Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

'કૃતિ ઓનેલા પ્રોજેકટ' ખંડણી-ધમકીના કેસમાં વૃધ્ધ દંપતિના આગોતરા જામીન મંજુર

રાજકોટ, તા.૧૦: અત્રે 'કૃતિ ઓનેલા પ્રોજેકટ' ના ખંડણી પ્રકરણમાં પાંચ કરોડની મા઼ગણી અને જો પૈસા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકીના અનુસંધાને આગોતરા જામીન મંજુર કરવાનો હુકમ કર્યો હતો.

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદી નવીનભાઇ આત્મારામ બેલાણી જંકશન પ્લોટ વાળાએ એ મતલબની ફરીયાદ નોંધાવેલ કે તેઓ 'કૃતિ ઓનેલા' નામે ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર બહુમાળી બીલ્ડીંગ બનાવતા હોય જયાં આ કામના આરોપીઓ નરેન્દ્ર મગનલાલ શાહ તથા તેમના પત્ની શ્રીમતી વર્ષાબેન નરેન્દ્રભાઇ શાહના કહેવાથી અન્ય અજાણ્યા પાંચ આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદી તથા સાહેદને કૃતિ ઓનેલાની સાઇટ બહાર મળી પ્રોજેકટ પુરો કરવા માટે તથા વાંધાઓ હટાવી લેવા માટે બળજબરીપુર્વક પાંચ કરોડની માંગણી કરેલ અને જો પૈસા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોવા અંગેની ફરીયાદ કરતા આ કામના વયોવૃધ્ધ દંપતી નરેન્દ્રેભાઇ મગનલાલ શાહ અને વર્ષાબેન નરેન્દ્રભાઇ શાહે આગોતરા જામીન અરજી દાખલ કરેલ.

આ આગોતરા જામીન અરજીનું તપાસનીશ અધિકારીશ્રી વી.એસ.વણજારાએ વિરોધ કરી રજુઆત કરેલ કે આરોપીઓ રૂપીયા પાંચ કરોડની ખંડણી તેના મળતીયા દ્વારા કરાવી બળજબરીપૂર્વક કઢાવી લેવાની કોશીષ કરેલનું પ્રથમ દ્રષ્ટિએ જણાય આવેલ છે તેમજ આરોપીઓએ સમાજ વિરોધી ગંભીર પ્રકારનો ખંડણી માંગ્યાનો ગુન્હો કરેલ છે. આરોપીને કાયદાનો ડર ન હોય આગોતરા જામીન અરજી નામંજુર કરવા જણાવેલ.

આ કામમાં આરોપીના વકીલશ્રી અને પોલીસ તપાસના કાગળોને લક્ષમાં લેતા નામ.એડી.સેશન્સ જજશ્રી આર.એલ.ઠકકર સાહેબ એવા મંતવ્ય ઉપર આવેલ કે, આરોપીઓને કસ્ટોડીયરલ ઇન્ટ્રોગેશનની જરૂર ન હોય તેમજ અગાઉ દીવાની પ્રકારના કેસો થયેલા છે જેથી આગોતરા અંગેનો પ્રથમ દર્શનીય કેસ હોય જેથી રાજકોટના મહે. એડી.સેશન્સ જજશ્રી આર.એલ. ઠકકર સાહેબશ્રીએ આગોતરા જામીન મંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

આ કામે આરોપી વતી એડવોકેટ દરજજે રાજકોટના શ્રી લલિતસિંહ જે. શાહી, ભુવનેશ એલ. શાહી, કૃણાલ એલ.શાહી, ચંદ્રકાંત એમ. દક્ષીણી, યોગેશ બારોટ, તેજશ પટેલ, સુરેશ ફળદુ, વિનય ઓઝા, ધર્મેન્દ્ર ગઢવી, હીતેષ ગોહેલ, મનીષ ગુરૃંગ, નિશાંત જોષી પાર્થ ચૌહાણ રોકાયેલા હતા.

(4:19 pm IST)