Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

લૂંટ કરનારા ત્રણ પોલીસમેન અને એક વોર્ડન ૪ દિ'ના રિમાન્ડ પરઃ ૪૭૫૦૦ની રોકડ કબ્જે

બાકીની રકમ, ડીવીઆર કબ્જે કરવા અને ઓળખ પરેડ કરાવવા તજવીજ

રાજકોટ તા. ૧૦: યુનિવર્સિટી રોડ પર સુવર્ણ કોમ્પલેક્ષમાં એન્જોય હેર નામે સલૂન ધરાવતાં અને રૈયા ચોકડીએ ફાસ્ટફૂડનો ધંધો કરતાં અને સરકારી કર્મચારી સોસાયટી બ્લોક નં. ૬૬/૨ શેરી નં. ૭માંરહેતાં અશોકભાઇ ધીરજલાલ વાઘેલા (ઉ.૪૩) નામના વાળંદ યુવાનના સલૂનમાં જઇ તમે લેડિઝને રાખીને ખોટુ કામ કરો છો તેમ કહી લાફા મારી રોકડા રૂ. ૮૫ હજાર અને ડીવીઆરની લૂંટ કરવાના ગુનામાં ઝડપાયેલા ત્રણ પોલીસ કર્મચારી અને એક વોર્ડનને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં ૪ દિવસના રિમાન્ડ મંજુર થયા છે. ચારેય પાસેથી લૂંટેલી રકમ પૈકીના રૂ. ૪૭૫૦૦ કબ્જે કરવામાં આવ્યા છે.

ગાંધીગ્રામ પોલીસે આ મામલે  આઇપીસી ૩૯૪, ૨૦૧, ૧૭૦, ૩૪  મુજબ હેડકવાર્ટરના સસ્પેન્ડ પોલીસ કર્મચારી કેયુર વનરાજભાઇ આહિર (ઉ.૨૪-રહે. ૩૦૧-એ, શંખેશ્વર એપાર્ટમેન્ટ પટેલ ચોક નાગેશ્વર મંદિરથી આગળ), ટ્રાફિક બ્રાંચના જોગેશ રમેશભાઇ ઠાકરીયા (ગઢવી) (ઉ.૨૯-રહે. રત્નમ્ સીટી ગેઇટ નં. ૨, મકાન નં. ડી-૧૧ એસઆરપી કેમ્પ સામે), પ્રવિણ વજુભાઇ મહિડા (અનુ. જાતી) (ઉ.૩૦-રહે. રામનાથપરા પોલીસ લાઇન બ્લોક નં. ૨ કવાર્ટર નં. ૧૭) તથા ટ્રાફિક વોર્ડન તરીકે કામ કરતાં નવઘણ યોગેશભાઇ દેગડા (ચારણ) (ઉ.૨૧-રહે. વિરડા વાજડી ગામ વીવીપી એન્જિનીયરીંગ કોલેજની સામે પ્રાર્થના એપાર્ટમેન્ટની બાજુમાં)ની ધરપકડ કરી હતી.

આ ચારેયની વિશેષ પુછતાછ કરવાની હોઇ રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં ૧૩મી તારીખ સુધીના રિમાન્ડ મંજુર થયા છે. ચારેય પાસેથી રૂ. ૪૭૫૦૦ કબ્જે કરવામાં આવ્યા છે. બાકીની રકમ અને ડીવીઆર કબ્જે કરવા તથા ચારેયની ઓળખ પરેડ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ આ એક જ ગુનો આચર્યો હોવાનું ચારેય રટણ કરે છે.

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં ગાંધીગ્રામ પી.આઇ. વી.વી. ઓડેદરા, પીએસઆઇ ભટ્ટ, ભાનુભાઇ મિંયાત્રા, રશ્મીનભાઇ પટેલ, રાહુલભાઇ વ્યાસ, સંતોષભાઇ મોરી, કિશોરભાઇ ઘૂઘલ,  હિતુભા ઝાલા, દિવ્યરાજસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ ગોહિલ, ગોપાલભાઇ પાટીલ, દિનેશભાઇ વહાણીયા, હાર્દિકસિંહ પરમાર સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે.

(3:33 pm IST)