Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ધારાશાસ્ત્રી સંજય પંડીત ૧ વર્ષ માટે સસ્પેન્ડ

રાજકોટ,તા.૧૦: ધ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે રાજકોટના ધારાશાસ્ત્રી સંજય પંડિતને એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સ્ટેટરોલ પર નોંધાયેલ દરેક ધારાશાસ્ત્રીઓએ એડવોકેટસ એકટનું પાલન કરવા માટે કાયદેસર રીતે બંધાયેલા હોય છે અને જો કોઈપણ ધારાશાસ્ત્રી એડવોકેટ એકટની કલમ ૩૫ હેઠળ વ્યવસાયિક ગેરવર્તણુંક કરે અથવા અન્ય ગેરવર્તણુંક કરે તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાત નિયત સમય માટે અને ગંભીર પ્રકારની ગેરવર્તણુંક હોય તો કાયમી પણ એડવોકેટ તરીકેની સનદ રદ કરતા હોય છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ગેરવર્તણુંક કરનાર ધારાશાસ્ત્રી વિરૂધ્ધ એડવોકેટ એકટની કલમ ૩૫ હેઠળ કોઈપણ પ્રકારની ફરીયાદ આવેલ હોય તો તેવી ફરીયાદ પર ઊંડાણમાં ચર્ચા- વિચારણા કરી બન્ને પક્ષોને તક આપ્યા પછી કોઈપણ ધારાશાસ્ત્રી વિરૂધ્ધ શિસ્તભંગની કાર્યવાહી કરવી કે નહિ તેનો  નિર્ણય લેવામાં આવે છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ આવેલી આવી ફરીયાદો માટે શિસ્ત કમિટી નં.૫ દ્વારા ફરીયાદ અન્વયે પુરાવા લઈ ધારાશાસ્ત્રીને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવેલ.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની શ્રી દિનેશ એન.પટેલ, શ્રી પ્રવિણ ડી.પટેલ તથા શ્રી કિશોર આર. ત્રિવેદી બનેલી શિસ્ત કમિટીનં-૫એ ફરીયાદી શ્રી પ્રકાશ બી.અડવાણીએ રાજકોટના એડવોકેટ શ્રી સંજય બી.પંડીત વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં એવો આક્ષેપ કરેલ કે પ્રતિવાદી એડવોકેટ ફરીયાદીના ચાલી રહેલ કૌટુંબિક તકરારના કેસમાં બન્ને તરફે વકીલ તરીકે રહ્યા હતા. જે ફરીયાદ શિસ્ત કમિટી નં.૫ સમક્ષ ચાલી જતાં શ્રી સંજય બી. પંડીતને બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના ચેપ્ટર- ૨, ભાગ- ૭ તેમજ એડવોકેટસ એકટ, ૧૯૬૧ની કલમ ૩૫ (૩) (સી) અન્વયે એડવોકેટ તરીકે એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો હુકમ કરેલ હોવાનું બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ઈન્ચાર્જ સેક્રેટરી શ્રી પી.એમ. પરમારે જણાવ્યું હતું.

(4:12 pm IST)