Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

આવતા બુધવારે સાંજે પ વાગ્યે લોકમેળાનું ઉદ્ઘાટન

આ વખતે સવારને બદલે સાંજે ખુલ્લો મુકાશેઃ કલેકટરની જાહેરાતઃ ઉદઘાટન સંદર્ભે મુખ્યમંત્રી સહીતના મહાનુભાવોને આમંત્રણ : ફુડની કવોલીટી વધુ ભાવો સામે ચાર તંત્રની ટીમોનું સતત ચેકીંગ, લોકોની સલામતી અંગે પોલીસ તથા ખાનગી સિકયુરીટીનો જડબેસલાક બંદોબસ્ત રખાશે : બાળકો મીસીંગ થાય-મોબાઇલ ખોવાઇ જાય તો તે અંગે સ્ટેજ ઉપરથી એનાઉન્સમેન્ટની ખાસ વધારાની સુવિધા

રાજકોટ, તા., ૯: રાજકોટનો લોકમેળો જયા યોજવાનો છે તે મેદાન ઉપર સ્થળ નિરીક્ષણ બાદ કલેકટરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બે વર્ષ બાદ લોકમેળો થઇ રહયો હોય, મેળામાંમહાલવા માટે આ વખતે લોકોમાં અદમ્ય ઉત્સાહ છે અને રાજકોટ-સૌરાષ્ટ્રભરમાંથી લોકો મેળો  મહાલશે.

કલેકટરે જણાવેલ કે આ વખતે લોકમેળાનું સવારે ૧૦ વાગ્યે નહી પરંતુ ૧૭મીએ સાંજે પ વાગ્યે ઉદઘાટન કરાશે. આ માટે મુખ્યમંત્રી તથા રાજય સરકારના અન્ય પ્રતિનિધીઓને ખાસ નિમંત્રણ પાઠવાયા છે. મેળામાં મેઇન સ્ટેજ ઉપરાંત અન્ય એક સ્ટેજ પરફોમન્સ માટે રહેશે. જેમાં રાજકોટની પ્રજા ડાન્સ, મીમીક્રી, ગીત, મ્યુઝીક વિગેરે કલા પીરસી શકશે.

કલેકટરે જણાવેલ કે મેળામાં તમામ કોમર્શીયલ સ્ટોલ અપાઇ ગયા છે. આ ઉપરાંત સરકારી સંસ્થાઓ-ઇન્ડેક્ષ-સી, કોર્પોરેશન, કલેકટર પોલીસ તંત્ર, જીલ્લા પંચાયત, રાજય સરકારની અન્ય યોજનાઓના ખાસ સ્ટોલ રહેશે. કલેકટરે જણાવેલ કે મેળાની આવકમાંથી રપટકા રકમ મુખ્યમંત્રી સ્ટેટ ડીઝાસ્ટર રિલીફ ફંડમાં ૧૭મીએ અપાશે.

પીવાના પાણીની અને સારી કવોલીટીનું પાણી મળે તે માટે કોર્પોરેશનને સાથે રાખી વ્યવસ્થા કરાઇ છે. ટોયલેટની જે સમસ્યા હોય છે તે જોતા આ વખતે આરએમસીની શૌચાલય ગાડી ઉપરાંત અન્ય એકસ્ટ્રા પ ગાડીઓ (મોબાઇલ ટોયલેટ) ખાસ રહેશે.

મેળામાં લોકોને સારી કવોલીટીનું ફુડ મળે તે માટે અને ભાવો વધુ ન લેવાય તે માટે ૪ સરકારી તંત્રોની ટીમોનું રાઉન્ડ ધ કલોક ખાસ ચેકીંગ રહેશે.

આ ઉપરાંત કોઇ પણ ક્રાઇમની ઘટના ન બને તે માટે આખા મેળામાટે સીસીટીવી કેમેરા રખાશે અને તેનું મોનીટરીંગ પોલીસ અને કલેકટરના કન્ટ્રોલ રૃમમાં રહેશે.

કોઇ બાળક મીસીંગ થાય, કોઇનો મોબાઇલ ખોવાઇ જાય, કિંમતી વસ્તુ પડી જાય, કોઇને મળી હોય, તો તેના એનાઉન્સમેન્ટ માટે મુખ્ય સ્ટેજ ઉપર એનાઉન્સમેન્ટની ખાસ વ્યવસ્થા કરાઇ છે.

કલેકટરે જણાવેલ કે કોરોનાના કેસો જોતા લોકો માસ્ક અચુક પહેરે, વેકસીનના બે ડોઝ અચુક લ્યે તેવી અપીલ છે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા મેળામાં ખાસ વેકસીનેશન સેન્ટર રખાશે. તેમજ રેપીડ એન્ટીજન ટેસ્ટ માટે ખાસ બે સ્ટોલ ઉભા કરાશે.

કલેકટરે ઉમેર્યુ હતું કે આ વર્ષ ચુંટણીનું હોય, મતદારો જાગૃતી માટે, ૧૮ વર્ષના યુવક-યુવતીઓ ખાસ મતદાર બને તે સંદર્ભે કલેકટર તંત્ર તરફથી ખાસ સ્વીટ એકટીવીટીનો સ્ટોલ ઉભો કરાઇ રહયો છે.

રાઇડસ ઉભી થઇ રહી છે. અને તેના ચેકીંગ-ફિટનેશ સર્ટીફીકેટ માટે મીકેનીકલ ઇજનેરનો આજથી જ કામગીરી શરૃ કરી દેવા સુચના અપાઇ છે.

(4:27 pm IST)