Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

કેરેલાની નાસ્કો ટ્રેડીંગ કંપનીએ આપેલ સવા કરોડનો ચેક પાછો ફરતાં કંપની-ડીરેકટર વિરૂદ્ધ કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા.૧૦: મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ લેકસસ ગ્રેનાઇટો ઇન્ડિયા પ્રા.લી. પાસેથી વિવિધ પ્રકારની વિટ્રીફાઇડ ટાઇલ્સ મંગાવી તે પેટેના રૂ. ૧,૨૨,૯૨,૭૧૪/- ની રકમ ચૂકવવા માટે આપેલ ચેક પરત ફરતા કેરેલાના કોચીન સ્થિત પ્રખ્યાત નાસ્કો ટ્રેડીંગ કંપની તથા ડિરેકટર મોહમદ ઇલીયાસ નાઝર સામે ફરિયાદ દાખલ થતા અદાલતે તેનું સંજ્ઞાન લઇ આરોપીને હાજર થવા હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ લેકસસ ગ્રેનાઇટો ઇન્ડિયા પ્રા.લી.ના ડિરેકટર અનીલભાઇ દેત્રોજાએ મોરબીની અદાલતમાં ફરિયાદ કરી એવા આક્ષેપ કરેલ છે કે ફરિયાદ -કંપની દ્વારા વિવિધ પ્રકારની વિટ્રીફાઇડ ટાઈલ્સ તથા આનુસાંગીક પ્રોડકટનું ઉત્પાદન, ટ્રેડીંગ તેમજ વિવિધ દેશોમાં એકસપોર્ટ અને વેંચાણ કરવામાં આવે છે. ફરિયાદીના આક્ષેપ મુજબ આ કામના આરોપી મોહમદ ઇલીયાસ નાઝર કે જે કેરેલાની પ્રખ્યાત ટાઇલ્સ કંપની-નાસ્કો ટ્રેડીંગ ઇન્ડિયા પ્રા.લી.ના ડિરેકટર છે તેઓ સાથે સને-૨૦૧૧થી ધંધાકીય વ્યવહારો શરૂ કરેલ હતા અને આરોપી દ્વારા નિયમીત રીતે રકમની ચુકવણીઓ કરવામાં આવતી હતી પરંતુ આરોપીએ ઓગષ્ટ-૨૦૧૬થી જુન -૨૦૧૭ના સમયગાળા દરમ્યાનમાં ફરિયાદી કંપની પાસેથી વિવિધ પ્રકારની વિટ્રીફાઇડ ટાઇલ્સ ખરીદ કરેલ હતી અને તે પેટે જુજ રકમ ચૂકવેલ હતી. જેથી લાંબો સમય થઇ જતા ગત જુન માસમાં ફરિયાદીએ આરોપી પાસેથી પોતાના પૈસાની ઉઘરાણી કરતા આરોપીએ ફરિયાદી કંપનીને રૂ. ૧,૨૨,૯૨,૭૧૪/- (અંકે રૂપિયા એક કરોડ બાવીસ લાખ બાણું હજાર સાતસો ચોૈદ પુરા) નો ચેક આપેલ હતો જે ચેક ફરિયાદીએ પોતાના ખાતામાં વટાવવા માટે રજૂ કરતા આરોપીના બેંક ખાતામાં પુરતુ ભંડોળ ન હોવાના કારણે ચેક વિના વટાવાયે પરત ફરેલ હતો.

ફરિયાદી તરફે રજૂ થયેલ તમામ દસ્તાવેજો અને પુરાવાઓ ધ્યાને લઇને અદાલતે ફરિયાદમાં તથ્ય હોવાનું જણાવી તેનું સંજ્ઞાન લઇ આરોપી તરીકે નાસ્કો ટ્રેડીંગ ઇન્ડિયા પ્રા.લી.ના જવાબદાર અધિકારી તથા ડિરેકટર મોહમદ ઇલીયાસ નાઝરને મોરબીની અદાલતમાં હાજર થવા આદેશ કરેલ છે.

આ કેસમાં ફરિયાદી લેકસસ ગ્રેનાઇટો ઇન્ડિયા લી.વતી ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, અમૃતા ભારદ્વાજ, ગોૈરાંગ ગોકાણી, કેવલ પટેલ, કૃષ્ણ પટેલ, જીજ્ઞેશ યાદવ રોકાયેલ છે.

(3:44 pm IST)