Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

હત્‍યાના ગુનામાં સ્‍કૂલ સંચાલક શાંતિલાલ વિરડીયા અને વિજય સાંજે કોર્ટ હવાલે

રાજકોટ તા. ૧૦: વડવાજડી ગામની મધ્‍યાહન ભોજન યોજનાની સંચાલિકા જામનગર રોડ પર ફૂડ કોર્પોરેશન ગોડાઉન રોડ પર મધુરમ્‌ એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૪૦૩માં ચોથા માળે રહેતાં  વિધવા વણિક મહિલા હીનાબેન રાજેશભાઇ મહેતા (ઉ.વ.૪૮)ની હત્‍યા સબબ પકડાયેલા માયાણીનગરમાં રહેતાં સ્‍કૂલ કોલેજોના સંચાલક એવા લેઉવા પટેલ પ્રોૈઢ શાંતિલાલ હરદાસભાઇ વીરડીયા (ઉ.૫૩) અને તેના મિત્ર પરપ્રાંતિય મિત્ર વિજય શ્રીઆધ્‍યા રાય (ઉ.૩૭)ના આજે રિમાન્‍ડ પુરા થતાં સાંજે કોર્ટ હવાલે કરવા તજવીજ કરવામાં આવી હતી.

વિધવા સાથે પરિચય ધરાવતાં શાંતિલાલ વિરડીયાએ હવે રિલેશનશીપથી કંટાળી જઇ હીનાબેનનો કાંટો કાઢવા કાવત્રુ ઘડી મિત્ર વિજય રાયની મદદથી કર્મયોગી સ્‍કૂલમાં જ પાંચમા માળે હત્‍યા કરી લાશ મવડી કણકોટ રોડ પર ખાડામાં ફેંકી દીધી હતી. તાલુકા પોલીસે લાઇટ બીલના આધારે મહિલાની ઓળખ મેળવ્‍યા બાદ તપાસ કરતાં ચોંકાવનારી મર્ડર મિસ્‍ટ્રી સામે આવી હતી. પોલીસે હત્‍યામાં વપરાયેલુ દોરડુ, સ્‍કોર્પિયો કાર કબ્‍જે કર્યા છે. તેમજ બીજા પુરાવા એકઠા કર્યા છે. હીનાબેનની લાશનું જામનગર ખાતે રિ-પોસ્‍ટ મોર્ટમ પણ કરાવાયું છે. જેનો રિપોર્ટ અઠવાડીયા-દસ દિવસ પછી આવશે.

આજે રિમાન્‍ડ પુરા થતાં બંનેને કોર્ટ હવાલે કરવામાં આવશે. ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં પીઆઇ વી. એસ. વણઝારા, પીએસઆઇ જી.એસ. ગઢવી, રાઇટર પદુભા રાણા સહિતની ટીમે તપાસ કરી હતી.

(5:37 pm IST)