.જેથી ફરીયાદી બી.આર.વડાવીયા વિગેરે ચેકીંગ કરતા આરોપી વિરૂધ્ધ ટુંકા ગાળામાંજ બીજી વખત ચોરી પકડતા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરેલ હતી.

સદરહું ફરીયાદના અનુસંધાને પોલીસે ધરપકડ કરી કોર્ટમાં ચાર્જસીટ રજુ કરેલ હતું. સદરહું કેસ ચાલવા ઉપર આવતા સદરહું કેસના અનુસંધાને ન્યાયમુર્તીશ્રી એમ.એમ.બાબીએ કેસના સંજોગો તથા બીજી વખતની વીજચોરી હોય ઇન્ડીયન ઇલે.એકટની ૨૦૦૩ની કલમ-૧૩૫ની જોગવાઇઓ જોતા બીજી વખતની ચોરીમાં વીજચોરીની રકમથી છ ગણો દંડ કરવાની જોગવાઇ  હોય હાલના કેસમા ંવીજચોરીની રકમ રૂ.૦-૦૦ પૈસા હોય તેથી આરોપીને ત્થા વીજચોરી કરતા વીજચોરોને સબક મળે તે માટે થઇ રૂ.૨૫૦૦૦નો દંડ ત્થા ટી.આર.સી.ની સજા ફટકારવાનો હુકમ ફરમાવેલ છે.

સજાની જોગવાઇ ત્રણ વર્ષની છે પરંતુ આરોપીની ઉમર જોતા ત્થા ૧૦ કીલો વોટની નીચેની વીજવપરાશની ચોરી હોય માનવીય અભીગમ અપનાવી ટી.આર.સી.ની સજા ફટકારેલી અને વધુમાં ચુકાદામાં જણાવેલુ કે, વીજચોરીનો ગુન્હો વ્યકિત વિરૂધ્ધનો ગુન્હો નથી પરંતુ રાષ્ટ્રીય સંપતીનો ચોરીનો ગુન્હો છે.જો આવા સંજોગોમાં આવા ગુન્હાને સામાન્ય રીતે કે હળવાશથી લઇ શકાય નહિ. જો રાષ્ટ્રીય સંપતીની ચોરીની કરવાના ગુન્હાને હળવાશથી લેવામાં આવે તો ભવિષ્યમાં આવા ગુન્હા કરનાર વ્યકિતઓને પ્રોત્સાહન મળી શકે તેમ છે. તેમજ આ પ્રકારના ગુન્હાઓ વધવાની શકયતા પણ નકારી શકાય તેમ નથી. તેમજ આવા ગુન્હામાં માત્ર એક વખત પેનલ્ટી કરવામાં અથવા ગુન્હાને હળવાશથી લેવામાં આવે તો નીયમીત રીતે વીજબીલ ભરનાર વ્યકિતને સીધી અસર થાય છે. જેથી રહેમ દ્રષ્ટ્રિ રાખી ઓછો દંડ કરવાના કોઇ જ સંજોગો નથી પરંતુ ઉમરને જોઇ સજા માત્ર ટી.આર.સી.ની કરવામાં આવે છે. આરોપીને કરેલ દંડમાંથી ૭૫ ટકા રકમ પી.જી.વી.સી.એલ.ને ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કામમાં મુળ ફરીયાદીની પી.જી.વી.સી.એલ. વતી રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી જીતેન્દ્ર એમ.મગદાણી રોકાયેલા તેમજ સરકાર પક્ષે મુખ્ય સરકારી વકીલ શ્રી એસ.કે.વોરા રોકાયેલા હતા.

(3:58 pm IST)