Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

બેડીપરા રેન બસેરા અને આંબેડકરનગરમાં દરોડોઃ ૯૫ હજારના દારૂ સાથે બે પકડાયા

એ-ડિવીઝન પોલીસે પ્રદિપ દેવડાને કારમાં ૧૬૮ બોટલ સાથે અને માલવીયાનગર પોલીસે ઓરડીમાં દરોડો પાડી મનુ ચાવડાને બાવન બોટલ સાથે પકડી લીધો

રાજકોટ તા. ૧૦: પોલીસે દારૂના બે દરોડામાં ૯૫૨૦૦ના વિદેશી દારૂ સાથે બે શખ્સને પકડ્યા હતાં. બેડીપરા રેન બસેરા પાસેથી એક શખ્સને કારમાં દારૂના જથ્થા સાથે અને આંબેડકરનગરમાં એક શખ્સને ઓરડીમાંથી બોટલો સાથે પકડી લેવાયો હતો.

એ-ડિવીઝન પોલીસે બેડીપરા રેન બસેરા   નજીક કપિલા હનુમાન પાસેના રોડ પરથી  પ્રદિપ ભીખુભાઇ દેવડા (રજપૂત) (ઉ.૩૬-રહે. ગોપાલનગર-૩)ને હોન્ડા સીટી કાર જીજે૦૩બીએ-૦૯૯૭માં રૂ. ૬૭૨૦૦ના ૧૬૮ બોટલ દારૂ સાથે પકડી લઇ દારૂ, એક લાખની કાર અને એક મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧,૬૮,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રદિપ ડ્રાઇવીંગ કામ કરે છે. તે દારૂ કયાંથી લાવ્યો? તે અંગે તપાસ થઇ રહી છે. પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એસ.વી. સાખરા, એએસઆઇ ભરતસિંહ ગોહિલ, હેડકોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા, હારૂનભાઇ ચાનીયા, નરેશભાઇ ઝાલા, મોૈલિક સાવલિયા અને રામભાઇ વાંકે આ દારૂ ઇન્દ્રસિંહ અને હારૂનભાઇની બાતમી પરથી પકડી લીધો હતો.

જ્યારે બીજા દરોડામાં માલવીયાનગર  પોલીસે ગોંડલ રોડ આંબેડકરનગર-૧૦માં સુરેશભાઇ ચાવડાની ઓરડીમાં રહેતાં મનુ ઉર્ફ રામો કાળુભાઇ ચાવડા (ઉ.૨૯)ને રૂ. ૨૮૦૦૦ના બાવન બોટલ દારૂ સાથે પકડી લીધો હતો. પી.આઇ. ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ જે. એસ. ચંપાવત, હરપાલસિંહ જાડેજા, ભાવેશભાઇ ગઢવી, કુલદીપસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ રાજપૂત સહિતનો સ્ટાફ મહોર્રમ બંદોબસ્તમાં હતો ત્યારે ભાવેશભાઇ સહિતને બાતમી મળતાં આ દરોડો પાડવામાં આવ્યો હતો.

(1:07 pm IST)