Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

થેલેસેમીયાના દર્દીઓને સિવિલમાં દવાઓ અપાતી નથીઃ રાજય સરકાર સહાય આપે

જૈન સાધર્મિક સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા થેલેસેમીક દર્દીઓને સહાય

રાજકોટ,તા.૧૦: થેલેસેમિયા મેજર એક ગંભીર પ્રકારનો લોહીનો વારસાગત રોગ છે. સમગ્ર રાજકોટ જિલ્લામાં આ રોગના ૬૦૦ થી વધારે દર્દીઓ નોંધાયેલા છે. આ રોગના દર્દીઓએ મહિને ૨ થી ૪ બોટલ લોહીની ચડાવવી પડે છે. દર્દીઓને નિયમિત પણે ચડાવવામાં આવતા લોહીને કારણે તેઓના શરીરના જુદા જુદા  ભાગો  જેવા કે હૃદય, કીડની, લીવર, પેનક્રિયાસમા આયર્ન રૂપે જમા થાય છે. જે દર્દીઓને ખુબ જ નુકશાન પહોંચાડે છે અને દર્દીનું મૃત્યુ પણ થાય છે. દર્દીના શરીરમાં જમા થતા આયર્નને બહાર કાઢવું ખુબ જ જરૂરી છે. જેના માટે દર્દીઓએ નિયમિત પણે લોહી ઉપરાંત અન્ય દવાઓ અને ઈન્જેકશનો નિયમિત પણે લેવા પડે છે. રાજય સરકાર દ્વારા થેલેસેમિયા મેજર દર્દીઓને દરેક પ્રકારની સારવાર વિનામૂલ્યે આપવાનો પરિપત્ર વર્ષ ૨૦૧૫ થી છે. જેમાંથી ફકત ડેફેરાસિરોક્ષ દવા જ સરકાર વિનામૂલ્યે દરેક દર્દીઓને પૂરી પાડે છે. પરંતુ અનેક દર્દીઓ સિપલા કંપનીની કેલ્ફર દવા અને નોવાર્ટીસ કંપનીના ડેસફેરાલ ઈન્જેકશન નિયમિત પણે લેતા હોય છે જે અંગે રાજય સરકાર કોઈ જ પ્રકારની મદદ કરાતી ન હોવાનું જણાવેલ હતું. આ દવાઓ અને ડેસફેરાલ ઈન્જેકશનોની કિંમત ખુબ જ ઉંચી હોવાથી દર્દીઓને પરવડતી નથી. જેથી મોટા ભાગના દર્દીઓ આ દવા અને ઈન્જેકશનો લઈ શકતા નથી.

જૈન સાધર્મિક સેવા સમીતિ ટ્રસ્ટએ દરિદ્રનારાયણની સેવા કરતી સંસ્થા છે. આ સંસ્થા વર્ષોથી કેન્સરના દર્દીઓને દવાઓ પુરી પાડે છે, કીડનીના દર્દીઓને ડાયાલીસીસ કરાવી આપે છે, ડાયાબીટીસ ટાઈપ-૧ની બીમારી ધરાવતા દર્દીઓને ઈન્શુલીન માટેૃ મદદ કરે છે. છેલ્લા બે વર્ષથી આ સંસ્થાએ થેલેસેમિયા મેજર દર્દીઓની સેવા કરવાનું બીડું ઉપાડેલ છે. સંસ્થા દ્વારા છેલ્લા બે વર્ષથી આશરે ૨૦૦ જેટલા દર્દીઓને નિયમિતરૂપે સિપલા કંપનીની કેલ્ફર દવા અને નોવાર્ટીસ કંપનીના ડેસ્ફેરાલ ઈન્જેકશન ખુબ જ ટોકન દરે આપવામાં આવે છે. અત્યાર સુધીમાં જૈન સાધર્મિક સેવા સમીતી ટ્રસ્ટ દ્વારા થેલેસેમિયા દર્દીઓને રૂા૨૦ લાખથી વધુ રકમની કીમતોની દવાઓ અને ઈન્જેકશનોની સહાય આપેલ છે. સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાવવા સંસ્થાના પ્રફુલભાઈ રવાણી, નલીનભાઈ બાટવીયા, અજયભાઈ વખારિયા, પ્રશાંતભાઈ શેઠ અને પ્રકાશભાઈ શાહે અનુરોધ કરેલ છે. (તસ્વીરઃસંદીપ બગથરીયા)

(3:51 pm IST)