Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

માતૃ- ભકિતનો ઉપદેશ

પર્યુષણ એટલે મનનું પ્રદૂષણ દૂર કરનાર પર્વ. મનની અંદર ચાલતા રાગ, દ્વેષ, કામ અને ક્રોધના મહાભારતને જીતવાનો સંદેશ આપે તે પર્યુષણ પર્વ. પર્યુષણ પર્વના પાંચમા દિવસે કલ્‍પસૂત્રનાં પ્રવચનો અંતર્ગત પ્રભુ મહાવીરના ૨૭ ભવનું વર્ણન કરવામાં આવે છે.

ત્‍યારબાદ ભગવાન મહાવીરની ગર્ભાવસ્‍થાનું વર્ણન કરવાામાં આવે છે. રત્‍નાકરના પેટાળમાં લાખેણું મોતી હોય તેમ દેવાનંદાની કુખમાં ૮૨ દિવસ અને રાણી ત્રિશલાની કુખમાં સાડા ત્રણ મહિના એમ આશરે સાડા સાત માસનો ગર્ભકાળ થયો હતો. ત્‍યારે ગર્ભમાં વર્ધમાન વિચારે છે કે, મારા વિકસતા અંગોપાંગ અને મારૂં હલનચલન માતાને કેટલી બધી પીડા આપે છે? મારૂં આગમન જગત માત્રના જીવોને સહેજ પણ દુઃખ આપે તેવું ગણાય. માટે તો સર્વ જીવોનું શ્રેય સાધવાનું છે. મારા હલનચલનથી માતાને સહેજ પણ પીડા થાય તે ઉચિત નથી. કેમ કે અત્‍યંત ઉપકારી એવી મારી માતા છે.

આમ વિચારી ત્રિશલા માતાનો ગર્ભ શાંત થયો ત્‍યારે તેમની અકળામણ ઓછી થઈ પણ માતાના મનની અકળામણ વધી ગઈ. આનાથી માતાને અનેકાનેક વિચારો આવ્‍યા. સિદ્ધાર્થ રાજા આદિ સર્વે ચિંતિત થયા. બધાને શોકમગ્ન જોઈ ભગવાને વિચાર્યું કે ગુણ પણ અવગુણ બન્‍યો. ભર્યા જળાશયમાં મત્‍સ્‍ય હાલે તેમ ગર્ભ ફરકયો અને મા હસી પડી અને પ્રભુએ વિચાર્યું માતાને પુત્ર તરફ કેવો અજોડ પ્રેમ હોય છે? હજુ માતાએ મારૂં મુખ પણ જોયું નથી. છતાં કેટલો બધો પ્રેમ મારા પ્રત્‍યે? જન્‍મ પછી સમયાંતરે માતા- પિતાની હયાતીમાં જો હું સંયમ ધારણ કરીશ તો તેમને કેટલું બધુ દુઃખ થશે. આથી અભિગ્રહ નિયમ કરૂં છુ કે, માતાપિતાની જીવિત અવસ્‍થામાં હું સંસારનો ત્‍યાગ કરીને દીક્ષા નહીં લઉં. આવી પ્રતિજ્ઞા ધારણ કરવા દ્વારા ભગવાન મહાવીરે જન્‍મ પહેલાં જ માતાપિતાની ભકિતનો ઉપદેશ આપ્‍યો હતો.

જન્‍મ પૂર્વે ભગવાને પહેલા ઉપદેશ આપ્‍યો માતૃભકિતનો'. આવા પરમાત્‍માની માતાને આવેલાં ચૌદ મહા સ્‍વપ્‍નોની ઉછામણી બોલવામાં આવે છે અને સ્‍વપ્‍નોનું દર્શન કરાવવામાં આવે છે. ભારતભરના અને બહારના સકળ સંઘોમાં જન્‍મ વાંચનની ઉજવણી કરાય છે.

આલેખનઃ (આદર્શ ભારત નેટવર્ક)

(4:29 pm IST)