Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

આમ્રપાલી અન્ડર બ્રિજ પાસે જ્યોતિ ચશ્મા નામની દૂકાને ધબધબાટીઃ પાંચ સકંજામાં

વેપારી ભાવીન રાજ્યગુરૃ પર પૂર્વ પત્નિના પરિચીત પંકજ સોંડાગરે ટોળકી રચી હુમલો કર્યોઃ તોડફોડઃ તું કેમ તારી આગલી ઘરવાળી વર્ષાને દિકરા કેવલ સાથે વાત કરવા દેતો નથી? કહી ધમાલઃ આંગળીમાં ફ્રેકચર

રાજકોટ તા. ૯: આમ્રપાલી અન્ડર બ્રિજ પાસે ચશ્માની દૂકાન ધરાવતાં ગાંધીગ્રામના બ્રાહ્મણ યુવાન પર સાંજે તે દૂકાને હતાં ત્યારે તેની પૂર્વ પત્નિની સાથે રહેતાં શખ્સે ફોન કરીને તું કયાં છો, તારું કામ છે દુકાને જ રહેજે તેમ કહી બીજા ચાર જણાને કારમાં સાથે લઇને દૂકાને આવી તોડફોડ કરી તું કેમ તારી પુર્વ પત્નિને દિકરા સાથે વાત કરવા દેતો નથી? તેમ કહી ઢીકાપાટુનો માર મારી પાઇપથી હુમલો કરી પગની આંગળી ભાંગી નાંખી ધમાલ મચાવતાં લોકો ભેગા થઇ ગયા હતાં. ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી પાંચ શખ્સોની ધરપકડ કરી લીધી છે.

આ બનાવમાં પોલીસે ગાંધીગ્રામ ધરમનગર કવાર્ટર બ્લોક નં. ૨૩ ફલેટ નં. ૬૭૭માં રહેતાં ભાવીન પ્રવિણભાઇ રાજ્યગુરૃ (ઉ.૪૦)ની ફરિયાદ પરથી જામનગર રોડ પર રહેતાં પંકજ સોંડાગર અને ચાર અજાણ્યા વિરૃધ્ધ રાયોટીંગ, મારામારી, તોડફોડનો ગુનો નોંધ્યો છે. ભાવીન રાજ્યગુરૃએ જણાવ્યું હતું કે હું આમ્રપાલી અન્ડર બ્રિજ પાસે જ્યોતિ ચશ્મા નામથી દૂકાન ચલાવુ છું. મારે પત્નિ વર્ષા સાથે ચાર વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયા છે. પુત્ર કેવલ (ઉ.૧૧) મારી સાથે રહે છે.

મંગળવારે સાંજે સવા સાતેક વાગ્યે હું મારી દૂકાને હતો ત્યારે મારી પુર્વ પત્નિ વર્ષા સાથે રહેતાં પંકજ સોંડાગરનો ફોન આવ્યો હતો અને તું કયાં છો? એમ પુછતાં મેં તેને હું દૂકાને છું તેમ જણાવતાં તેણે ત્યાં જ રહેજે હમણા આવુ છું, તારું કામ છે તેમ કહી ફોન કટ કરી નાંખ્યો હતો. એ પછી આઠેક વાગ્યે પંકજ અને બીજા ચાર શખ્સો કાર લઇને આવ્યા હતાં અને પંકજે 'તું કેમ વર્ષાને દિકરા કેવલ સાથે વાત કરવા દેતો નથી' તેમ કહી ગાળો દીધી હતી અને બાદમાં પાઇપથી હુમલો કરી માર માર્યો હતો.

મારને કારણે પગની આંગળી ભાંગી ગઇ હતી. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં આ શખ્સો ભાગી ગયા હતાં. તેણે દૂકાનમાં પણ પાઇપના ઘા ફટકારી તોડફોડ કરી નુકસાન કર્યુ હતું. ગાંધીગ્રામના પીએસઆઇ એમ. વી. લુવા અને હંસરાજભાઇ ઝાપડીયાએ ગુનો નોંધી પંકજ સહિત પાંચેયને સકંજામાં લઇ લીધા છે. તસ્વીરમાં હુમલામાં ઘાયલ ભાવીનભાઇ અને દૂકાનમાં થયેલી તોડફોડ જોઇ શકાય છે.

(4:11 pm IST)