Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

મહાવીર શબ્‍દમાં મહાન રહસ્‍ય છેઃ મ- મહાદેવ, હ- હનુમાન, વ-વિષ્‍ણુ, ર- રામનો વાચક છેઃ પૂ.પારસમુનિ મ.સા.

પર્યુષણ મહાપર્વમાં ભગવાન મહાવીરના જન્‍મ પ્રસંગોનું વાંચન કલ્‍પસૂત્ર દ્વારા કરવામાં આવે છે. પંચમ દિવસે ‘‘બ્રાન્‍ડેડ'' વિષય પર ચિંતનશીલ પ્રવચન ફરમાવતા ક્રાંતિકારી સંત શ્રી પારસમુનિ મ.સાહેબ જણાવેલ કલ્‍પસૂત્ર સ્‍વયં એક ગ્રંથ નથી, પરંતુ ગ્રંથનો એક ભાગ છે. આચાર્ય ભદ્રબાહુસ્‍વામીએ દશ અધ્‍યયન ધરાવતા દશાશ્રુતસ્‍કંઘ સૂત્રની રચના કરી. તેનું આ આઠમુ અધ્‍યયન ધરાવતા તેને પજ્‍જોસણાકલ્‍પ અથવા પર્યુષણાકલ્‍પ કહેવામાં આવે છે. સમાયાંતરેએ કલ્‍પસૂત્ર તરીકે પ્રસિદ્ધ થયુ. તેની રચના આજથી ૨૨૨૯ વર્ષ પૂર્વે થઈ હતી. કલ્‍પસૂત્ર બારસો ઉપરાંત શ્‍લોક પ્રમાણ હોવાથી બારસા સૂત્ર પણ કહેવાય છે. કલ્‍પસૂત્રમાં ૨૯૧ કંડિકા છે.

જૈન શાસનનો અદ્‌ભૂત અનેકાંતવાદ છે. જે સ્‍યાદ્‌વાદ તરીકે પણ ઓળખાય છે. અહીં તો નિશ્વય અને વ્‍યવહારનો સમન્‍વય છે. જ્ઞાનમાર્ગ અને ક્રિયામાર્ગની સંગતિ છે. ઉત્‍સર્ગ અને અપવાદનો યથા યોગ્‍ય અમલ છે. કયાંય એકાંત નથી, હઠાગ્રહ કે કદાગ્રહ નથી. અરે ! સત્‍યનો પણ આગ્રહ નથી. સત્‍યના આગ્રહી કદાગ્રહી અને ઝનૂની બની જાય છે. પોતે માનેલા સત્‍યને બીજા પર થોપી બેસાડવાના પ્રયાસો કરશે, કષાય કરશે. સંકલેશો ઉત્‍પન્ન કરશે. સ્‍વની સાથે સર્વની સમાધિનો ભંજક બનશે. આગળ વધતા પોતાની જાતની સાથે શાસનનો પણ વૈરી બનશે. સત્‍યનો ગ્રાહી તો પોતાના જીવનમાં સત્‍યને લાવવાનો પ્રયાસ કરશે. પણ બીજા પર થોપી બેસાડવાનો પ્રયાસ નહીં કરે. માટે પરમાત્‍માએ સત્‍યાગ્રહી નહી, પણ સત્‍યાગ્રાહી બનવાની વાત કરી છે.

મુસ્‍લિમ બિરાદરો મોહમ્‍મદ પયગંબર સાહેબને માને છે. મોહમ્‍મદનો અર્થ જ કહે છે કે મોહ અને મદથી જે મુકત હોય તે મોહમ્‍મદ. હિન્‍દુ સનાતન ધર્મની વાત કરીએ તો મોહન- મદનની પૂજા કરે છે, તેનો અર્થ એ કે મોહ અને મદ ને પોતાનાથી દૂર કરે તે પરમાત્‍માને મેળવે. રહીમનો સીધો અર્થ છે કે રહમ કરે તે રહીમ, ઈસાઈ (ક્રિશ્વન) એટલે જે ઈશ્વરની નજીક છે, જે ઈશ્વરનું સંતાન છે તે ઈસાઈ. બુદ્ધ એટલે જે પરમબોધિને પ્રાપ્‍ત થઈ ગયા છે. વૈષ્‍ણવ એટલે જે હૃદયમાંથી વૈરભાવનો વિનાશ કરે. પારસી તે છે જે સંસારથી પાર થઈ ગયો છે. શીખ એટલે જે શિષ્‍ય બનવા તૈયાર થઈ ગયો છે, જેણે પોતાનું સર્વસ્‍વ સદ્દગુરૂના ચરણોમાં સમર્પિત કરી દીધુ છે. આ શબ્‍દોની સાર્થકતા સમજીને હૃદયમાં સમભાવ પ્રગટાવવોએ જ મહાપર્વની સાર્થકતા છે.

