Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

સામા કાંઠે રાજારામનગર-૯માં દિવાલ ચણી લેવાતા પાણીનો ભરાવોઃ ઉકેલ ન આવે તો આંદોલનના મંડાણ

એક વર્ષથી રહેવાસીઓને પરેશાનીઃ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને રજૂઆત

રાજકોટઃ શહેરના સામા કાંઠે રાજારામનગર-૯માં સંત કબીર રોડ પર રહેતાં રહેવાસીઓ રણજીતસિંહ રામસિંહ વાઢેર, કનુભાઇ બાબુભાઇ પૂજારા તથા બીજા લત્તાવાસીઓએ મળી મ્યુનિસિપલ કમિશનર તથા પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી આ શેરીમાં કેટલાક શખ્સોએ દિવાલ ચણી રસ્તો બંધ કરી લેતાં શેરીમાં વરસાદના પાણી ભરાતાં હોવાની અને આવારા તત્વો આ દિવાલ પાસે જાહેરમાં લઘુશંકા કરતાં હોઇ શેરીમાં અવર-જવર કરતી બહેન-દિકરીઓ-ગૃહિણીઓને ભારે હેરાનગતિ સહન કરવી પડતી હોવાની રજૂઆત કરી છે. વિશેષમાં જણાવાયું છે કે એકાદ વર્ષ પહેલા આ દિવાલ ચણી રાજારામ-૯માંથી મહારાણા પ્રતાપ હોલ તરફ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ બાબતે મ્યુનિસિપલ કમિશનરને અગાઉ રજૂઆતો થઇ છે. પરંતુ કોઇ કાર્યવાહી થઇ નથી. હાલમાં વરસાદને કારણે પાણીનો ભરાવો થતાં ગંદકી ફેલાઇ રહી છે અને રોગચાળો ફેલાય તેવો ભય ઝળુેંબી રહ્યો છે. વર્ષોથી આ રસ્તો ખુલો હતો જે કેટલાક લોકોએ બંધ કરી દીધો છે. આ કારણે લોકો ત્રાસ વેઠી રહ્યા છે. જો સત્વરે ઉકેલ નહિ આવે તો રહેવાસીઓ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે. તેમ રજૂઆતના અંતમાં જણાવાયું છે. તસ્વીરમાં દિવાલ ચણી લેવાઇ છે તે (રાઉન્ડ કર્યુ છે તે) જોઇ શકાય છે.

(1:07 pm IST)