Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

અડધુ રાજકોટ ખુલ્લુ, અડધુ બંધઃ શાળા-કોલેજોમાં રજા

સરકારી કચેરીઓ રાબેતા મુજબ ચાલુ : પોલીસનો સજ્જડ બંદોબસ્ત : સવારે કોંગી કાર્યકરો બંધ કરાવવા નિકળતા અટકાયત : યાજ્ઞિક રોડ, ધર્મેન્દ્ર રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રૈયા રોડ ઉપર બંધની આંશિક અસર : અમુક વેપારીઓએ અડધા શટર ખુલ્લા રાખ્યા : બપોરે ૧૨ પછી બજારો રાબેતા મુજબ ચાલુ

રાજકોટ, તા. ૧૦ : પેટ્રોલ - ડિઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે  રાજકોટ શહેરને ૫૦ ટકા સફળતા મળી છે. અડધુ રાજકોટ ખુલ્લુ તો અડધુ બંધ જોવા મળ્યુ હતું.

આજે કોંગ્રેસના બંધના એલાનને પગલે પોલીસ તંત્ર દ્વારા શહેરભરમાં સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેકટર કચેરી સહિત તમામ  સરકારી કચેરીઓ ચાલુ રહી હતી. ટ્રાફીક વ્યવહારમાં પણ કોઈ અગવડતા પડી ન હતી. કોંગી કાર્યકરો સવારે બંધ કરાવવા નીકળતા તેઓની અટકાયત કરવામાં આવી હતી. અમુક વેપારીઓએ દુકાનોના અડધા શટર ખુલ્લા રાખી વ્યાપાર કર્યો હતો. બપોરે ૧૨ વાગ્યા બાદ બજારો ખુલ્લી ગઈ હતી.

શહેરના યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, કેનાલ રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રૈયા રોડ, મવડી, આજીડેમો ચોકડી, ધર્મેન્દ્ર રોડ, પરાબજાર જેવા વિસ્તારો ચાલુ રહ્યા હતા અને બંધની આંશિક અસર જોવા મળી હતી.

સવારે કોંગ્રેસના કાર્યકરો બંધ કરાવવા માર્ગો ઉપર નીકળ્યા ત્યારે તેઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. અમુક જગ્યાએ કાર્યકરોએ દુકાનો બંધ કરાવતા દુકાનો બંધ કરી દીધી હતી. બાદમાં ફરીથી દુકાનો ખુલ્લી રાખી દીધી હતી તો અમુક વેપારીઓએ તો દુકાનોના અડધા શટર ખુલ્લા રાખ્યા હતા. કોંગ્રેસ દ્વારા સવારે ૯ થી ૩ સુધી બંધનું એલાન આપવામાં આવ્યુ હતું ત્યારે બપોરના ૧૨- ૧૨:૩૦ વાગ્યા બાદ બજારો ખુલી ગઈ હતી. આમ અડધુ રાજકોટ ખુલ્લુ જોવા મળ્યુ હતું તો અડધુ બંધ રહ્યુ હતું.

(3:16 pm IST)