Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

સિન્ડીકેટમાં કુલપતિ પેથાણી ઉવાચ...મારો ૧ લાખની શરતઃ ૪ બી.એડ્. કોલેજોમાં વિદ્યાર્થી કે સ્ટાફ જતા જ નથી...બતાવું

'એ' ગ્રેડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શરમ : કુલપતિ પેથાણી અને કોંગ્રેસના સિન્ડીકેટ સભ્યો વચ્ચેના વાર્તાલાપથી સિન્ડીકેટમાં સન્નાટોઃ પેથાણીનું નિવેદન ઈરાદાપૂર્વકનું કે અંતરઆત્માનું ? અનેકવિધ ચર્ચા

રાજકોટ, તા. ૯ :. સતત વિવાદમાં રહેતી અને તેમાંય કુલપતિ - કુલનાયકના દેરાણી-જેઠાણી જેવા ઝઘડાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને હાની પહોંચી છે, ત્યારે ૪ સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાયેલ સર્વોચ્ચ સત્તા મંડળ સિન્ડીકેટની બેઠકમાં ખુદ કુલપતિ નીતિન પેથાણીએ ચોંકાવનારો એકરાર કરતા સન્નાટો પ્રસરી ગયો છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કોલેજોની વાસ્તવિક સ્થિતિ ચોંકાવનારી હોવાનો આડકતરો સ્વીકાર કર્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ ૪ સપ્ટેમ્બરે માત્ર ખાનગી કોલેજોને મંજુરી આપવા માટે મળેલી સિન્ડીકેટની બેઠકમાં કામદાર કોલેજનો મંજુરીનો મુદ્દો ચાલતો હતો એકબાજુ કોંગ્રેસના હરદેવસિંહ જાડેજા અને ધરમ કાંબલીયા તો સામે ભાજપના ભાવિન કોઠારી અને નેહલ શુકલ વચ્ચે રીતસરની જામી પડી હતી. કુલપતિએ કોંગ્રેસના હરદેવસિંહ જાડેજાનું ત્રીજા સભ્ય તરીકે નામ મુકતા ભાજપના સભ્યોએ કુલપતિ પેથાણી ઉપર રીતસર તડાપીટ બોલાવી હતી. ભાવિન કોઠારી ખૂબ આગબબુલા થઈ જતા તેમને શાંત પાડવામાં કેટલાક સભ્યોને પરસેવો વળી ગયો હતો.

કામદાર કોલેજનો વિવાદ ચાલતો હતો ત્યારે નિયમ મુજબ કરવાની કોંગ્રેસના  સભ્યોએ માંગ કરતા ઉકળી ઉઠેલા કુલપતિ ડો. નીતિન પેથાણીની પણ કમાન છટકી હતી અને સ્પષ્ટ અને ઉંચા સ્વરે સિન્ડીકેટમાં જણાવ્યુ હતુ કે, ૪ બી.એડ્. કોલેજમાં તો વિદ્યાર્થીઓ તો ઠીક પ્રિન્સીપાલ કે કોઈ સ્ટાફ પણ જતો નથી. ૧ લાખની શરત મારો, બતાવી દઉં... અને જો હું ખોટો પડુ તો ૨ લાખ રૂપિયા આપીશ.

કુલપતિ પેથાણીના નિવેદન બાદ સમગ્ર સિન્ડીકેટમાં સન્નાટો વ્યાપી ગયો હતો. આ ૪ બી.એડ્. કોલેજ કઈ ? કુલપતિ પેથાણી આટલુ નજીકથી જાણે છે છતાં કેમ લાજના ઘુમટા તાણે છે ? પગલા લેવામાં કોનો અવરોધ છે ?

કુલપતિ ડો. નીતિન પેથાણીના આ નિવેદન ઈરાદાપૂર્વકના કે વગદાર સામેના જુથના સભ્યોની બોલતી બંધ કરવાનું ? તે તો આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.(૩૭.૧૯)

(4:08 pm IST)