Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

કારખાનાની અગાસીએ હોર્ડિંગ લગાવતી વખતે ભૂપગઢના મામા-ફઇના બે ભાઇને વિજકરંટ લાગ્‍યોઃ એકનું મોત

માલધારી ફાટક પાસે સોમનાથ ઇન્‍ડસ્‍ટ્રીયલ એરિયામાં બનાવ : વિવેક વાઢેરે દમ તોડયોઃ રાજેશ રાઠોડ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૯: ગોંડલ રોડ માલધારી ફાટક પાસે કારખાનાની અગાસીએ ચડી ભૂપગઢના મામા-ફઇના બે ભાઇઓ હોર્ડિંગ્‍સ લગાવતાં હતાં ત્‍યારે બાજુમાંથી પસાર થતાં વિજતારમાંથી કરંટ લાગતાં એકનું મોત નિપજ્‍યું હતું. બીજાને સારવાર માટે દાખલ કરાયો હતો. આ બનાવથી રજપૂત પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ ભૂપગઢ રહેતાં વિવેક ભુપતભાઇ વાઢેર (ઉ.૩૧) અને તેના મામાનો છોકરો રાજેશ ભુપતભાઇ વાઢેર (ઉ.૩૩) સાંજે સાડા સાતેક વાગ્‍યે માલધારી ફાટક સોમનાથ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં આવેલા પોતાના ગોપીનાથ ઇન્‍ડસ્‍ટ્રી નામના કારખાને હતાં ત્‍યારે સાંજે અગાસીએ જઇ કારખાનું હોર્ડિંગ ફીટ કરતી વખતે બાજુમાંથી વિજતાર પસાર થતો હોઇ તેને બંનેના હાથ અડી જતાં કરંટ લાગતાં સિવિલ હોસ્‍પિટલમાં  ખસેડાયા હતાં. પરંતુ અહિ વિવેક વાઢેરનું મોત નિપજ્‍યું હતું. જ્‍યારૈ રાજેશને સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યો હતો.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં એએસઆઇ વી. બી. સુખાનંદી અને વિક્રમભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર વિવેક તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

રેલનગરમાં વિજકરંટથી પરપ્રાંતિય યુવાનનું મોત

અન્‍ય બનાવમાં હુડકો ચોકડી પાસે કિરણનગર-૯માં રહેતો પરપ્રાંતિય યુવાન રાજેશ શકરૂભાઇ બાગ (ઉ.૨૦) રેલનગર સાધુ વાસવાણી કુંજ રોડ પર મા કોમ્‍પલેક્ષ ખાતે કામ કરતો હતો ત્‍યારે વિજકરંટ લાગતાં બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂએ જાણ કરતાં પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(10:57 am IST)