દેવ કે દેવાધિદેવ સમક્ષ કોઈપણ જાતની માનતા રાખતા પૂર્વે માનવ આગળ માનવતા રાખતા શીખી જઈએ.

ભગવાન મહાવીરના આત્‍માએ પૂર્વના ત્રીજા ભવે તીર્થંકર નામ ગોત્ર કર્મ ઉપાર્જન કર્યુ ત્‍યારે નંદન રાજર્ષિ હતા. ૧ લાખ વર્ષ સંયમ પાળ્‍યો. તેમા ૧૧,૮૫,૬૪૫ માસક્ષમણ કર્યા અને ૧૪,૩૫૫ મહિના પારણા કર્યા કુલ ૧૨,૦૦,૦૦૦ (બાર લાખ) મહિના તપ કર્યુ.

જેની કથાની અને કરણી અંતર, તે બને વાણવ્‍યંતર. સંકલ્‍પ કરો તેને પૂર્ણ કરવામાં લાગી જાવ, એકલવ્‍યએ સંકલ્‍પ કર્યો તો મોટીની મૂર્તિ પણ ગુરૂનું કામ કરી ગઈ, શાહજહાએ સંકલ્‍પ કર્યો તો તાજમહલ ઉભો થઈ ગયો, મહાત્‍મા ગાંધીજી એ સંકલ્‍પ લીધો તો દેશ આઝાદ થયો. ભગવાન મહાવીરે પણ સંકલ્‍પ કર્યો કે સાધનાની પૂર્ણતા પામ્‍યા પછી જ બોલીશ તો સાડાબાર વર્ષની મૌન સાધના માં કેવલજ્ઞાન પ્રાપ્‍તિ થઈ. જો તમે પણ સત્‌ સંકલ્‍પ કરશો તો એક દિવસ તમારી દુનિયા પણ બદલી જશે.

ફકત તેને જ મંદિર ન માનો જયાં તમે માથુ નમાવો છો, પરંતુ જે કાયા ના ઘરમાં રહો છો તેને પણ મંદિર માનો. જેમ મંદિરમાં સિગરેટ, શરાબ ચઢાવવું પાપ છે, તેમ આ શરીર રૂપ મંદિરમાં પણ સિગરેટ, શરાબ, ગુટખા નાખવા પાપ છે.

શરીર, મન અને પ્રાણોની સ્‍વસ્‍થતા માટે યોગ, પ્રાણાયામ અને ધ્‍યાન રામબાણ ઔષધિ છે. યોગથી શરીરની જડતા દૂર થાય, પ્રાણાયામથી પ્રાણોની ઉર્જા વધે અને ધ્‍યાનથી મન આધ્‍યાત્‍મ તરફ ગતિશીલ બને છે.

વર્તમાન સમયમાં વ્‍યસન છોડી દો તો કસરત જ છે. કોઈને નડો નહીં, તો સમાજ સેવા જ છે. પાપ ના કરો તો પુણ્‍ય જ છે. જેના લીધા છે તેને પાછા આપી દો તો દાન જ છે.

મહાવીર શબ્‍દમાં મહાન રહસ્‍ય છુપાયેલ છે, મહાવીર શબ્‍દ પોતે જ જીવતું જાગતું શાષા છે. મહાવીરનો મ- મહાદેવ, હ- હનુમાન, વ- વિષ્‍ણુ, ર- રામનો વાચક છે. એક મહાવીરનું નામ લેવાથી આ ચારેય મહાપુરૂષને પણ એક સાથે પ્રણામ થઈ જાય છે.

મહાવીરને ધર્મના નામે ભીડ નહીં, ભાવ જોઈએ છે. તેને તમારા સિક્કા નહીં, સાદગી જોઈએ છે. તેમનુ નામ દિવાલો પર લખવાનો બદલે, દિલ પર કોતરાવું જોઈએ.

(5:17 pm IST)