Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

'ત્રિશલા નંદન વીર કી, જય બોલો મહાવીર કી'નો નાદ જિનાલયોમાં ગુંજી ઉઠ્યો

ચૌદ સ્વપ્નાની ઉછામણીમાં લાખો મતા ઘીની બોલી : હૈયાના 'હેત'થી વધામણાઃ દેરાવાસી ઉપાશ્રયોમાં ગુરૂ ભગવંતોએ કલ્પસૂત્રના વ્યાખ્યાન દરમિયાન પ્રભુવીરના જન્મનું વાંચન તથા ૧૪ સ્વપ્નાની ઉછામણીની બોલી બોલાઈઃ સૂત્રે જિનાલયોમાં પરમાત્માને ભવ્યાતિભવ્ય આંગી, મહાઆરતીઃ સમસ્ત જૈન સમાજમાં તપ, ત્યાગ અને ધર્મ આરાધનાનો અનેરો માહોલ

રાજકોટ, તા. ૧૦ : પર્વાધિરાજ પર્યુષણ પર્વ આમ તો રત્નત્રયીની આરાધનાનું અર્થાત સમ્યકત્વ દૃઢ કરી મોક્ષને વરવાનું પુરૂષાર્થજન્ય પર્વ છે. રત્નત્રયીની આરાધનામાં તપરૂપી અગ્નિ વડે મન, કાયા, બુદ્ધિ અને કર્મનું વિશુદ્ધ બનાવવાનો એક મહાપુરૂષાર્થ પડ્યો હોય છે.પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજે પાંચમો દિવસ છે. દેરાવાસી જૈન ઉપાશ્રયોમાં આજે ૧૪ પૂર્વધર આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામી રચિત 'કલ્પસૂત્ર'ના વ્યાખ્યાન અંતર્ગત પૂ. ગુરૂ ભગવંતોએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મનું વાંચન તથા માતા ત્રિશલાને  આવેલા ૧૪ સ્વપ્નાની ઉછામણી કરવામાં આવી હતી. રાજકોટ સહિત સર્વત્ર આ પ્રસંગ અનેરા ઉમંગ સાથે ઉજવાયો હતો. ઠેર-ઠેર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘોમાં ૧૪ સ્વપ્ના ઉતારવામાં આવ્યા હતા. દરેક સ્વપ્નાની ઉછામણી હજારો મણ ઘીની બોલી સાથે થઈ હતી. જેમાં લક્ષ્મીજીનો ચઢાવો માતબર ઘીમા બોલાયો હતો.

ઘોડીયા પારણાની બોલી પણ ઉંચા ચઢાવામાં થઈ હતી. જેના ઘરમાં ઉગ્ર તપશ્ચર્યા હોય તેઓએ ઘોડીયા પારણાનો લાભ લીધો હતો. આજે પારણુના લાભાર્થીના ઘરે વાજતે - ગાજતે ઘોડીયા પારણુ તથા ૧૪ સુપન લઈ જવામાં આવ્યા હતા. મહદ અંશે રાત્રે લાભાર્થીના ઘેર સગવડ હોય તો ભકિત સંગીતનો કાર્યક્રમ પણ યોજાનાર છે.

રાજકોટમાં ૯૨વર્ષ પ્રાચીન તીર્થ માંડવી ચોક દેરાસર તથા કાલાવડ રોડ પર આવેલ શ્રી ઋષભ જીનેન્દ્ર બાવન જિનાલયમાં બપોર પછી ૧૪ સ્વપ્નની ઉછામણીનો પ્રારંભ થયો છે. રાજકોટના મોટાભાગના જિનાલયોમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું જન્મ વાંચન તથા ૧૪ સ્વપ્ના ઉતારવામાં આવ્યા હતા. જેમાં લાખો મણ ઘીની બોલી બોલવામાં આવી હતી.

