Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

કોઠારીયા સોલવન્ટમાં લેઉવા પટેલ કારખાનેદાર રાજેશભાઇ વીરડીયા પર પાંચ શખ્સોનો હુમલો

કાસ્ટીંગનો કાચો માલ ખરાબ નીકળતાં તે બાબતે જાણ કરતાં ન ગમ્યું :માલ આપનાર અનોપ અકબરી, જયદિપ, ગટ્ટુ અને બે અજાણ્યા ધોકા-પાઇપથી તૂટી પડ્યા

રાજકોટ તા. ૧૦: કોઠારીયામાં પાણીના ટાંકા સામે ક્રિષ્ના પાન વાળી શેરીમાં રહેતાં અને મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં માર્શલ એન્જિનીયર્સ નામે કારખાનુ ધરાવતાં રાજેશભાઇ નાથાભાઇ વીરડીયા (ઉ.૪૬) નામના પટેલ કારખાનેદારને કારખાના નજીક હતાં ત્યારે અનોપ અકબરી, જયદિપ અને ગટ્ટુ તથા બે અજાણ્યા શખ્સોએ મળી ગાળો દઇ ધોકા-પાઇપથી હુમલો કરી માથા-શરીરે ઇજા કરતાં ફરિયાદ થઇ છે.

આજીડેમના એએસઆઇ ભોલાભાઇ સરીયાએ આ બારામાં ગુનો નોંધ્યો છે. રાજેશભાઇના કહેવા મુજબ તે પોતાના કારખાનામાં કાસ્ટીંગના કાચા માલમાંથી જુદા-જુદા પાર્ટસ બનાવે છે. કાસ્ટીંગનો કાચો માલ તેના કારખાનાની આગળની શેરીમાં આવેલા ધરતી ટેકનોકાસ્ટ વાળા અનોપ અકબરી પાસેથી ખરીદ કરે છે.

રવિવારે સવારે દસેક વાગ્યે તે કારખાને હતાં ત્યારે કાચો માલ રિજેકટ નીકળતાં ભાગીદાર મનિષભાઇ ભુવાને અનોપ અકબરીને જાણ કરી હતી. આથી અનોપે રૂબરૂ કારખાને આવી ઉશ્કેરાઇ જઇ ગાળગાળી કરી હતી અને ઝઘડો કર્યો હતો. મનિષભાઇ વચ્ચે પડતાં અનોપ જતો રહ્યો હતો અને થોડીવાર બાદ જયદિપ, ગટ્ટુ અને બીજા બે શખ્સોને સાથે લાવી ધોકા-પાઇપથી હુમલો કરતાં લોહી નીકળવા માંડ્યા હતાં. બીજા લોકો ભેગા થઇ જતાં હુમલો કરનારા ભાગી ગયા હતાં. પોતાને મિત્રો સિવિલ હોસ્પિટલે લઇ ગયા હતાં. તેમ વધુમાં રાજેશભાઇએ જણાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(3:58 pm IST)