Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂની ગેબનશા પીરથી ઘેલા સોમનાથની સાયકલ યાત્રા

પોરબંદરથી રાજકોટ સુધીની યાત્રા દરમિયાન લોકોનું વ્યાપક સમર્થન મળ્યું: રાજકારણમાં રહીને સેવા કરવાના બદલે લોકો સાથે સીધો સંપર્ક કરવાનો પ્રયાસ

કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂ આજે અકિલા કાર્યાલયના મહેમાન બન્યા હતા. તેઓએ અકિલાના મોભીશ્રી  કિરીટભાઇ ગણાત્રા સાથે વાતચીત કરી હતી. આ તકે જનકભાઇ ત્રિવેદી, ભાવેશભાઇ બોરીચા ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૦: રાજકોટના તેજ તર્રાર નેતા અને કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂ આજે અકિલા કાર્યાલયે પધાર્યા'તા. અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે તેઓએ ફેસબુક લાઇવ ઉપર સંવાદ કર્યો હતો. આ તકે પુર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં લોકજાગરણ લાવવા માટે સાયકલ યાત્રાના માધ્યમથી પ્રયાસ કર્યો છે અને પોરબંદરના કિર્તીમંદિરથી રાજકોટ સુધી ૮ દિવસની સાયકલ યાત્રા કરી હતી. આ દરમિયાન પ૦ હજાર લોકોને મળ્યો હતો અને લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા.

ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂએ વધુમાં જણાવ્યું કે ધોરાજીના સુપેડીમાં ગેસનો સ્ટવ મળતો નથી તો જેતપુરમાં જમીનની અંદર ખરાબ પાણીના પ્રશ્નો અથવા તો જુદા જુદા વિસ્તારના સ્થાનીક પ્રશ્નો અંગે લોકોએ મને માહીતી આપી હતી. આ દરમિયાન અનેક જાહેરસભાઓ પણ સંબોધી હતી અને પ૦ હજાર લોકોને મળ્યો હતો.

ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂએ કહયું કે લોકોમાં હિંમત કેળવવા માટે સાયકલ યાત્રા યોજીને એક પ્રયાસ કર્યો છે. હું રાજકારણમાં લોકોની સેવા કરવા માટે આવ્યો હતો. પરંતુ સેવા કરવાના બદલે ખટપટમાં રહેવું તે મને પસંદ ન હતું. સાયકલ યાત્રામાં દેવેન્દ્રભાઇએ સુંદર વાત કરી હતી અને સમાજ માટે ગાંધી વિચાર શ્રેષ્ઠ હોવાનું જણાવ્યું હતું. જેથી ગાંધી જયંતીના દિવસે જ પોરબંદરથી આ યાત્રા શરૂ કરી હતી.

પુર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂએ વધુમાં જણાવ્યું કે ઉચ્ચ અધિકારીઓ, પોલીસ, તબીબો સહિત અનેક જગ્યાએ ભ્રષ્ટાચાર ઘુસી ગયો છે. ભાજપ કે કોંગ્રેસ કોઇ એક વ્યકિત તેનો નિવેડો લાવી શકે તેમ નથી. આપણા જ મુળીયા ખરાબ છે. ગાંધીજી પાછા જન્મે તો પણ આ સ્થિતિને સુધારી ન શકે તેવી ખરાબ પરિસ્થિતિ થઇ ગઇ છે. આપણે આપણામાંથી રાવણને કાઢીને રામને બેસાડવા છે અને આ માટે નાત-જાતના ભેદભાવ ભુલીને બહાર આવવું પડશે. લોકો જાગે, સમાજ જાગે તો જ સમાજમાંથી ફેલાયેલ ભ્રષ્ટાચાર સહીતના પ્રશ્નોનો નિરાકરણ આવી શકે તેમ છે.

ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂએ જણાવ્યું કે ર૦૧૯માં ચુંટણી લડવાની કોઇ ઇચ્છા નથી. લોકોમાં જાગૃતી આવે તેવો પ્રયાસ સાયકલ યાત્રાના માધ્યમથી કરીશ. સમાજે મને ઘણુ આપ્યું છે. તેથી હું સાયકલ યાત્રાના માધ્યમથી લોક જાગૃતીનો પ્રયાસ કરૂ છું.

લોકો ટેકસ ભરે, નેગેટીવ બાબતોથી દુર રહે અને ટ્રાફીક જાગૃતી સહીતના બાબતોમાં આગળ આવે તે જરૂરી છે.

પોરબંદરથી શરૂ થયેલી સાયકલ યાત્રામાં ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂની સાથે તેમના પુત્ર અને પુત્રી પણ જોડાયા હતા.

અકિલા કાર્યાલયે અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા સાથેની મુલાકાત દરમિયાન જનકભાઇ ત્રિવેદી અને ભાવેશભાઇ બોરીચા ઉપસ્થિત રહયા હતા.(૪.૧૦)

(3:46 pm IST)