''ત્રિશલા નંદન વીર કી, જય બોલો મહાવીર કી''નો નાદ જિનાલયોમાં ગુંજી ઉઠ્યો હતો.

આવતીકાલે પર્યુષણ પર્વનો છઠ્ઠો દિવસ છે. પર્વ અંતિમ ચરણમાં પ્રવેશસે.

આજે રાજકોટમાં જાગનાથ જિનાલય, પ્રહલાદ પ્લોટ જિનાલયમાં મૂળ નાયક રૂપે ભગવાન શ્રી મહાવીર સ્વામી બિરાજમાન હોવાથી ભવ્યાતિભવ્ય આંગી રચાશે. રાત્રે જૈન - જૈનેતરો આંગીના દર્શન અર્થે જશે અને ભાવથી વંદના કરશે.(૩૭.૩)

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નો

ગજ સ્વપ્ન : આપનો પુત્ર જગતમાં હાથીને જેમ નિર્ભય થઇને વિચરશે.

ઋષભ સ્વપ્ન : આવનાર વીર પુત્ર તેના જ્ઞાન અને ચારિત્ર બળથી વિષય - કષાયરૂપી કાદવ - કીચડમાં સંસારમાં ફસાયેલા અનેક જીવોને બહાર કાઢશે.

સિંહ- આ શુરવીર પુત્ર સિંહ ની જેમ પરાક્રમી બની શાસનની ધુરા સંભાળશે.નીડર - નિર્ભય બનીને વિચરશે.

શ્રી દેવી સ્વપ્ન : આપનો પુત્ર ભૌતિક લક્ષ્મીનો ત્યાગ કરી શાશ્વતી એવી મોક્ષ લક્ષ્મી ને વરશે.

પુષ્પની બે માળા : આવનાર બાળક મોટો થઇ આગાર અને અણગાર ધર્મ સમજાવી તીર્થની સ્થાપના કરશે.

ચંદ્ર : આપનો પુત્ર ચંદ્ર સમાન શીતળ તેમજ સૌમ્ય હશે.

સૂર્ય : આવનાર બાળક જગતમાંથી મિથ્યાત્વના અંધારા દૂર કરી સૂર્ય સમાન તેજસ્વી - ઓજસ્વી બનશે.

ધજા : જેમ મંદિર પર રહેલી ધજાથી દૂરથી ખ્યાલ આવે છે તેમ આપના પુત્રની પણ યશ કીર્તિ દૂર - સુદૂર ફેલાશે.

કળશ : અમૃતના કળશમાંથી જેમ અમૃતપાન કરાવી શકાય તેમ આપનો પુત્ર જિનવાણી રૂપી જ્ઞાનામૃત પીવડાવશે.

પદ્મ સરોવર : શુભ અને પ્રેમનું પ્રતિક છે,આવનાર બાળક જયાં પણ જશે પ્રેમ અને પ્રસન્નતા ફેલાવશે.

ક્ષીર સમુદ્ર : તમારો પુત્ર સમુદ્રની જેમ અનેક જીવાત્માનો આધાર બનશે.

દેવ વિમાન : સદ્ ગતિનું પ્રતિક છે. તમારૂ સંતાન અનેકના સદ્ ગતિનું નિમિત્ત્। બનશે અને સ્વયં સિદ્ઘ ગતિને વરશે.

રત્ન રાશિ ૅં ભૌતિક સમૃદ્ઘિને પ્રગટ કરવા માટે જેમ લક્ષ્મીનું મહત્વ છે એવી રીતે આત્મિક ગુણોને પ્રગટ કરવા રત્ન રાશિનું મહત્વ છે.

(૧૪) અગ્નિ : જેવી રીતે અગ્નિ પ્રજવલિત થવાથી અંધારું ચાલ્યું જાય છે તેમ આપનો પુત્ર કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કરી દુનિયાનો પ્રકાશનો પૂંજ અને તારણહાર બનશે.(૩૭.૪)

(6:34 pm IST)