Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

મેળાની મોજ પછી માતમ... નાકરાવાડીના મેળામાંથી પાછા આવતાં કોળી બંધુને અકસ્માતઃ એકનું મોત, બીજો ઘાયલ

રસિક સોરાણી (ઉ.૨૫) અને મહેશ સોરાણી (ઉ.૧૮)ના બાઇકને ડમ્પરે ઠોકરે લીધું: મહેશે દમ તોડ્યોઃ પરિવારમાં શોકઃ ગંભીર ઇજાગ્રસ્ત રસિકને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયો : અકસ્માત સર્જી ડમ્પરનો ચાલક ભાગી ગયો

રાજકોટ તા. ૧૦: કુવાડવાના તરઘડીયાના પાટીયા પાસે ડમ્પરે બાઇકને ઉલાળતાં ચાલક નાકરાવાડીના કોળી યુવાનને ઇજા થઇ હતી અને પાછળ બેઠેલા તેના નાના ભાઇનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બંને ભાઇઓ નાકરાવાડીના મેળામાં મોજ માણવા ગયા હતાં. ત્યાંથી પરત આવતી વખતે રસ્તામાં અકસ્માત નડ્યો હતો, જેમાં એકનું મોત નિપજતાં સ્વજનોમાં માતમ છવાયો છે.

જાણવા મળ્યા મુજબ કુવાડવા કૃષ્ણ પાર્ક વાડી વિસ્તારમાં રહેતો રસિક વાલાભાઇ સોરાણી (ઉ.૨૫) અને તેનો નાનો ભાઇ મહેશ વાલાભાઇ સોરાણી (ઉ.૧૮) ગઇકાલે સાંજે બાઇક નં. જીજે૦૩સીકે-૫૫૭૪માં બેસી નાકરાવાડીના લોકમેળામાં ગયા હતાં. ત્યાંથી બંને સાંજે સાડા સાતેક વાગ્યે પરત કુવાડવા આવી રહ્યા હતાં ત્યારે તરઘડીયાના પાટીયા પાસે પહોંચતા ડમ્પર નં. ૫૬૨૯ના ચાલકે ઠોકરે લેતાં ચાલક રસિક અને પાછળ બેઠેલો મહેશ એમ બંને ભાઇઓ ફંગોળાઇ જતાં બંનેને ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મહેશે દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને યુવરાજસિંહે જાણ કરતાં કુવાડવાના હેડકોન્સ. હેમરાજસિંહે હોસ્પિટલે પહોંચી ઘાયલ રસિક સોરાણીની ફરિયાદ પરથી ડમ્પર નં. ૫૬૨૯ (જેની સિરીઝ યાદ નથી)ની સામે ગુનો નોંધ્યો હતો. અકસ્માત સર્જી ડમ્પરનો ચાલક ભાગી ગયો હતો. રસિકને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મૃત્યુ પામનાર મહેશ બે ભાઇ અને ચાર બહેનમાં સોૈથી નાનો હતો અને ખેતી કામમાં પરિવારને મદદરૂપ થતો હતો. યુવાન દિકરાના મોતથી માતા લીલાબેન, પિતા વાલાભાઇ, ભાઇ, બહેનો સહિતના સ્વજનો શોકમાં ગરક થઇ ગયા છે. (૧૪.૫)

 

(11:32 am IST)