Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ પામનાર માતાની અંતિમક્રિયા દિકરાને વિડીયો કોલીંગથી બતાવતાં હૈયા હચમચાવતાં દ્રશ્યો સર્જાયા

કોરોનાના દર્દીઓની ધાર્મિક વિધીવિધાન સાથે અંતિમવિધી કરાવી માનવતાની જ્યોત જલાવે છે કોવિડ-૧૯ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ : તબિબો, નર્સિંગ સ્ટાફ, હોસ્પિટલના સર્વન્ટ, સેનેટરી ઇન્સ્પેકટર, એમ્બ્યુલન્સ સ્ટાફ સહિતની કાબીલેદાદ કામગીરી : આ મહામારીનો ભોગ બનનારની અંતિમવિધી દરેક ધર્મના રીતી રિવાજ મુજબ કરવી એ પણ એક પડકારઃ આ કામગીરીને શરૂઆતથી જ ડો. એમ. સી. ચાવડા અને ટીમ સુપેરે નિભાવે છે

રાજકોટ તા. ૧૦:  કોરોનાની ભયાવહતા કેવી હોય, જ્યારે કોઇ સ્વજન કોરોનાથી મોતને ભેટે ત્યારે ઘર-કુટુંબના જ સભ્યો રૂબરૂ અંતિમવિધીમાં પણ ન આવી શકે અને વિડીયો કોલીંગથી અંતિમવિધી નિહાળવી પડે ત્યારે કેવી હાલત થાય?...આવા દ્રશ્યો અવાર-નવાર સિવિલ હોસ્પિટલ કોવિડ-૧૯ સેન્ટરમાં સર્જાય છે. ત્યારે હૈયા હચમચી જાય છે. માનવ જીવનમાં સમગ્ર જીવનચક્ર દરમિયાન જન્મથી માંડીને મૃત્યુ સુધીની ધાર્મિક સંસ્કારવિધિ હોય છે. આ તમામ સંસ્કાર વિધી સાથે આસ્થા જોડાયેલી હોવાથી તેનું મહત્વ ઘણું હોય છે. કોવીડ-૧૯ના સંક્રમણ સમયમાં જયારે કોરોના સંક્રમણનું નામ માત્ર સાંભળીને લોકોમાં ભયનું લખલખું પસાર થઇ જાય છે. ત્યારે કોરોના સંક્રમીત દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયા બાદ અંતિમવિધિ ધાર્મિક વિધિવિધાન અનુસાર અને એ પણ તે દરેકના ધાર્મિક રીતીરીવાજ અનુસાર કરવી એ એક પડકાર છે. રાજકોટ ખાતેની સીવીલ હેાસ્પીટલ સ્થીત  કોવીડ-૧૯ હોસ્પીટલ ખાતે આ પડકારજનક અને માનવીય કાર્યને કોવીડ-૧૯ની શરૂઆતથી અત્યાર સુધી સુપેરે નિભાવી રહ્યા છે ડો. મહેન્દ્રભાઇ સી. ચાવડા અને તેની ટીમ....

તા. ૧૮-૩-૨૦થી જ કોવીડ-૧૯ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા અને પ્રથમ કોરોનો સંક્રમિત દર્દીના મૃત્યુથી જ આ કાર્યને ખંત અને નિષ્ઠાથી નિભાવી રહેલા ડો. ચાવડા આ અંગે વધુમાં જણાવે છે કે WHO  અને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમીત દર્દીનું મૃત્યુ થાય ત્યારે તેની અંતિમ વિધી એટલે કે મૃતકોને દફનાવવા કે અગ્નિસંસ્કાર કરવા તે બાબતે ચોકકસ નિયમોનું પાલન કરવાનું રહે છે. તેમાંય ખાસ કરીને મૃતદેહને હોસ્પિટલથી તેમના ધર્મ અનુકુળ સ્થળે અંતિમક્રિયા સુધી પહોંચાડવા માટે સરકાર દ્વારા નક્કી થયેલા નિયમોનુસાર થાય તે માટે હોસ્પિટલનો સર્વન્ટ, સેનેટરી ઇન્સપેકટર અને એમ્બ્યુલન્સ સ્ટાફ  જતો હોય છે. જેમાં એમ્બ્યુલન્સમાં મૃતકના વધુમાં વધુ ચાર સગા અને પરિજનો જયારે ફાયરબ્રિગેડની ખાસ વાનમાં માત્ર મૃતદેહને નિશ્યિત અંતિમવિધીના સ્થળે લઇ જવામાં આવે છે. જયાં તમામ લોકોને પી.પી.ઇ. કીટ પહેરાવી અંતિમવિધિ ખાતે મૃતદેહથી ૧૦ ફુટના અંતરે રાખવામાં આવે છે.

