Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ગાંધીનગરના રૂપાલ ગામે લાખો કિલો 'ઘી'નો બગાડ અટકાવો : 'જાથા'ની કલેકટરને રજૂઆત

માતાજીને સદીઓથી 'ઘી' ચડાવાય છે તે પ્રતિકરૂપે ચડાવીને બાકીનું 'ઘી' ગરીબોને વિતરણ કરવામાં આવે તો પુણ્ય મળે : ર૦થી રપ કરોડનું 'ઘી' ઢોળી દેવાથી રાષ્ટ્રીય સંપતિને મોટુ નુકશાન : સરકાર હસ્તક્ષેપ કરે તેવી માંગ ઉઠાવતા જયંત પંડયા : શનિવારે અમદાવાદમાં બેઠક

રાજકોટ, ૧૦: ગાંધીનગરના રૂપાલ ગામે સદીઓ જૂની પરંપરાથી માતાજીને 'ઘી'નો અભિષેક થાય છે અને અંદાજે ર૦થી રપ કરોડની કિંમતનું લાખો કિલો ઘીનો બગાડ થાય છે તે રાષ્ટ્રીય સંપત્તિને નુકશાનકર્તા છે ત્યારે માતાજીને પ્રતિકરૂપે ઘીનો અભિષેક કરી બાકીનું ઘી ગરીબ જરૂરીયાતમંદોને આ ઘી આપી દેવાથી પુણ્ય મળશે ત્યારે આ બાબતે સરકાર હસ્તક્ષેપ કરે તેવી માંગ સાથે વિજ્ઞાન જાથાના જયંત પંડયાએ આ સદીઓ જૂની પરંપરા બંધ કરાવવા માંગ ઉઠાવી અને આ અંગે જલદ કાર્યક્રમ ગોઠવવા આગામી શનિવારે બેઠક યોજવા જાહેરાત કરી આ અંગે જીલ્લા કલેકટને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આ આવેદનમાં જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું છે કે નવરાત્રિના નવમા નોતરે ભાવિકો આખી રાત માતાજીને પોતાની શ્રદ્ધ પ્રમાણે જયોત/પલ્લી લઇ ગામના ર૭ ચોકમાં ફેરવવામાં આવે છે. શ્રદ્ધ મહાન છે, પરંતુ અતિ શ્રદ્ધાના ભાગરૂપે ત્યાં માતાજીને ચડાવવામાં આવેલ માનતાનું કરોડો રૂપિયાનું લાખો કિલો ઘી રૂપાલના ર૭ ચોકમાં પીપ અને ટ્રેકટરની ટ્રોલી ભરીને ભેગું કરાયેલ હોય છે તે શુદ્ધ ઘી માતાજીને પલ્લી પર અભિષેક કરતા મોટાભાગનું ઘી નીચે જમીન ઉપર ઢોળાય છે તેની કિંમત આશરે ર૦થી રપ કરોડ થાય છે.

વધુમાં પંડયાએ જણાવ્યું કે ભારતમાં કરોડો લોકોએ, બાળકોએ શુદ્ધ ઘી જોયું નથી કે ખાધું નથી કે અહેસાસ કર્યો નથી તેવું ઘી રસ્તામાં નદી સ્વરૂપે ધૂળમાં કે પગતળે કચડાય જાય તે ઘટના અત્યંત શરમજનક સાથે આઘાતજનક છે. તેથી સરકારે આ કુપ્રથામાં હસ્તક્ષેપ કરી માતાજીને પ્રતિક ઘી ચડાવીને વધેલુ ઘી જરૂરીયાતમંદને પહોંચેતો મોટી મહાયજ્ઞ સાથે માતાજીનું પ્રશંસનીય કાર્ય ગણાશે. જે સાર્વત્રિક આવકારદાયક બનશે. માતાજીના સંતાન તરીકે દુઃખ અનુભવીએ છીએ. ઘી વેડફાતુ બંધ થવું જોઇએ. જાથા ધાર્મિક શ્રદ્ધાનો કાયમ આદર કરે છે. માતાજીનો પ્રસાદ/ખાદ્ય ચીજોનો વ્યકિતને ખાવા-પીવામાં જ ઉપયોગ થાય તેનો વેડફાટ કે બગાડ ન થાય તેવું ચોક્કસ માનીએ છીએ. શ્રદ્ધાળુઓને સમજાવી પ્રતિક ઘી ચડાવવાની પ્રથા અમલમાં મૂકવાની તાતી જરૂરીયાત છે તેનાથી રાજય સરકારની તમામ સરકારી શાળાના બાળકો અને મધ્યાહન ભોજનમાં આ શુદ્ધ ઘીનો ઉપયોગ કરવાથી બાળકોને સુખડીનો પ્રસાદ આપી શકાય તેમ છે.

જાથાના ચેરમેન જયંત પંડયાએ વધુમાં જણાવ્યું કે જે મંદિરના વહીવટમાં મામલતદાર, સરકાર હોય તેની નજર સામે જ લાખો કિલો ઘી રસ્તામાં ધૂળમાં ઢોળાઇ જાય, કરોડો રૂપિયા વેડફાય જાય તે બચાવવાની રાજયની નૈતિક ફરજ છે. જાથા સમાજનું અંગ છે. માતાજી, દેવ-દેવી કે ભગવાન, ઇશ્વર કે અલ્લાહ વિરોધી સંસ્થા નથી. માનવ ધર્મ, રાષ્ટ્રધર્મ, માનવતાના કાર્યને માનીએ છીએ તેથી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

રાજકોટ ખાતે કલેકટરને આવેદનપત્ર આપવામાં જયંત પંડયાના વડપણ હેઠળ દિનેશ હુંબલ, નિર્મળ મેત્રા, અશ્વિન કુંગશીયા, હિમેશ લોખીલ, મનસુખભાઇ ગોહીલ, નરેન્દ્ર દવે, નિર્ભય જોશી, મિતેશ ચૌહાણ, વિજયભાઇ જોબનપુત્રા, પાર્થ સાગ, અંકલેશ ગોહિલ, કિશોરગીરી ગોસ્વામી, નયન ભંડેરી, કૌશલ જોશી, પદમાબેન સાગર, જયોતિબેન પુજારા, આશાબેન મજેઠીયા, શોભનાબેન ભાણવડીયા, ભારતીબેન ગંગદેવ, ભાનુબેન ગોહિલ, પ્રફુલ્લાબેન બોરીચા વિગેરે કાર્યકરોએ રેલી સ્વરૂપે આવેદનપત્ર આપ્યું હતું. (૮.૧પ)

(3:48 pm IST)