Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

પોઝીટીવીટીનું બીજું નામ છે પ્રભુ મહાવીરઃ શ્રેષ્ઠતાનું સર્જન સુખમાંથી નહીં સંઘર્ષમાંથી થાય છેઃ રાષ્ટ્રસંત પૂ. શ્રી નમ્રમુનિ મ.સા.

પર્વાધિરાજ પર્યુષણ પર્વના પાંચમા મંગલ પ્રભાતે ડુંગર દરબારમાં પ્રભુ મહાવીર જન્મ કલ્યાણકનો અદ્દભુત મહોત્સવ રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં ખૂબજ ધર્મોલ્લાસ સાથે ઉજવાયો : કાલે સાંજે રોયલપાર્ક ઉપાશ્રયમાં ગૃહસેવકના સન્માનનો અનોખો કાર્યક્રમ

રાજકોટ,તા.૧૦: પર્વાધિરાજ પર્યુષણ પર્વના પાંચમા દિવસે પુણ્ય આત્મા એવા તમામ પૂજય ગુરુદેવો દિવ્યાત્માઓનાં જયજયકાર સાથે પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણીનો મંગલ પ્રારંભ રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં થયો હતો. આજના સંઘપતિ તરીકે નરેન્દ્રભાઈ દોશી પરિવારે પૂ.ગુરુદેવના આર્શીવાદ અને અનુમોદના સાથે ધર્મલાભ લીધો હતો.

પ્રભુ મહાવીરનોનો જન્મ ચૈત્ર સુદ તેરસના રોજ થયો હતો છતાં,પર્વાધિરાજ પર્યુષણ પર્વના પંચમ દિવસને મહાવીર જન્મ કલ્યાણક તરીકે ઉજવવામાં આવે છે તેનું કારણ સમજાવતાં પૂ.ગુરુદેવે  ફરમાવ્યું હતું કે, વધુને વધુ ભાવિકો પ્રભુ મહાવીરના  જીવનથી પ્રેરણા લઇ શકે તે માટે પર્યુષણ પર્વ દરમિયાન ઉજવાય છે. જે પ્રભુના નામની સાધુ સાધ્વીઓ પહેરે છે,શ્રાવકો ધર્મને અનુસરે છે. તે ભગવાનના  વર્ધમાન નામનું તથ્યનું રહસ્ય પૂ.ગુરુદેવ સમજાવે છે કે પોઝીટીવીટીનું બીજું નામ એટલે વર્ધમાન પ્રભુ મહાવીરનું જન્મનું નામ હતું વર્ધમાન, કે જેના જન્મ સાથે જ રાજયમાં ધનધાન્યની  વૃદ્ઘિ થવાં લાગી હતી.પરંતુ પ્રભુના જીવન ગુણોને કારણે દેવોએ તેમને મહાવીરની ઉપધિ આપી હતી. જેણે તમામ ઈન્દ્રિઓને જીતી લીધી છે તે છે મહાવીર પ્રભુના નામની પરિભાષા આપતા રાષ્ટ્રસંત પૂજયશ્રીએ ફરમાવ્યું હતું કે, શ્રેષ્ઠતાનું સર્જન સુખમાંથી નહીં સંઘર્ષમાંથી થાય છે, વૈભવમાંથી નહીં વેદનામાંથી થાય છે.

રાષ્ટ્રસંત પૂજયશ્રીએ નયસાર કાઠિયારાના જીવનનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, પ્રભુ મહાવીરે નયસાર કાઠિયારાના ભવમાં જે હાથ વડે ભૂલા પડેલાં સાધુ ભગવંતોને સુપાત્રે દાન કર્યું તે સમયે વર્ધમાન બનવાના બીજ રોપ્યા હતાં.તેમ આપણે હાથને મારવા કે તારવા ઉપાડવા, પ્રહાર કરવા ઉપાડવા કે અન્યને સપોર્ટ કરીને અને આવતાં ભવ સુધારી શકીએ તેનો અમૂલ્ય બોધ આપ્યો હતો. પ્રભુ મહાવીરના જીવનના ઉપર  નાટીકાનું પદાર્પણ ભાવ સાથે કર્યું હતું.

આજરોજ ધર્મસભામાં રહેલાં ચૌદ સ્વપ્નોને ખૂબ જ ભાવપૂર્વક ઘરે લઈ જવાનો લાભ લઈને ભાગ્યશાળી આત્માઓએ પોતાના ભાવિનું ભાથું બાંધ્યું હતું.

પર્વાધિરાજ પર્યુષણ પર્વના પાંચમા દિવસે  ઈનર કલીનીંગ કોર્સકમાં ચાર દિવસની આત્મશુદ્ઘિ કરાવ્યા બાદ પૂ.ગુરુદેવે ફરમાવ્યું હતું કે,કોર્સ પૂરો થઈ ગયા બાદ ઈન કલીનીંગ પ્રોસેસ  સતત ચાલતી રહે તે માટે છ દિવસનું અઠવાડિક શેડ્યુઅલ આપ્યું હતું. જૂની દ્રઢ થયેલી માન્યતાઓને તોડવા માટેનો ટાસ્ક આપતાં પૂ.ગુરુદેવે ભાઈઓને પોતાના બંધ ઓરડામાં પ્રભુ મહાવીરની જેમ દિગમ્બર અવસ્થામાં પંદર મિનિટનું ધ્યાન કરવાની તેમજ બહેનોને એક પગ પર ઉભા રહીને ધ્યાન કરવાની તેમજ તમામ ભાવિકોને આજના દિવસે ઘરેણાંઓનો ત્યાગ કરવાની આજ્ઞા-અનુરોધ કર્યો હતો.

વિશેષમાં કાલે મંગળવારે તા.૧૧ના સાંજ ૫ કલાકે રાષ્ટ્રસંત પૂજયશ્રીના સાંનિધ્યમાં ઘરમાં કામ કરતાં સેવકોને સન્માનિત કરવા માટેનાં સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે રાષ્ટ્રસંત પૂજયશ્રી દ્વારા ગૃહસેવકોને સેવા કાર્ય કરતા કરતા પણ કેવી રીતે પણ પાપને ઘટાડી શકાય તેના પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે. કયારેક સેવકો પર ગુસ્સો પણ કર્યો હોય અને કયારેક ઘરમાં તેમને પ્રેમથી નવાજયાં પણ હોય. પરંતુ જાહેરમાં સર્વની વચ્ચે તેમની માફી માંગીને તેમનો ઉપકાર માનીને ગૃહ સેવકોનું સન્માન કરીને ભાવિકો કૃતાર્થ થશે.

(5:10 pm IST)