Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ત્રંબામાં વાડીમાં દંપતિ પર હુમલો કરી લૂંટ

પ્રવિણભાઇ પટેલની વાડીમાં રાતે બારેક વાગ્‍યે બનાવઃ એમપીના મજૂર કુંવરસિંગ અને પત્‍નિ કમલા પર ભરઉંઘમાં ૪ લૂંટારૂઓએ ધોકા-પાઇપના ઘા કરી રૂમમાં ઘઉંની કોઠીમાં સંતાડેલી રોકડ લૂંટી લીધીઃ પચાસેક હજાર બચી ગયા

રાજકોટ તા. ૯: ત્રંબામાં પટેલની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્‍યપ્રદેશના દંપતિ પર રાતે બંને ભર ઉંઘમાં હતાં ત્‍યારે ચાર લૂંટારૂઓએ ધોકા-પાઇપથી હુમલો કરી ઇજા પહોંચાડી વાડીની ઓરડીમાં ઘઉંની કોઠીમાં સંતાડીને રાખેલી રોકડ લૂંટી ગયા હતાં. બાકીની રોકડ કોઠીમાં ઉંડે સુધી હોઇ બચી ગયાનું જાણવા મળ્‍યું છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ ત્રંબામાં આવેલી પ્રવિણભાઇ તેજાભાઇ ત્રાપસીયા (પટેલ)ની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્‍યપ્રદેશના કુવરસિંગ કેરમસિંગ અજનાર (ઉ.૩૦) અને તેની પત્‍નિ કમલા કુંવરસિંગ અજનાર (ઉ.૨૫)ને રાતે ઘાયલ હાલતમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જેમાં પત્‍નિને પ્રાથમિક સારવાર અપાઇ હતી. જ્‍યારે કુવરસિંગને ગંભીર ઇજા પહોંચી હોઇ દાખલ કરવામાં આવ્‍યો હતો.

તબિબની પ્રાથમિક પુછતાછમાં કુંવરસિંગે રાતે બારેક વાગ્‍યે પોતે ખાટલામાં સુતો હતો ત્‍યારે ઓચીંતા તેની માથે બેસી જઇ ધોકા-લોખંડના એંગલથી હુમલો કર્યાનું કહેતાં પોલીસને જાણ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ આજીડેમ પોલીસને જાણ કરતાં પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ ગઢવી, એએસઆઇ વી. બી. સુખાનંદી, વિક્રમભાઇ અને ડી. સ્‍ટાફની ટીમ હોસ્‍પિટલે દોડી આવી હતી અને કુવરસિંગ પાસેથી વિગતો મેળવી હતી.

 કુવરસિંગે જણાવ્‍યું હતું કે પોતે અને પત્‍નિ બહાર ખાટલામાં સુતા હતાં. ચાર દિકરી અને ત્રણ દિકરા મળી સાત સંતાનો હોઇ તે પણ રૂમમાં અને ઓસરીમાં સુતા હતાં. અચાનક જ પોતાના પર હુમલો થયો હતો. દેકારો થતાં પત્‍નિ જાગી જતાં તેને અને મારકુટ થઇ હતી. બાળકો જાગી જતાં તેને પણ લૂંટારાઓએ ડારો દઇ ચુપ રહેવા કહ્યું હતું. એ પછી લૂંટારા રૂમની ઓરડીમાં ગયા હતાં અને તેમાં ઘઉંની કોઠીમાં રાખેલી રોકડ લૂંટી ગયા હતાં.હોસ્‍પિટલના બિછાનેથી કુંવરસિંગે કહ્યું હતું કે ચાર લૂંટારા હતાં જે પેન્‍ટ-શર્ટ-ટીશર્ટ પહેરીને આવ્‍યા હતાં. કંઇ બોલ્‍યા નહોતાં. સીધો હુમલો કરીને માર મારીને લૂંટ કરી ગયા હતાં. તેમજ રૂમમાં પણ બધુ વેરવિખેર કર્યુ હતું. જેમાં ઘઉંની કોઠીમાંથી ત્રીસેક હજારની રોકડ લૂંટારૂ લઇ ગયા હતાં. પોલીસે ઘટના સ્‍થળે જઇ તપાસ કરતાં કોઠીમાંથી બીજી અડધા લાખ જેવી રકમ મળી હતી. જો કે આ રકમ લૂંટારૂને ન મળતાં બચી ગયાનું રટણ કુવરસિંગે કર્યુ હતું. ખરેખર કેટલી રકમ ગઇ? તે અંગે તપાસ યથાવત રાખવામાં આવી છે.

(12:01 pm IST)