Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

એક દંત દયાવંત ચાર ભૂજાધારી, માથે પર તિલક સોહે મૂસ કી સવારી

ગણેશ મહોત્સવનો નવમો દિવસ : ત્રિકોણબાગ ખાતે સાંજે શ્રીનાથજીની ઝાંખી અને કાલે સત્યનારાયણની કથા : જે. કે. ચોકમાં સાંજે પાણીપુરી સ્પર્ધા

રાજકોટ તા. ૧૦ : ગણપતિ દાદાના પૂજન અર્ચનમાં રાજકોટ રત બન્યુ છે. ચોમેર ધર્મમય માહોલ સર્જાયો છે. હવે અંતિમ ચરણ તરફ આગળ વધી રહેલ ગણેશ મહોત્સવમાં વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમો આયોજીત થયા છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

શિવશકિત યુવા ગ્રુપ જે. કે .ચોક

યુનિવર્સિટી રોડ આલાપ એવન્યુ પાસે જે. કે. ચોક ખાતે શિવશકિત યુવા ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન થયુ છે. જેમાં આજે સાંજે પ વાગ્યે પાણીપુરી સ્પર્ધાનું આયોજન થયુ છે. દરરોજ રાત્રે સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમો તેમજ મહાઆરતી થાય છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.

ત્રિકોણ બાગ ખાતે રાત્રે શ્રીનાથજીની ઝાંખી

સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા ત્રિકોણબાગ ખાતે આયોજીત ગણેશ ઉત્સવમાં દરરોજ વિવિધ કાર્યક્રમો થઇ રહ્યા છે. જેમાં આજે સાંજે બાળકો દ્વારા  ચિત્ર સ્પર્ધા થશે. તેમજ રાત્રે શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ રાખેલ છે. કાલે બુધવારે સાંજે સત્યનારાયણની કથા રાખેલ છે.

નવસર્જન કા રાજા મવડી

મવડી રોડ પર ફાયરબ્રીગેડ ચોકમાં 'નવસર્જન કા રાજા' નું સ્થાપન કરાયુ છે. દરરોજ સવાર સાંજ આરતી પૂજન અને પ્રસાદ વિતરણના કાર્યક્રમો થઇ રહ્યા છે. ધર્મપ્રેમીજનોએ દર્શનનો લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે.

(3:34 pm IST)