ઘણા કિસ્સામાં કોરોના સંક્રમણમાં મૃત્યુ થનાર મૃતકના અંતિમ સંસ્કાર વિધિમાં પરીવારના સભ્યો પણ ન જોડાઇ શકતા હોવાથી તેઓની મનોસ્થિતિ વર્ણવી ન શકય તેવી હોય છે. આવા સમયે તેઓને સાંત્વના-હૈયાધારણ આપવી અને તેઓને આ પરિસ્થિતિ સાથે સમજુતી કરવા સમજાવવાએ ઘણું જ વિષમ છે.

ગયા મહિને બનેલા આવા જ એક સંવેદનશીલ બનાવથી સોૈના હૈયા હચમચી ગયા હતાં. અમરેલીના મોટી ઉંમરના મહિલાના મૃત્યુના કિસ્સાને વર્ણવતા ડો. ચાવડા કહે છે કે આ મહિલાના તમામ સભ્યો હોમ કવોન્ટાઇન હોવાથી અંતિમવિધીમાં ઉપસ્થિત રહી શકે તેમ ન હતા. તેમનો એક દીકરો ખુદ પણ કોરોના હોસ્પિટલ ખાતે આઇસોલેશનમાં હતો. આથી તમામ પરિવારના સભ્યોની સંમતિ લઇને આ મહિલાની અંતીમ વિધી હાસ્પિટલના આ કાર્ય સંભાળતા સ્ટાફ દ્વારા જ કરાઇ હતી. તેના દિકરાની ઇચ્છા મુજબ અંતિમવિધીની તમામ ક્રિયા વિડિયોકોલીંગ દ્વારા તેને લાઇવ બતાવાઇ હતી. માનવતાની ચરમસીમા અને કોરોનાકાળની ભયાવહતા દર્શાવતી આ હદયસ્પર્શી ઘટનાએ અમારા સૌ કોઇના હૈયા હચમચાવી દીધા હતા.

શરૂઆતના તબ્બકે કોરોના સંક્રમિત દર્દીના મૃત્યુ બાદ તેના મૃતદેહની સ્મશાનમાં અંતિમવિધી અને કબ્રસ્તાનમાં દફનવિધિ માટે સ્થાનિક લોકો સંક્રમણના ફેલાવાની ગેરસમજના કારણે આનાકાની કરતા પરંતુ મૃત્યુ બાદ અંતિમવિધી થઇ જતાં ૨૪ કલાકમાં જ કોરોનાના જંતુઓ આપમેળે નાશ પામે છે તેવી સમજાવટ આપ્યા બાદ હવે કોઇ પણ અવરોધ વગર અંતિમવિધિ સંપન્ન કરી શકાય છે.

જીવનના અંતિમ સત્ય એવા સ્વજનના મૃત્યુ બાદ તેની અંતિમવિધી જેવી સંવેદનશીલ કામગીરી પણ કોવીડ-૧૯ની સારવારમાં સક્રિય એવા તબીબી સ્ટાફ દ્વારા થઇ રહ્યું છે. તેઓની આ ફરજ નિષ્ઠાને વખાણવી જ રહી.

(2:35 pm IST)