Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

યુનિસેફની ટીમ સિવિલ હોસ્પિટલની મુલાકાતેઃ બાળકોની સારવાર માટેની સુવિધાઓની વિસ્તૃત માહિતી મેળવી

ટીમ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધીઓ પણ જોડાયાઃ તબિબી અધિક્ષક આર. એસ. ત્રિવેદી, કે. ટી. ચિલ્ડ્રન હેડ ડો. પંકજ બુચ, ગાયનેક હેડ ડો. કમલ ગોસ્વામી સાથે કરી ખાસ ચર્ચાઃ બાળકોના અને ઝનાના વિભાગ માટે મહત્વના સુચનો કર્યા

યુનિસેફ ટીમના નિષ્ણાંતો સાથે સિવિલ હોસ્પિટલના બાળકોના અને ગાયનેક વિભાગના હેડ તથા અન્ય કર્મચારીઓ મહત્વની ચર્ચા કરતાં જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૦: અમેરિકાની યુનિસેફ (યુનાઇટેડ નેસન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમર્જન્સી ફંડ)ની ટીમ આજે રાજકોટ શહેર પીડીયુ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવી પહોંચી હતી અને તબિબી અધિક્ષક સાથે બેઠક કર્યા બાદ ગાયનેક વિભાગ, શીશુ વિભાગ ઓપીડી અને લેબર રૃમ તેમજ કે. ટી. ચિલ્ડ્રન વિભાગની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યુ હતું. આ ટીમની સાથે રાજ્ય આરોગ્ય વિભાગના સભ્યો પણ જોડાયા હતાં. સિવિલ હોસ્પિટલમાં બાળકોને લગતી સુવિધાઓ અને સારવાર અંગે ટીમે માહિતી મેળવી હતી. તેમજ ટીમના અધિકારીઓ, સભ્યો હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધા સાધનસામગ્રી અને પ્રક્રિયા વિશે પણ માહિતગાર થયા હતાં.

યુનિસેફની આ ટીમ સાથે ગુજરાતની ટીમના પ્રશાંતાદાસ સહિતના અધિકારીઓ પણ જોડાયા હતાં. યુનિસેફના નિષ્ણાંતોની ટીમમાં ઓસ્ટ્રેલિયાના બે તબિબ તથા કેન્દ્ર અને રાજ્ય પ્રતિનિધી મંડળના સભ્યો પણ સામેલ થયા હતાં. આ ટીમે ઓપીડીમાં આવેલા બાળકોના વિભાગ તથા મહિલા વિભાગની મુલાકાત લીધી હતી. આ પહેલા આ ટીમના નિષ્ણાંતો, સભ્યોએ તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદી, કે. ટી. ચિલ્ડ્રન વિભાગના ડો. પંકજ બુચ અને ગાયનેક વિભાગના ડો. કમલ ગોસ્વામી સાથે બેઠક કરી ઓપીડીની મુલાકાત પણ લીધી હતી. તેમજ સિવિલ હોસ્પિટલમાં આકાર લઇ રહેલા ગુજરાતના સોૈથી મોટા લેબર રૃમની જાણકારી મેળવી હતી અને ઝનાના વિભાગની સુવિધાઓથી વાકેફ થઇ જરૃરી સુચનો કર્યા હતાં.

આ ઉપરાંત ટીમના સભ્યોએ બાળકોના વિભાગમાં કેવી અને કેટલી સુવિધા છે? કોવિડ જેવી સ્થિતિમાં સામનો કરવા તંત્ર સજ્જ છે કે કેમ? તેની તેમજ ઓકિસજન પ્લાન્ટની માહિતી પણ મેળવી હતી. નોંધનીય છે કે ગઇકાલે યુનિસેફની આ ટીમે જામનગર જી. જી. હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આજે સાંજે ટીમના અધિકારીઓ અને સિવિલ હોસ્પિટલના અધિકારીઓ પત્રકાર પરિષદમાં વિશેષ વિગતો જાહેર કરશે. સગર્ભાઓ માટેના ૧૦૦ દિવસના સરકારના અભિગમ વિશે પણ યુનિસેફની ટીમે વિસ્તારપુર્વક માહિતી મેળવી હતી.

(4:02 pm IST)