Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

વધુ એક સિધ્ધી

પ્રદુષણ નિયંત્રણ માટે રાજકોટને વન પ્લેનેટ સિટી ચેલેન્જનો એવોર્ડ

રાજકોટ, તા.૧૦: 'વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર' ( ડબલ્યુ.ડબલ્યુ.એફ.) દ્વારા કલાઈમેટ ચેન્જના પડકાર સામે વૈશ્વિક સ્તરે વિવિધ શહેરો દ્વારા લેવામાં આવી રહેલા પગલાઓનું પ્રતિ વર્ષ મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે; જેમાં બેસ્ટ કામગીરી કરનાર શહેરોને વિશેષ એવોર્ડ માટે પસંદ કરવામાં આવે છે. રાજકોટ શહેરમાં પણ મહાનગરપાલિકા દ્વારા શહેરના વાતાવરણમાં ઉત્સર્જીત થતા કાર્બનના પ્રમાણમાં ઘટાડો કરવા માટે જે પ્રયાસો થયા છે તેની વધુ એક વખત આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રશંસા થઇ છે. વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર દ્વારા ૨૦૧૭-૧૮ના વર્ષ માટે યોજાયેલી વન પ્લેનેટ સિટી ચેલેન્જ ૨૦૧૭-૧૮ એવોર્ડ માટે ઇન્ટરનેશનલ જયુરીના ગહન મૂલ્યાંકન બાદ રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવેલ છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો ખાતે તા. ૧૨ સપ્ટેમ્બર ના રોજ  મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની આ એવોર્ડ સ્વીકારશે.

રાજકોટ શહેર અને મહાનગરપાલિકા માટે આ અત્યંત ગૌરવની એવી આ બાબત વિશે વાત કરતા  મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ૨૦૧૭-૧૮ ના વર્ષ માટેની ઙ્કવન પ્લેનેટ સિટી ચેલેન્જ ઙ્કમાં ૨૩ રાષ્ટ્રોના ૧૩૨ શહેરોએ ભાગ લીધો હતો. આ તમામ એન્ટ્રીઝનું મૂલ્યાંકન કરી ઇન્ટરનેશનલ જયુરી દ્વારા ૨૨ શહેરોની ઙ્કવન પ્લેનેટ સિટી ચેલેન્જ ટાઈટલના નેશનલ વિનર તરીકે પસંદગી કરી છે.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વીસ એજન્સી ફોર ડેવેલોપમેંટ એન્ડ કોઓપરેશન દ્વારા ફંડેડ કેપેસીટીઝ પ્રોજેકટ અંતર્ગત કલાઈમેટ રેઝિલીયન્ટ સીટી એકશન પ્લાન બનાવેલ છે જેમાં વિવિધ મીટીગેશન તથા એડેપ્ટેશન એકશન નિયત કરેલા છે. જેની વૈશ્વિક કક્ષાએ સરાહના કરવામાં આવી ચુકી છે.

રાજકોટ શહેર, ભારતમાં ગ્રીન હાઉસ ગેસ ઈન્વેન્ટરી બનાવી તેને કાર્બન પ્લેટફોર્મ પર રજીસ્ટર કરનારા ૨૪ શહેરો પૈકી એક છે.

આ ઉપરાંત જી.આઈ.ઝેડ. દ્વારા ફંડેડ અર્બન નેકસસ જેવા આંતરરાષ્ટ્રીય પ્રોજેકટ માટે વિશ્વના જે ૧૨ શહેરો પસંદ થયેલ છે તેમાં રાજકોટની પસંદગી પણ થઇ ચૂકેલી છે અને તેના ફળ સ્વરૂપે ટેકનીકલ સહાયતા મળી રહી છે. ભૂતકાળમાં ઉપરોકત તમામ પરીબળોના આધાર પર રાજકોટને ભારતના નેશનલ અર્થ અવર કેપિટલ ૨૦૧૬ એવોર્ડ થી પણ સન્માનિત કરવામાં આવેલ છે. તેમ કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયુ છે.

(4:44 pm IST)