Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

સુજલામ સુફલામ જળ અભિયાનથી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યોઃ રાજુ ધ્રુવ

વિજયભાઇના નેતૃત્વમાં જળસંગ્રહનો સ્ત્રોત વધારવા, પાણીના સ્તર ઉંચા લાવવા રાજયવ્યાપી જળ અભિયાનને ભારે સફળતા

રાજકોટઃ તા.૧૦, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આરંભ કરવામાં આવેલા સુજલામ સુફલામ જળ અભિયાનનાં બે વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આ અભિયાન વિશે વિસ્તૃત માહિતી આપતા ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, પ્રજાવત્સલ પાણીદાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સૌની યોજના અને સુજલામ સુફલામ જળ અભિયાન વડે પ્રજા-પશુપ્રાણીની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવ્યો છે. વરસાદી પાણીનાં જળ સંગ્રહ અને જળ સંચય માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવેલા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત બે વર્ષમાં ૩૦૦૦૦ જેટલા જળસંચયના કામો પૂર્ણ થયેલ છે. તેમજ લુપ્ત થયેલ નદીઓ પુનઃજીવિત કરવાનું કામ કરવામાં આવેલ છે. આ વર્ષે પરમ કૃપાળુ ઈશ્વરની કૃપાથી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ખૂબ સારો વરસાદ પડેલ છે. રાજયનાં અંદાજીત ૧૦૦૦૦ જેટલા નાના-મોટા તળાવો વરસાદી પાણીથી છલોછલ ભરાઈ ગયેલ છે. જયારે નર્મદા ડેમ સહિત રાજયના ૯૦ ટકા જેટલા જળાશયો ઓવરફ્લો થયા છે. સુજલામ સુફલામ જળ અભિયાન જળક્રાંતિના બે વર્ષ - ગુજરાતનાં ઈતિહાસમાં જળ અભિયાન તથા જનઆંદોલનનું સફળ પ્રકરણ છે. જનભાગીદારી દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ દ્યટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો હતો એમાં સૌ લોકોએ સક્રિયતાથી સહયોગ આપ્યો છે અને પરિણામે આ અભિયાનને અપ્રતિમ સફળતા મળી છે. આજથી બે વર્ષ અગાઉ કોઈએ વિચાર્યુ પણ ન હતું કે, સુજલામ સુફલામ જળ અભિયાન ખૂબ જ સફળ થશે અને તે ભવિષ્યમાં પાણીની સમસ્યાનો છુટકારો લાવશે. આ બદલ વિજયભાઈની દીર્દ્યદૃષ્ટિને જેટલી પણ બિરદાવીએ એટલું ઓછું છે. તેમની ખેેેડૂતો અને ખેતી અને ગ્રામ્ય વિસ્તાર ના વિકાસ માંટે ના આયોજન ના ફળ વર્ષો સુધી ગુજરાતની પ્રજાને ચાખવા મળશે.

 ગુજરાતમાં કુદરતી પાણીના સ્ત્રોત ઉંચા આવે તેમજ વરસાદી પાણીના જળસંચય વધુને વધુ થાય તેનો લાભ નાગરિકો અને લાખો ખેડૂતોને થાય એ આશયથી હાથ ધરાયેલ રાજયવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનને વ્યાપક જન પ્રતિસાદ સાંપડ્યો છે. જનભાગીદારી પ્રેરિત આ સુજલામ સુફલામ જળ અભિયાન પરિણામે છેલ્લા બે વર્ષમાં ૨૩૫૫૩ લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે. ચાલુ વર્ષે પણ મેદ્યરાજાની મહેર થતાં ૧૦૦ ટકા જેટલો વરસાદ રાજયમાં થઈ ગયો છે ત્યારે રાજય સરકારની દીર્ઘદ્રષ્ટિ અને આયોજનના પરિણામે આ અભિયાન હેઠળ જે તળાવો ઊંડા કરાયા હતા અને ચેકડેમનું ડિસીલ્ટીંગ કર્યુ હતું એ પૈકી મોટાભાગના તળાવો-ચેકડેમમાં નવો જળસંગ્રહ થયો છે. તેના લીધે ૫થી ૭ ફૂટ જેટલા ભુગર્ભ જળ સ્તર ઉંચા આવ્યા છે. સૌની યોજના થકી પણ સૌરાષ્ટ્રના લગભગ ૧૧૫ જેટલા ડેમને કનેકટ કરવામાં આવશે. 

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાતે તમામ ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે. વિકાસનો મૂળભૂત આધાર પાણી છે ત્યારે સર્વાંગી વિકાસ માટે એ પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય અને જળસંચય ક્ષમતામાં વધારો કરી રાજયમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાનું ઐતિહાસિક જનઆંદોલન સુજલામ સુફલામ યોજના સફળ અને પ્રસંશનીય બન્યુ છે.

રાજયનાં સૌ નાગરિકો કુદરતના પ્રસાદ સમા પાણીનો પણ કરકસરપૂર્વક ઊપયોગ કરીને જળસંચયના આ કામને વધુને વધુ સુદ્રઢ બનાવે એ માટે  અપીલ કરી ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં સફળ બનેલું સુજલામ સુફલામ જળ અભિયાનથી દેશમાં જળક્રાંતિનું રાહબર બનશે અને હર ખેત કો પાનીનો મંત્ર સાકાર કરી જળક્રાંતિ સાથે હરિતક્રાંતિની આગેવાની લેશે એવું દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું.

(1:04 pm IST)