Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

આપણી પ્રજ્ઞાને સંજ્ઞામાંથી બહાર કાઢી પ્રભુ આજ્ઞા તરફ વળવાની જરૂરઃ પૂ. પદ્મનદર્શન વિ.મ.

રાજકોટ તા. ૧૦ :.. ગિરનાર તીર્થની ગોદમાં આવેલ ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય પૂ. હેમવલ્લભસૂરિજી મહારાજ અને પૂ. પ્રવચનપ્રભાવક પંન્‍યાસ  પદ્મદર્શનવિજયજી મહારાજે પ્રવચન પ્રસાદી પાઠવતાં કહ્યું હતું કે, આપણી પ્રજ્ઞાને સંસ્‍થામાંથી બહાર નીકાળી પ્રભુની આજ્ઞા તરફ વાળવાની જરૂર છે. આજનો માનવ આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ પૈકી કયાંકને કયાંક અટવાયો છે. ચાર કુંડાળામાંથી કોઇને કોઇ કુંડાળામાં ફસાયો છે. કેટલાક વર્ગ તો ખાવા માટે જ જીવી રહ્યો હોય તેવું સ્‍પષ્‍ટ લાગે છે. શરીરને ટકાવવા માટે ખાવું પડે તે તો સમજયા પણ શરીરને સજાવવા માટે ખાવું તે બરાબર નથી.

રાષ્‍ટ્ર, સંસ્‍કૃતિ અને સમાજની દુર્દશાના મૂળમાં સંપતિની ભૂખ છે. આ દેશમાં પ્રજા પૂર્વે સુખ અને શાંતિથી જીવતી હતી કારણ કે વિતૈષણા (ધનની ભૂખ) બહુ અલ્‍પ હતી. શ્રીમંતો, શિક્ષિતો અને શહેરીજનોની ધન ભૂખ પ્રતિદિન વધતી જાય છે. એમને જેટલું જોઇએ એના કરતા કંઇક ગણું વધુ મળ્‍યું છે. છતાંય એમને તૃપ્તિ થતી નથી. એમને ગરીબો, ગ્રામીણો અને ગિરીજનો દેખાતા નથી. દુઃખીજનોના દુઃખોની વાતો સુખીઓ જલ્‍દી સમજી શકતા નથી. જો શ્રીમંતો એમના દુઃખોને મન ઉપર લેતા થઇ જાય તો દુઃખનું નામ નિશાન સમગ્ર વિશ્વમાં ટકી શકશે નહીં.

(1:22 pm IST)