Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ભારતમાતા

ડો.જ્‍યોતિ રાજ્‍યગુરૂની કલમે આઝાદીના અમૃત મહોત્‍સવ નિમિતે ખાસ કાવ્‍ય

આઝાદ હિન્‍દુસ્‍તાનના કરોડો સંતાનોની માતા છું ,

કાશ્‍મીરથી કન્‍યા કુમારી સુધી વિસ્‍તરેલા, વિશાળ ભારતવર્ષની ભાગ્‍યવિધાતા છું,

ને... દ્વારિકા થી દાર્જીલિંગ સુધી મારો જ પાલવ લહેરાય છે ,

સેકડો શહીદોના બલિદાનોથી પુલકિત શોર્ય ગાથા છું .

        હું ભારત માતા છું ...હું ભારત માતા છું .

તમને સંભળાય છે જુલ્‍મગારોએ વીંજેલા કોરડાઓ નો સખ્‍ત અવાજ ?

ને.. ધાણીફૂટ ગોળીઓ ઝીલતો છતાં ‘વંદેમાતરમ' બોલતો આઝાદીનો બુલંદ અવાજ ?

પંચોતેર વર્ષ પછી પણ અકબંધ છે કાનમાં આ વેદના - ઝંખના ,

એટલે જ તો વહેચું છું અમૃતકુંભ ની આ ચિરંજીવ સંવેદના ....

 

ભગતસિંહ , સુખદેવ અને રાજગુરુની ફાંસી છું ,

‘ખૂબ લડી મર્દાની' રાણી લક્ષ્મીબાઈની ઝાંસી છું .

‘તુમ મુઝે ખૂન દો મેં તુમ્‍હે આઝાદી દુંગા' નેતાજી સુભાષચંદ્ર બોઝ છું ,

ને.. સશષા સેના ક્રાંતિવીરોની આઝાદ હિન્‍દ ફોઝ છું.

 

તમને દેખાય છે ? નવોઢાની માંગના સિંદુરનો રંગ તિરંગામાં ?

ને.. શહીદોની વિધવાનો સફેદ રંગ ને...

ખપી ગયેલા બહાદૂર યોદ્ધાઓની લીલીછમ જવાનીનો રંગ આ ઝંડામાં ?

 

તિરંગાની આન , બાન અને શાન છે આ રંગો ,

એટલેતો વતનના આકાશમાં આઝાદ છે તિરંગો .

ક્રાંતિવીરોની માતાઓનું ઋણ છે માથા ઉપર,

ને.. કાંધોતરના બલિદાનો થકી ન્‍યોછાવર પિતા સમ દાતા છું.

        ...હું ભારતમાતા છું , હું ભારતમાતા છું .

‘દરો દીવાર પે હસરતસે નઝર કરતે હેં

ખુશ રહો અહેલે વતન હમ તો સફર કરતેહૈ'

રાષ્ટ્રીય ચેતનાના ઉદ્વિપક પંડિત રામપ્રસાદ બિસ્‍મિલની કવિતા છું ,

ને.. રણસંગ્રામમાં હતાશ યોદ્ધાને , ધર્મનો રાહ દેખાડતી ભગવત ગીતા છું . 

લાલા લજપતરાય , ખુદીરામ બોઝ અને વાસુદેવ બળવંત ફળકેથી આબાદ છું,

ફોલાદી છાતી , પરાક્રમી , વીર શહીદ ચંદ્રશેખર આઝાદ છું .

૧૮૫૭ ના વપ્‍લાવ વીર જાંબાઝ શહીદ મંગળ પાંડે છું ,

ચાપેકર બંધુઓ , ઘોષ બંધુઓ ને વિનાયક દામોદર સાવરકરનો રાષ્ટ્રવાદ છું.

 

સ્‍વયં મૃત્‍યુ પણ જેનાથી ડરતું તેવી લોખંડી મહિલા દુર્ગાવતીદેવી કે દુર્ગભાભી છું,

બેગમ હઝરત મહલ,એની બેસન્‍ટ ,લીલાવતી બેન્‍કર ,

અરુણાઅસફઅલી કે સુચિતા ક્રિપલાનીછું. 

‘મેં અપની ઝાંસી નહિ દુંગી'  મણીકર્ણિકા લક્ષ્મીબાઈ ઝાંસીની રાણી છું,

ને.. બહાદુરીની બેમિસાલ પ્રતિમા લક્ષ્મી સહેગલ કે કેપ્‍ટન લક્ષ્મી છું.

 

મેડમ ભીખાઈજી કામાને હાથે ફરકેલો પ્રથમ રાષ્ટ્રધ્‍વજ છું ,

ઉષામહેતા , દુર્ગાબાઈદેશમુખ , સરોજીનીનાયડુ ,

કસ્‍તુરબાગાંધી અને મજબુત મણીબેનપટેલ છું  

સૌથી વધુ સંતાનો ધરાવતી જગતની સૌથી સમૃદ્ધ માતા છું ,

ને.. અશાંત , યુદ્ધખોર , વિશેલા આ વિશ્વમાં ,શમતા અને શાન્‍તીપ્રદાતા છું ,

        ..હું ભારતમાતા છું , હું  ભારતમાતા છું .

લોહપુરુષ સરદાર પટેલ ની ચાણક્‍યનીતિ ને લાલ બહાદુર શાસ્ત્રીની શહાદત છું,

દાદાભાઈ નવરોજી , મૌલાના અબુલકલામ આઝાદ ને અશફાક ઉલ્લાખાન ની ઈબાદત છું.

સત્‍ય , અહિંસા ,મ અસહકાર અને ઉપવાસની જબરજસ્‍ત આંધી છું ,

અંગ્રજી હકુમતને ધ્રુજાવતા , કેવળ પોતડી  પહેરેલા યુગપુરુષ મહાત્‍મા ગાંધી છું.

 

રાષ્ટ્રીય પર્વોને કેવળ રજા સમજનારા ભારતવાસીઓ

રાષ્ટ્રીય એકતાને જગાડવા હિ આકાંક્ષી , અભિલાષી છું ,

ને... ફિરંગીઓની  ગુલામીમાંથી તો આઝાદ થઇ ગઈ

પણ મારા જ વિદ્રોહી સંતાનો થી ત્રસ્‍ત ને ત્રાતા છું.

        ...હું ભારત માતા છું , હું ભારત માતા છું.

રચયિતાઃ પ્રા.ડો.જયોતિ રાજયગુરૂ (રાવલ) રાજકોટ

(3:20 pm IST)