Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

મનપાના ઢોર ડબ્બામાં ૧૪ ગાયોને લમ્પી વળગ્યો : ૪૦માં લક્ષણ દેખાયા

ઢોર ડબ્બામાં ગંદકી દુર કરવા, ગાયોના ઇલાજ કરવા માંગ

રાજકોટ તા. ૧૦ : હાલ પશુઓમાં લમ્પી વાયરસનો કહેર છે. લગભગ જગ્યાએ આ વાયરસથી પશુઓના મોત થયા છે. ત્યારે ૮૦ ફુટ રોડ ઉપર આવેલ મનપાના ઢોર ડબ્બામાં પણ લમ્પી વાયરસે ૫૪ જેટલા પશુઓમાં દેખા દીધા છે.

મનપાના ઢોર ડબ્બામાં શહેરના રાજમાર્ગો ઉપરથી રખડતા ઢોરને પકડી રાખવામાં આવે છે. તેવામાં આ ઢોર ડબ્બામાં ૧૪ ગાયોને લમ્પી વાયરસ વળગ્યો છે અને ૪૦ જેટલી ગાયોમાં લક્ષણો જોવા મળતા તંત્ર દોડતું થયું છે.

લમ્પીગ્રસ્ત અને લક્ષણોવાળી ગાયોને અન્ય સ્વસ્થ પશુઓથી દુર કરવામાં આવી છે, જેથી અન્ય પશુઓમાં આ રોગચાળો ન ફેલાય. ઉપરાંત તંત્ર દ્વારા તાકીદે ગાયોની સારવાર શરૃ કરી દેવામાં પણ આવી છે.

આ ઢોર ડબ્બામાં પારાવાર ગંદકીનો નિકાલ કરવા અને લમ્પીગ્રસ્ત ગાયોના ઇલાજ માટે માલધારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. મનપા, જિલ્લા પંચાયત અને પશુપાલન વિભાગ દ્વારા શહેરમાં ૧૪ હજારથી વધુ પશુઓને લમ્પી વાયરસનું વેકસીનેશન પણ કરવામાં આવ્યું છે અને હાલ પણ આ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

(3:53 pm IST)